હરિક્રિષ્ના શર્મા: પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ સરકારની વાપસી પછી બીજેપી ઉત્સાહિત છે. આવનાર સમયમાં બીજેપી પોતાની બધી તાકાત દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકમાં લગાવશે,જ્યાં મે મહિનામાં ચૂંટણી થવાની છે. કર્ણાટક તે છ મોટા રાજ્યોમાં સામેલ છે, જ્યાં 2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા વિધાનસભા ચૂંટણી થવાની છે.
કર્ણાટક જે દેશની વસ્તીનો 5.04 ટકા હિસ્સો ધરાવે છે. અહીં 543 લોકસભા સભ્યોમાંથી 28 (5.35 ટકા) ચૂંટાઇને દિલ્હી જાય છે. ઉત્તર પ્રદેશ (80 બેઠકો), મહારાષ્ટ્ર (48), પશ્ચિમ બંગાળ (42), બિહાર (40), તમિલનાડુ (39) અને મધ્યપ્રદેશ (29) પછી સૌથી વધુ લોકસભા સાંસદો ધરાવતા રાજ્યોની યાદીમાં આ કર્ણાટક સાતમા સ્થાને છે.
કર્ણાટકમાં વિધાનસભામાં બીજેપીનું પ્રદર્શન
કર્ણાટકમાં 1956થી અત્યાર સુધી 14 વિધાનસભા ચૂંટણીઓ થઈ છે. કર્ણાટકના રાજકીય નકશામાં ભાજપનો સતત ઉદય જોવા મળી રહ્યો છે. 1980માં તેની સ્થાપના પછી પાર્ટીએ રાજ્યમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી હતી. પ્રથમ વિધાનસભામાં જ તેણે પોતાનો પ્રભાવ બતાવ્યો હતો. 1980માં બીજેપીએ 110 બેઠકો (કુલ 224માંથી)પર ચૂંટણી લડી હતી 18 બેઠકો જીતી હતી. તેને 7.93 ટકા મત મળ્યા હતા.
1985માં આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 116 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ માત્ર 2 જ બેઠકો જીતી હતી, તેનો વોટ શેર ઘટીને 3.88 ટકા થયો હતો. રામકૃષ્ણ હેગડેની આગેવાની હેઠળની જનતા પાર્ટીએ 1985ની ચૂંટણીમાં 43.60 ટકા વોટ શેર સાથે 139 બેઠકો જીતી હતી.
1989માં પણ ભાજપનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. તેને 4 બેઠકો મળી હતી અને 4.14 ટકા વોટ શેર રહ્યો હતો. પરંતુ નેવુંના દાયકાના મધ્યભાગથી જ્યારે અયોધ્યા આંદોલનને પગલે પાર્ટીને પ્રોત્સાહન મળ્યું ત્યારે તેનો ગ્રાફ વધ્યો હતો.
1994ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 16.99 ટકા વોટ શેર સાથે 40 બેઠકો જીતી હતી. 1999માં બેઠકો વધી અને આંકડો 44 પર પહોંચ્યો હતો. 2004ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 79 બેઠકો મળી હતી. 2007માં બીજેપીના બીએસ યેદિયુરપ્પા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. યેદિયુરપ્પાએ 12 નવેમ્બર, 2007ના રોજ સીએમ તરીકે શપથ લીધા હતા, પરંતુ માંડ એક અઠવાડિયા પછી JD(S) નેતૃત્વએ ભાજપને ટેકો આપવાનો ઇનકાર કરતા તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
2008માં ફરી ચૂંટણીઓ યોજાઈ ત્યારે ભાજપે 110 બેઠકો મળી હતી. યેદિયુરપ્પાએ ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, અને તે મે 2008થી ઓગસ્ટ 2011 સુધી સીએમ રહ્યા હતા. તે પછી સદાનંદ ગૌડા એક વર્ષથી ઓછા સમય માટે પદ પર રહ્યા. 2013ની વિધાનસભાની ચૂંટણીના માત્ર એક વર્ષ પહેલાં ભાજપે ગૌડાને બદલીને જગદીશ શેટ્ટરને સીએમ બનાવ્યા હતા, જેઓ એક વર્ષથી ઓછા સમય માટે આ પદ પર રહ્યા હતા. યેદિયુરપ્પાએ ચાર વખત સીએમ તરીકે શપથ લીધા હોવા છતાં એક પણ વખત કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા.
આ પણ વાંચો – મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને વિદેશમાં પીએમ મોદીની ટિપ્પણીની યાદ અપાવી, વિપક્ષમાં કેટલાક રાહુલ પર મૌન રહ્યા
2013માં ભાજપે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેને ફક્ત 40 બેઠકો મળી હતી અને વોટ શેર 19.89 ટકા થઈ ગયો હતો. તે વર્ષે કોંગ્રેસે સરકાર બનાવી હતી. 2018માં જ્યારે ભાજપમાં મોદી યુગ શરૂ થયો હતો ત્યારે પાર્ટીએ જમીન પાછી મેળવી હતી અને 104 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. તેનો વોટ શેર 36.22 ટકા હતો. જોકે લાંબી ખેંચતાણ પછી રાજ્યમાં કોંગ્રેસ અને જેડીએસે સરકાર બનાવી હતી. આ સરકાર પડી ગયા પછી યેદિયુરપ્પા સીએમ બન્યા હતા. હાલના સમયે બીજેપીના બસવરાજ બોમ્મઇ સીએમ છે.
કેમ કોંગ્રેસને નજર અંદાજ ના કરાય?
કર્ણાટકમાં 1985 અને 1994 સિવાયની તમામ 14 વિધાનસભાની ચૂંટણીઓમાં એક બાબત સામાન્ય રહી છે કે તે સત્તા ગુમાવી હોવા છતાં પણ વોટ શેરની દ્રષ્ટિએ કોંગ્રેસ ટોચે રહ્યું છે. તેનો રાજ્યમાં ક્યારેય 26% થી નીચે વોટ શેર ગયો નથી. 2018ની છેલ્લી ચૂંટણીમાં પણ કોંગ્રેસનો વોટ શેર 38.04 ટકા હતો, જે ભાજપ કરતા લગભગ 2 ટકા વધુ હતો.
1985માં પહેલી વખત કોંગ્રેસને સૌથી વધુ વોટ શેર ના મળ્યો. જ્યારે જનતા પાર્ટીએ 139 બેઠકો જીતી અને 43.60 ટકા વોટ શેર મેળવ્યો હતો. જે કોંગ્રેસની 65 બેઠકો અને 40.82 ટકા વોટ શેરને વટાવી ગયો હતો. 1994માં જ્યારે જનતા દળ સત્તા પર આવી ત્યારે તેને 115 બેઠકો અને 33.54 ટકા વોટ શેર રહ્યો હતો. જ્યારે કોંગ્રેસને 34 બેઠકો મળી હતી અને 26.95 ટકા વોટ શેર રહ્યો હતો.
1983 સુધી રાજ્યમાં કોંગ્રેસનું પ્રભુત્વ હતું
1983 સુધી રાજ્યમાં કોંગ્રેસનું પ્રભુત્વ હતું. 1983ની ચૂંટણીમાં જનતા પાર્ટીના નેતા રામકૃષ્ણ હેગડેએ કર્ણાટકમાં પ્રથમ બિન-કોંગ્રેસી સરકારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. એક સમય એવો હતો જ્યારે કોંગ્રેસના અનેક નેતાઓ બિનહરીફ ચૂંટાયા હતા. દાખલા તરીકે, 1957માં છ બેઠકો બિનહરીફ જીત્યા હતા. જ્યારે 1962માં કોંગ્રેસના બે ઉમેદવારો, બિનહરીફ જીત્યા હતા. જેડીએસના ઉદયે પણ કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું છે.
2019ની લોકસભા ચૂંટણીમાં પ્રદર્શન
2019ની લોકસભા ચૂંટણીનું વિશ્લેષણ દર્શાવે છે કે ભાજપ (જેણે 25 લોકસભા બેઠકો જીતી છે) 170 વિધાનસભા બેઠકોમાં પ્રથમ ક્રમે છે. કોંગ્રેસે 1 લોકસભા સીટ જીતી અને 36 વિધાનસભા સીટમાં પ્રથમ સ્થાન મેળવ્યું. જેડી(એસ) અને અપક્ષો અનુક્રમે 10 અને 8 વિધાનસભા બેઠકોમાં આગળ હતા.
ભાજપનો વોટ શેર 2018ની વિધાનસભા ચૂંટણીમાં 36.22 ટકાથી વધીને 2019ની લોકસભા ચૂંટણીમાં 51.72 ટકા જેટલો થયો હતો. જોકે અગાઉની લોકસભા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે સામાન્ય અને વિધાનસભા ચૂંટણીઓમાં મતદાનની પેટર્ન સમાન નથી. દાખલા તરીકે 2013ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 122 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપ અને JD(S) બંનેને 40-40 બેઠકો મળી હતી. જોકે એક વર્ષ પછી જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપે 17 બેઠકો જીતી અને 132 વિધાનસભા બેઠકોમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તેનો વોટ શેર 2013માં 20 ટકાથી વધીને 2014માં 43.37 ટકા થયો હતો.
બીજી તરફ કોંગ્રેસે 2014માં કર્ણાટકમાં માત્ર 9 લોકસભા બેઠકો જીતી હતી, જ્યારે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં પ્રથમ વખત સત્તામાં આવ્યા હતા અને 77 વિધાનસભા બેઠકોમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જોકે તેનો વોટ શેર 2013માં 37 ટકાથી વધીને 2014માં 41.15 ટકા થયો હતો.
ભાજપ-કોંગ્રેસ રાજ્યમાં મુખ્ય હરીફ
2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ સામે તેની 104 બેઠકોમાંથી 85 બેઠકો જીતી હતી, જ્યારે તેની જીતમાંથી 1 JD(S) સામે આવી હતી અને 2 માં તેણે અપક્ષોને હરાવ્યા હતા. કોંગ્રેસે પણ તેની મોટાભાગની બેઠકો (79 માંથી 58) ભાજપ સામે જીતી હતી. જે દર્શાવે છે કે બે પરંપરાગત હરીફો રાજ્યમાં મુખ્ય હરીફ છે. જેડી(એસ)ની 37 બેઠકોમાંથી 25 કોંગ્રેસ વિરુદ્ધ અને 9 ભાજપ વિરુદ્ધ હતી.