જોનસન ટી એ : ગુજરાત અને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સતત જીત માટે અપનાવવામાં આવેલા મોડલને ભારતીય જનતા પાર્ટી આગામી કર્ણાટક ચૂંટણીમાં પણ અપનાવી રહી છે. કર્ણાટક ભાજપે વિધાનસભા ચૂંટણી માટે ડોર ટૂ ડોર અભિયાન પર નિર્ભર રહેવાની યોજના બનાવી છે. ભાજપે ગત દિવસોમાં બેંગલુરુમાં એક કોર કમિટીની બેઠક પછી કહ્યું કે આ રણનીતિ મતદાતાઓને પાર્ટીની કેન્દ્રીય અને રાજ્ય યોજનાઓના લાભોની યાદ અપાવવા અને પોતાની જીત સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.
ભાજપના મહાસચિવ સી ટી રવિએ કોર કમિટીની બેઠક પછી જણાવ્યું કે અમે એવી પાર્ટી નથી કે જે બહુ શોર મચાવે. અમે ચૂંટણી પહેલા શોર મચાવવાનું કામ કોંગ્રેસ પર છોડી દીધું છે. ગ્રાઉન્ડ લેવલ પર અમે અમારા બૂથ કાર્યકરોને ભાજપની જીત માટે તૈયાર કરી રહ્યા છીએ. તેનો ઉદ્દેશ્ય બૂથ સ્તરે ચૂંટણી જીતવાનો છે.
સંગઠન સચિવ બીએલ સંતોષ, કેન્દ્રીય નિરીક્ષક અરુણ સિંહ, ભૂતપૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા, વર્તમાન સીએમ બસવરાજ બોમ્માઇ, રાજ્ય પાર્ટીના અધ્યક્ષ નલિન કુમાર જેવા વરિષ્ઠ નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. શનિવારે પાર્ટીએ ચૂંટણી માટે ખાસ કારોબારી બેઠક યોજી હતી.
ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં સફળતા મળી અને તેનો ઉપયોગ કર્ણાટકમાં કરવામાં આવશે
સી ટી રવિએ ઉમેર્યું કે દરેક વિધાનસભા સીટ પર લગભગ 70થી 80 ટકા લોકો રાજ્ય અને કેન્દ્ર સરકારની એક અથવા બીજી યોજનાના લાભાર્થી છે. અમે તેમને ભાજપના મતદારોમાં ફેરવવા માંગીએ છીએ. અમે આ માટે એક મોટી યોજના તૈયાર કરી છે. આ યોજનાને ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં સફળતા મળી અને તેનો ઉપયોગ કર્ણાટકમાં કરવામાં આવશે.
આ પણ વાંચો – સત્તા બચાવવા માટે ભાજપ ચલાવશે ‘બ્રહ્માસ્ત્ર’, ડાબેરીઓની ઘેરાબંધી ધ્વસ્ત કરવા માટે બનાવ્યો પ્લાન
કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) અથવા જેડી(એસ)ની સરખામણીમાં ભાજપ ચૂંટણીની તૈયારીમાં પાછળ હોવાનું જોવામાં આવે છે. વિરોધ પક્ષોએ તાજેતરમાં રાજ્યભરના પ્રવાસો શરૂ કર્યા છે. કોર કમિટીની બેઠકમાં ભાજપે આ મહિનાના અંતમાં રાજ્યના બજેટ સત્ર પછી તેના મુખ્ય નેતાઓ યેદિયુરપ્પા, બોમાઈ, નલિન કુમાર અને સિંઘની આગેવાની હેઠળની ચાર ટીમોમાં રાજ્યનો પ્રવાસ કરવાની યોજના પણ ઘડી હતી.
એક-એક ટીમ કલ્યાણ કર્ણાટક (જે પ્રદેશ અગાઉના હૈદરાબાદ રાજ્યનો ભાગ હતો) અને કિત્તુર કર્ણાટક (અગાઉ મુંબઈ-કર્ણાટક તરીકે ઓળખાતું હતું) જશે, જ્યારે બે ટીમો જૂના મૈસૂર પ્રદેશની મુલાકાત લેશે.
ભાજપના મહાસચિવ સી ટી રવિએ કહ્યું કે અમારી પાસે ચાર ટીમો મોટાભાગના જિલ્લાઓમાં મુસાફરી કરશે. એક મોટી રેલી સમાપન સમયે દાવંગેરેમાં યોજાશે. અમે વિકાસ અને અમારા આદર્શો પર ચૂંટણી લડીશું. અમને ખાતરી છે કે પૂર્ણ જનાદેશ સાથે સત્તામાં આવશે. વ્યૂહરચના વિશે વિગતવાર જણાવતા, રવિએ કહ્યું કે પાર્ટી છેલ્લા વર્ષમાં સી અને ડી કેટેગરીના મતદારક્ષેત્રો પર કામ કરી રહી છે -જ્યાં તેને નબળી માનવામાં આવે છે.
ભાજપને ચૂંટણી માટે નેતૃત્વ પર કોઇ ભ્રમ નથી
રવિએ જણાવ્યું કે ભાજપ જીતે તેવા યોગ્ય ઉમેદવારોની ઓળખ પહેલા કરી ચુક્યું છે. રાજ્ય ચૂંટણી સમિતિ પછી કેન્દ્રને એક યાદી મોકલાવશે અને સંસદીય બોર્ડ પોતાનો નિર્ણય લેશે. પાર્ટીએ એ પણ કહ્યું કે તે એક સામુહિક નેતૃત્વથી ચૂંટણી લડશે અને સીએેમ ઉમેદવાર જાહેર કરશે નહીં. આ મુદ્દા પર કોઇ ભ્રમ નથી. બસવરાજ બોમ્મઇ મુખ્યમંત્રી છે, યેદિયુરપ્પાથી માર્ગદર્શન મળશે. અમારું સમર્થન કરવા માટે કેન્દ્રીય નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મહાન નેતૃત્વ છે. અમારી પાસે આ પણ સંશાધન છે. કોંગ્રેસના ઉલટ અમારા કેન્દ્રીય નેતા અમારા માટે ભાર નહીં પણ ફાયદાકારક છે.
ફેબ્રુઆરીમાં બે-ત્રણ વખત કર્ણાટકનો પ્રવાસ કરશે પીએમ મોદી
રવિએ કહ્યું કે ફેબ્રુઆરીમાં પીએમ મોદી બે કે ત્રણ વખત કર્ણાટકનો પ્રવાસ કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ રાજ્યનો પ્રવાસ કરશે. કાર્યકારિણીની વિશેષ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ નલિન કુમારે કહ્યું કે ભાજપ સરકારે વિધાનસભા ક્ષેત્રોના વિકાસ માટે 1000 કરોડ રૂપિયાની ધનરાશિ ઉપલબ્ધ કરાવી છે.
યેદિયુરપ્પાએ કહ્યું- કોંગ્રેસ પાર્ટીમાં નેતા કોણ છે?
બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં નેતા કોણ છે? શું રાહુલ ગાંધી છે? અમારી પાસે એક મહાન નેતા પીએમ નરેન્દ્ર મોદી છે જેમને દુનિયા પ્રેમ કરે છે. અમારી પાસે અમિત શાહ છે. ભાજપ કર્ણાટક ચૂંટણી અને અન્ય બધી ચૂંટણી જીતશે. કર્ણાટકનું કોઇ એવું ઘર નથી જે મોદી સરકારની યોજનાઓથી અછૂત હોય.