/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/BJP-1.jpg)
કર્ણાટક વિધાનસભા ચૂંટણી : બીજેપીએ કુલ 212 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પોતાના 23 ઉમેદવારોની બીજી યાદી બુધવારે જાહેર કરી હતી. આ પહેલા મંગળવારે પાર્ટીએ 189 ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ સાથે જ કર્ણાટકની 224 સીટોમાંથી ભાજપે 212 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બીજી યાદીમાં હાલમાં બીજેપીમાં સામેલ થયેલા કોંગ્રેસના નેતા નાગરાજ છબ્બી કલઘાટગીથી ચૂંટણી લડશે. કોલાર ગોલ્ડ ફિલ્ડથી અશ્વિની સમ્પંગીને ટિકિટ મળી છે. નામની જાહેરાત થતા જ ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો કેટલાક સ્થાને વિરોધ જોવા મળી રહ્યો છે.
બીજેપીની જાહેર થયેલા યાદી પછી કેટલીક સીટો પણ વિરોધ જોવા મળી રહ્યો છે. કર્ણાટકના શિવમોગા જિલ્લાના ભાજપા પદાધિકારીઓએ કેએસ ઇશ્વરપ્પાના સમર્થનમાં સામૂહિક રાજીનામા આપ્યા છે. 19 નગર નિગમના સદસ્યોએ રાજીનામા આપ્યા છે. જેમાં શિવમોગાના શહેર અધ્યક્ષનું રાજીનામું પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ભાજપના દિગ્ગજ નેતા કેએલ ઇશ્વરપ્પાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.
બીજેપીના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના નજીકના એનઆર સંતોષનું નામ લિસ્ટમાં નથી. બીજી યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારનું નામ પણ નથી. જગદીશ શેટ્ટારે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત પછી શેટ્ટારે કહ્યું કે તેમણે છ વિધાનસભા ચૂંટણીમાં પોતાની જીત અને પોતાના અનુભવનો હવાલો આપ્યો છે. જે પછી પાર્ટી અધ્યક્ષે કહ્યું કે આ મુદ્દા પર અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે. આ પહેલા તેમણે કોઇપણ ભાગે ચૂંટણી લડવાની વાત કરી હતી.
આ પણ વાંચો - BSY પુત્ર, બોમાઈ, કર્ણાટક ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાં 52 નવા ચહેરા, શું છે ગણિત?
નવા ચહેરાઓને તક
ભાજપે પોતાની યાદીમાં અત્યાર સુધી જે ચહેરા મેદાનમાં ઉતાર્યા છે તેમાં નવા લોકોને તક આપવામાં આવી છે. પહેલી યાદીમાં 52 નવા ચહેરાઓને સામેલ કર્યા છે. મંગળવારે જે યાદી જાહેર કરી એમાં ઓછામાં નવ ધારાસભ્યોની ટિકિટ આપી છે. જેમાં મંત્રી અંગારા અને આનંદ સિંહનો પણ સમાવેશ થાય છે. બીજી યાદીમાં અત્યારના સાત ધારાસભ્યોની ટિકિટ કાપી છે.
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી 10 મેના રોજ યોજાશે
કર્ણાટકમાં 10 મે ના રોજ એક જ તબક્કામાં મતદાન થશે અને 13 મે ના રોજ પરિણામ જાહેર થશે. કર્ણાટકની 224 સભ્યોની વિધાનસભાનો કાર્યકાળ 24 મે ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. કર્ણાટકમાં રાજ્યની 224 વિધાનસભા મતવિસ્તારોમાં 5,21,73,579 નોંધાયેલા મતદારો છે. રાજ્યભરમાં 58,282 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.
2018માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 104 સીટો પર જીત મળી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ 78 વિધાનસભા સીટો જીતી હતી. કુમારસ્વામીની પાર્ટી જેડીએસને 37 સીટો મળી હતી. કર્ણાટકમાં બીએસપીને 1, કેપીજેપી અને અપક્ષને 1-1 સીટો મળી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us