Karnataka’s Communal Clash on Eid-e-Milad at Shivamogga : કર્ણાટકના શિવમોગા શહેરમાં ઈદ મિલાદના જુલૂસ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી. ટીપુ સુલતાનના કટઆઉટને લઈને કથિત વિવાદ હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો, જેમાં બે પોલીસકર્મીઓ સહિત છ લોકો ઘાયલ થયા. આ ઘટના રવિવારે સાંજે બની હતી, ત્યારબાદ પોલીસે સાવચેતીના પગલાં તરીકે ચે વિસ્તારમાં કલમ 144 લાગુ કરી હતી. નોંધનિય છે કે, કર્ણાટકમાં થોડાક મહિના પહેલા જ વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી અને તેમાં કોંગ્રેસી જીત થઇ તેમજ સિદ્ધારમૈયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.
મૈસૂરના શાસક ટીપુ સુલતાનના કટઆઉટથી વિવાદ સર્જાયો (Tipu Sultan cutout)
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોમવારે જણાવ્યું હતું કે લગભગ 60 લોકોને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે નિયંત્રણમાં છે. રવિવારે સાંજે જ્યારે કેટલાક લોકોએ તત્કાલિન મૈસૂરના શાસક ટીપુ સુલતાનના કટઆઉટ સામે વાંધો ઉઠાવતા વિવાદ શરૂ થયો હતો. આ કટ આઉટમાં કથિત રીતે ભગવા પહેરેલા યોદ્ધાઓને ટીપુ સુલતાન મારતા હોવાનું દર્શાવવામાં આવ્યુ હતુ. આ વિવાદ બાદ પોલીસે કટઆઉટને પડદાથી ઢાંકી દીધો હતો.
સામુદાયિક તણાવ ઘટાડવાના પ્રયાસો કરવા છતાં, રાગીગુડ્ડા વિસ્તારમાં ઈદના જુલુસ દરમિયાન પરિસ્થિતિ વધુ બગડી હતી. કથિત રીતે ઘરો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના પગલે સ્થાનિકોએ વળતો પ્રહાર કર્યો હતો. હિંસક ઘટનાઓ પર કાબૂ મેળવવા અને ભીડને વિખેરી નાંખવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. બે પોલીસકર્મીઓ સહિત છ લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અથડામણ દરમિયાન અનેક મકાનો અને વાહનોને નુકસાન થયું હતું.
શાંતિ જાળવી રાખવા કલમ 144 લાગુ (Section 144 At Shivamogga in Karnataka)
સાંપ્રદાયિક હિંસા બાદ તે વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા પગલાં (રેપિડ એક્શન ફોર્સ, કર્ણાટક સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ડિસ્ટ્રિક્ટ આર્મ્ડ રિઝર્વ અને સ્થાનિક પોલીસ તૈનાત કરવા સહિત) લેવામાં આવ્યા છે. શિવમોગ્ગા એસપી જીકે મિથુન કુમારે મીડિયાને જણાવ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને શિવમોગ્ગા શહેરના રાગીગુડ્ડા વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
કર્ણાટકના શિક્ષણ પ્રધાન મધુ બંગરપ્પાએ કહ્યું, “ગઈકાલે ભવ્ય ઈદે મિલાદ સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ ઉત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું અને બંને સમુદાયોને પરસ્પર સન્માન જાળવવા અને આદર કરવા માટે જણાવ્યું હતું. કેટલાક કથિત બદમાશોએ ઈદે મિલાદના જુલૂસ દરમિયાન જાણી જોઈને પથ્થરમારો કર્યો હતો અને ત્યારબાદ પોલીસે તેમની સામે કાર્યવાહી કરી છે.”





