/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/Madhu-Bangarappa.jpg)
કર્ણાટકના શિક્ષણ મંત્રી મધુ બાંગરપ્પા (Image credit: Madhu Bangarappa Twitter- @Madhu_Bangarapp/ File)
Sanath Prasad : કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાની માન્યતાને લઈને ચાલી રહેલી કાનૂની લડાઈ વચ્ચે નવનિયુક્ત શિક્ષણ મંત્રી મધુ બંગારપ્પાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકાર વર્ગોમાં હિજાબ પર પ્રતિબંધ મુકતા સરકારના આદેશને તાત્કાલિક બદલી શકે નહીં. કોંગ્રેસ સરકારે કર્ણાટકમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે હિજાબ પરના પ્રતિબંધો હટાવવાનું વચન આપ્યું હતું.
ફેબ્રુઆરી 2022માં કર્ણાટકની ભાજપ સરકારે હિજાબ વિવાદને પગલે રાજ્યભરની શાળાઓ અને પ્રી-યુનિવર્સિટી કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે સરકારી અથવા ખાનગી સંસ્થા સંચાલકો દ્વારા સૂચવવામાં આવેલા ગણવેશને ફરજિયાત બનાવવાનો આદેશ જારી કર્યો હતો. માર્ચ 2022માં કર્ણાટક હાઈકોર્ટે મુસ્લિમ વિદ્યાર્થીઓના જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી હતી, જેમણે વર્ગખંડોની અંદર હિજાબ પહેરવાની મંજૂરી માંગી હતી.
ધ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં કર્ણાટકના મંત્રી મધુ બંગારપ્પાએ ટિપ્પણી કરી હતી કે અમે હિજાબ અંગેના સરકારના આદેશને આ રીતે જ બદલી શકીએ નહીં. આપણે કાયદાનું પાલન કરવું પડશે. કાયદા વિભાગ આ મામલાને સંભાળશે અને નિર્ણય લેશે. વર્ષો સુધી બધું જ સરળતાથી ચાલતું હતું. હિજાબ પર અચાનક પ્રતિબંધ લાદવો બિનજરૂરી હતો. ભાજપે આ મુદ્દાનું રાજકીયકરણ કર્યું અને ગૂંચવણો ઊભી કરી. આ મામલો ન્યાયાધીન હોવાથી હું વધુ ટિપ્પણી કરવાનું પસંદ કરતો નથી.
આ અગાઉ આ અખબાર સાથે વાત કરતાં કેબિનેટમાં બાંગરપ્પાના સાથી પ્રિયાંક ખડગેએ પણ કહ્યું હતું કે કોંગ્રેસ સરકારે હિજાબના આદેશને ઉથલાવવાની પ્રતિબદ્ધતા દર્શાવતા પહેલા કાનૂની પહેલુંઓનો અભ્યાસ કરવો પડશે, કારણ કે આ મામલો કોર્ટમાં છે. અમે તેના કાનૂની પાસા પર ધ્યાન આપીશું અને નિર્ણય લઈશું. એવા આંકડા છે કે લગભગ 18,000 સ્ટુડન્ટ્સ ચોક્કસ ઓર્ડરને કારણે શાળાઓથી દૂર રહી ગયા છે. જો આપણો કાયદો ખરાબ હોય તો અદાલતોને દખલ કરવા દો. કર્ણાટકને પાટા પર પાછું લાવવા માટે કોઈ પણ એક્ઝિક્યુટિવ ઓર્ડર, બિલ અથવા વટહુકમ જે પ્રતિકૂળ છે તેની સમીક્ષા કરવામાં આવશે.
આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – લૂટમાં કોંગ્રેસ કોઇ સાથે ભેદભાવ કરતી નથી, બધાને સરખા ભાવથી લૂટે છે
મુખ્ય ન્યાયાધીશ રીતુ રાજ અવસ્થી, ન્યાયમૂર્તિ કૃષ્ણા એસ દીક્ષિત અને ન્યાયમૂર્તિ જે એમ ખઝીની બનેલી કર્ણાટક હાઈકોર્ટે સરકારના આદેશને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે શાળાનો ગણવેશ સૂચવવો એ વાજબી પ્રતિબંધ છે અને બંધારણીય રીતે માન્ય છે જેનો વિદ્યાર્થીઓ વિરોધ કરી શકે નહીં. જોકે અરજદારોએ હાઈકોર્ટના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટનો અરજી કરી હતી અને વર્ગખંડોમાં હિજાબ પર પ્રતિબંધ મુકવાના કર્ણાટક સરકારના આદેશને ફગાવી દેવાની માંગ કરી હતી.
સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2022માં વિભાજીત ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશ હેમંત ગુપ્તાએ કર્ણાટક હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો અને કહ્યું હતું કે તે એકરૂપતાને પ્રોત્સાહન આપે છે અને વર્ગખંડોમાં બિનસાંપ્રદાયિક વાતાવરણને પ્રોત્સાહિત કરે છે. બીજી તરફ જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ રાજ્ય અને હાઈકોર્ટના આદેશોને બાજુએ મુકીને એ વાત પર ભાર મુક્યો હતો કે વર્ગખંડોમાં હિજાબ પહેરવાનો અધિકાર એ પસંદગીની બાબત છે અને શાળાના પ્રાંગણમાં પણ છોકરીની ગરીમા અને ગોપનીયતા સાથે જોડાયેલો મૂળભૂત અધિકાર છે. સુપ્રીમ કોર્ટના વિભાજિત ચુકાદા બાદ હવે આ મામલો ત્રણ જજોની બેન્ચને મોકલી દેવામાં આવ્યો છે.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us