Karnataka Election 2023 : કર્ણાટક વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે કલબુર્ગીમાં એક રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના “ઝેરી સાપ” સાથે કરી હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પીએમ મોદી એક ઝેરીલા સાપની જેમ છે. તમે વિચારી શકો કે તે ઝેર છે કે નહીં. જો તમે તેને ચાખશો તો મરી જશો.
જોકે બાદમાં મીડિયાને સંબોધિત કરતા ખડગેને આ ટિપ્પણી અંગે પૂછવામાં આવતા સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે તે પીએમ મોદી માટે ન હતી. મારો કહેવાનો અર્થ એ હતો કે ભાજપની વિચારધારા સાપ જેવી છે. મેં ક્યારેય પીએમ મોદી માટે વ્યક્તિગત રીતે આ વાત કરી નથી. મેં જે કહ્યું તે એ હતું કે તેમની વિચારધારા સાપ જેવી છે અને જો તમે તેને સ્પર્શવાનો પ્રયાસ કરો છો, તો તમારું મૃત્યુ નિશ્ચિત છે.
બીજી તરફ ખડગેની આ ટિપ્પણીની ભાજપના નેતાઓએ આકરી ટીકા કરી હતી. શિમલામાં મીડિયાને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા, પરંતુ કોઈ તેમને તે માનતું નથી. તેથી તેમણે એક નિવેદન આપવાનું વિચાર્યું જે સોનિયા ગાંધીએ આપેલા નિવેદન કરતા પણ ખરાબ છે. તેમણે ઉમેર્યું હતું કે તેમણે ધ્યાનમાં રાખવું જોઈએ કે ભારતની જનતાએ પીએમ મોદીને બે વાર સત્તા માટે મત આપ્યા છે અને આવા નિવેદનો દેશનું અપમાન છે. કોંગ્રેસ પાર્ટીએ આવી ટિપ્પણી માટે રાષ્ટ્રની માફી માંગવી જોઈએ.
આ પણ વાંચો – કર્ણાટક ચૂંટણી 2023 : મુસ્લિમ અનામત ક્વોટા કેટલો છે? બોમાઈ સરકારનું 4, 13 અને 32નું ગણિત સમજો
આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના વરિષ્ઠ નેતા શોભા કરંદલાજેએ કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અધ્યક્ષ છે. તે દુનિયાને શું કહેવા માંગે છે? પીએમ નરેન્દ્ર મોદી આપણા દેશના પીએમ છે અને આખી દુનિયા તેમનું સન્માન કરે છે. વડાપ્રધાન માટે આ પ્રકારની ભાષાનો ઉપયોગ એ બતાવે છે કે કોંગ્રેસ કયા સ્તર સુધી ઝૂકી ગઈ છે. અમે ઇચ્છીએ છીએ કે તે (ખડગે) દેશની માફી માંગે.
224 સભ્યોની કર્ણાટક વિધાનસભામાં 10 મેના રોજ મતદાન થવાનું છે. વિધાનસભાની ચૂંટણીમાં કુલ 2,615 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.