મનોજ સી જી : કર્ણાટક ચૂંટણીમાં પ્રચાર રેલીઓને સંબોધતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર રાજીવ ગાંધીની 1985ની પીએમ તરીકેની પ્રખ્યાત ટિપ્પણી ટાંકી હતી કે, સરકાર દ્વારા કલ્યાણ અને ગરીબી નાબૂદી માટે ખર્ચવામાં આવતા દરેક રૂપિયામાંથી માત્ર 15 પૈસા જ ઇચ્છિત લાભાર્થી સુધી પહોંચે છે.
કર્ણાટકમાં સિવિલ કોન્ટ્રાક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે અને તમામ વિભાગોમાં કોન્ટ્રાક્ટરોને ચૂકવણી કરવાની ફરજ પાડવામાં આવી હોવાના કોંગ્રેસના આક્ષેપનો જવાબ આપવા પીએમ મોદીએ પૂર્વ વડા પ્રધાનના લગભગ ચાર દાયકા જૂના અવલોકન પર ભાર મુક્યો. કોંગ્રેસનો આક્ષેપ હતો કે, દરેક સરકારી પ્રોજેક્ટ માટે ભાજપ સરકારમાં અધિકારીઓને 40% કમિશન આપવું પડે છે. PM એ પાર્ટી પર વળતો પ્રહાર કરવા માટે “કોંગ્રેસની સરકારો હેઠળના ભ્રષ્ટાચાર” ના પુરાવા તરીકે વારંવાર અને બળપૂર્વક આ અવતરણનો ઉપયોગ કર્યો અને અસરકારક રીતે દલીલ કરી કે, કોંગ્રેસને ભ્રષ્ટાચાર વિશે વાત કરવાનો કોઈ અધિકાર નથી.
રાજીવે આ ટિપ્પણી 1985 માં – પીએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યાના એક વર્ષ પછી – ઓડિશાના તત્કાલીન ગરીબીથી પીડિત અને અત્યંત પછાત કાલાહાંડી જિલ્લાની મુલાકાત પછી કરી હતી, જ્યાં ભૂખમરાથી થતા મૃત્યુ અને બાળકોના વેચાણનો ચોંકાવનારો રિપોર્ટ જ્યારે સામે આવ્યો હતો.
રાજીવ, જેઓ પત્ની સોનિયા ગાંધી સાથે કાલાહાંડીની મુલાકાતે ગયા હતા, તે પ્રદેશની પછાતતાથી અચંબામાં પડી ગયા હતા અને ગામલોકોની દુર્દશાથી પ્રભાવિત થયા હતા, જેમણે તેમની સાથે તેમના દુઃખદ જીવનની કહાની શેર કરી હતી. તેમની સાથે તત્કાલિન મુખ્ય પ્રધાન જે.બી. પટનાયક હતા, જેમની સરકાર કોરાપુટ, બોલાંગીર અને કાલાહાંડી (KBK) પ્રદેશમાં દુષ્કાળની લહેર દ્વારા સર્જાયેલી વ્યાપક ગરીબીને કારણે ઘણી ટીકાઓ હેઠળ ઘેરાઈ ગઈ હતી.
અલબત્ત, રાજીવની ટિપ્પણી કોંગ્રેસના વિરોધીઓ માટે મુખ્ય ચારો બની ગઈ હતી, તેમ છતાં સમર્થકો કહે છે કે, તે પરિસ્થિતિ પર તેમની હતાશાને કારણે આ નિવેદન આવ્યું હતુ. અને જ્યારે તે ચર્ચાસ્પદ રહે છે કે, શું તેમના નિવેદનને કોઈ ઓન-ફિલ્ડ ડેટા અથવા અભ્યાસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, તે સરકારો તેમજ શિક્ષણવિદો અને નીતિ નિર્માતાઓ માટે ધ્યાન આપવા અને તેના પર કાર્ય કરવા માટે પૂરતું છે.
1994માં અર્થશાસ્ત્રી કિરીટ એસ. પરીખે “PDSનો કેટલો હિસ્સો કોને મળે છે: તે ગરીબો સુધી કેટલી અસરકારક રીતે પહોંચે છે” પર એક પેપર લખ્યું હતું. વિગતવાર પેપર દ્વારા દોરવામાં આવેલા ઘણા તારણો પૈકી એક ફકરો છે, જે ઘણીવાર ટાંકવામાં આવે છે: “PDS અનાજ દ્વારા સૌથી ગરીબ 20% પરિવારો સુધી પહોંચવાની કિંમત-અસરકારકતા ખૂબ ઓછી છે”.
તે જણાવે છે કે, “ખર્ચ કરવામાં આવેલા દરેક રૂપિયા, ગોવા, દમણ અને દીવ સિવાયના તમામ રાજ્યોમાં 22 પૈસાથી ઓછા ગરીબો સુધી પહોંચે છે, જ્યાં 28 પૈસા ગરીબો સુધી પહોંચે છે,”
1995 માં, પીવી નરસિમ્હા રાવની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે ઓડિશા સાથે પરામર્શ કરીને KBK જિલ્લાઓ માટે લાંબા ગાળાની કાર્ય યોજના તૈયાર કરી. યોજનાના ઉદ્દેશ્યો દુષ્કાળ વિરોધી, ગરીબી નાબૂદી અને વૃદ્ધિ સંતૃપ્તિ હતા.
તે પછી, 2004માં, જ્યારે કોંગ્રેસ યુપીએ ગઠબંધનના ભાગરૂપે લાંબા અંતર બાદ સત્તામાં પાછી આવી, ત્યારે પક્ષના નીતિ નિર્માતાઓના ટેબલ પરનો એક એજન્ડા એ હતો કે, કલ્યાણકારી યોજનાઓ માટેના ભંડોળના લીકેજને કેવી રીતે અટકાવવું.
2008 માં, ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે, બુંદેલખંડ પ્રદેશની પછાતતા તરફ ધ્યાન દોરવાના પ્રયાસરૂપે, રાહુલ ગાંધીએ તેમના પિતાની પ્રખ્યાત ટિપ્પણીનું પુનરાવર્તન કર્યું. આનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને હવે એક રૂપિયામાંથી માત્ર 5 પૈસા લોકો સુધી પહોંચે છે.
એક વર્ષ પછી, 2009 માં, તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે ભંડોળના “લીકેજ”ને સ્વીકાર્યું, પરંતુ કહ્યું કે, તે દાવો કરે છે તેટલું મોટું નથી.
તો, મીડિયા અહેવાલોમાં આયોજન પંચના તત્કાલીન ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહલુવાલિયાએ એક સેમિનારમાં જણાવ્યું હતું કે, પીડીએસ પર તાજેતરના આયોજન પંચના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, એક રૂપિયામાંથી માત્ર 16 પૈસા લક્ષ્યાંકિત ગરીબો સુધી પહોંચે છે. તે જાણીતું છે કે, અહલુવાલિયા અને આયોજન પંચ સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ભંડોળના લીકેજ અંગે ચિંતિત હતા. વાસ્તવમાં, જુલાઈ 2009માં તેમની પોસ્ટ-બજેટ વાટાઘાટોમાં, આહલુવાલિયાએ ગેપ ભરવા માટે “બજેટ ટ્રેકિંગ સિસ્ટમ”નો વિચાર રજૂ કર્યો હતો.
છેલ્લે, 2013 માં, UPA II સરકારે લીકેજને રોકવા અને સબસિડી અને અન્ય કલ્યાણ યોજનાઓના કાર્યક્ષમ લક્ષ્યાંકને સુનિશ્ચિત કરવા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજના શરૂ કરી.
રોકડ ટ્રાન્સફર યોજનાના પ્રથમ તબક્કામાં 43 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા. મનમોહન સિંહ સરકારે બાદમાં તેને વધુ 78 જિલ્લાઓમાં વિસ્તારી દીધું.
ડિસેમ્બર 2014માં, નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારે સમગ્ર દેશમાં DBTનો વિસ્તાર કર્યો.
આ પણ વાંચો – જ્યારે પીએમ મોદીએ ફિલ્મોની કરી ચર્ચા, ‘ધ કેરળ સ્ટોરી’થી લઈને કાશ્મીર ફાઇલ્સ સુધી, ઘણા છે નામ
રસપ્રદ વાત એ છે કે, રાજીવ ગાંધીની 15 પૈસાની ટિપ્પણીનો હવાલો સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ટાંકવામાં આવ્યો હતો, જ્યારે તેણે ઇન્કમ ટેક્સ (IT) એક્ટમાં કરેલા સુધારાને સમર્થન આપ્યું હતું, જેમાં કરદાતાઓ માટે તેમના PAN અને આધાર નંબરને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. “આ દેશના એક પૂર્વ વડા પ્રધાને રેકોર્ડ પર કહ્યું છે કે, સરકાર દ્વારા દલિતોના કલ્યાણ માટે ખર્ચવામાં આવેલા એક રૂપિયામાંથી, ખરેખર માત્ર 15 પૈસા જ તે લોકો સુધી પહોંચે છે જેમના માટે તે છે. આમાં શંકા કરી શકાય નહીં કે, UID/આધાર સાથે, આ ક્ષેત્રમાં ઘણી સમસ્યાઓનું ધ્યાન રાખી શકાય છે.” જસ્ટિસ એકે સિકરી અને અશોક ભૂષણની ડિવિઝન બેન્ચે જૂન 2017માં જણાવ્યું હતું.
ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો