Karnataka Assembly Election Results 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર જીત નોંધાવી છે. રાજ્યમાં કોંગ્રેસે 131 બેઠકો પર જીત મેળવી છે અને 5 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ જીત બાદ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયાને જણાવ્યું કે કર્ણાટક ચૂંટણીના પરિણામોએ નફરતની દુકાન બંધ કરી દીધી છે અને પ્રેમની દુકાન ખુલી ગઈ છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીનું ચૂંટણી અભિયાન ગરીબ લોકોના કલ્યાણ પર કેન્દ્રિત હતું.
દક્ષિણ ભારતમાં આ જીત સાથે જ કોંગ્રેસ પાર્ટી હવે કુલ 7 રાજ્યોમાં સત્તામાં આવી ગઈ છે. જે ચાર રાજ્યોમાં કોંગ્રેસ પોતાના દમ પર સત્તામાં છે તેમાં હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને હવે કર્ણાટકનો સમાવેશ થશે. આ સિવાય કોંગ્રેસ બિહાર, ઝારખંડ અને તમિલનાડુમાં પોતાના સહયોગી પક્ષો સાથે સત્તાની વહેંચણી કરી રહી છે. ચાલો એક નજર કરીએ એવા રાજ્યો પર જ્યાં કોંગ્રેસ સત્તામાં છે.
હિમાચલ પ્રદેશ
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં જીત મેળવી હતી. ગત વર્ષે હિમાચલમાં ચૂંટણી યોજાઇ હતી. કોંગ્રેસ પાર્ટીને આ રાજ્યમાં 68 બેઠકોમાંથી 45 બેઠકો મળી હતી. અહીં ભાજપને માત્ર 25 સીટો મળી હતી.
રાજસ્થાન
રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. 2018માં કોંગ્રેસ પાર્ટીને રાજસ્થાનમાં 100 સીટો મળી હતી. તે સમયે વસુંધરા રાજેની સરકાર હતી અને સચિન પાયલટ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા. રાજસ્થાનમાં કોંગ્રેસ હાલ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે.
આ પણ વાંચો – મુસ્લિમો એક થયા, જેડીએસનો સૌથી મજબૂત ગઢ તોડ્યો, કોંગ્રેસની જીતની Inside Story
છત્તીસગઢ
રાજસ્થાનની જેમ છત્તીસગઢમાં પણ 2018માં કોંગ્રેસે ચૂંટણી જીતી હતી. 90 વિધાનસભા બેઠકો વાળા આ રાજ્યમાં કોંગ્રેસને 68 બેઠકો મળી હતી. જ્યારે ભાજપને માત્ર 15 બેઠકો મળી હતી.
બિહાર
બિહારમાં કોંગ્રેસ મહાગઠબંધનની સરકારનો ભાગ છે. રાજ્યમાં 2020માં ચૂંટણી થઈ હતી. તે સમયે ભાજપ અને જેડીયુનું ગઠબંધન થયું હતું. તેઓ ચૂંટણી પણ જીત્યા હતા પરંતુ 2022માં નીતિશે આરજેડીની આગેવાનીવાળા ગઠબંધનમાં જોડાઇ ગયા હતા અને સરકાર બનાવી હતી. બિહારમાં કોંગ્રેસના નેતાઓ પાસે બે મંત્રાલય છે.
ઝારખંડ
ઝારખંડમાં 2019માં ચૂંટણી થઈ હતી. અહીં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ની સરકાર છે. કોંગ્રેસ અને આરજેડીએ ઝારખંડ મુક્તિ મોરચા સાથે મળીને ચૂંટણી લડી હતી. કોંગ્રેસે 16 બેઠકો જીતી હતી. હાલ ઝારખંડમાં કોંગ્રેસ પાસે ચાર મંત્રાલય છે.
તમિલનાડુ
દક્ષિણ ભારતના આ રાજ્યમાં 2021માં ચૂંટણી યોજાઇ હતી. કરુણાનિધિ અને જયલલિતાના નિધન બાદ આ પહેલી ચૂંટણી હતી. ડીએમકેએ 133 બેઠકો જીતી હતી જ્યારે તેના સાથી કોંગ્રેસે 18 બેઠકો પણ જીત મેળવી હતી.