કોંગ્રેસ અને જેડીએસે 10 મે ના રોજ યોજાનાર કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. બીજી તરફ ભાજપા હજુ સુધી કોઇ ઉતાવળમાં જોવા મળતો નથી. પાર્ટીનું ધ્યાન સંભવિત ઉમેદવારોની યાદી આવ્યા પહેલા નેતૃત્વ દ્વારા નિર્ધારિત પ્રક્રિયાને પુરી કરવા પર છે. ભાજપા સૂત્રોના મતે દરેક વિધાનસભા સીટ પર ત્રણ અલગ-અલગ સર્વેક્ષણ કર્યા પછી ભાજપ સામાન્ય કાર્યકર્તા અને કોર કમિટીનો મત જાણ્યા પછી પોતાની યાદી જાહેર કરશે.
અમિત શાહે શું કહ્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 26 માર્ચે રાજ્યમાં પોતાના પ્રવાસ દરમિયાન કર્ણાટકમાં પાર્ટી નેતૃત્વની એક કોર કમિટીની બેઠકમાં ભાગ લીધો હતો. સૂત્રોના મતે બેઠકમાં અમિત શાહે કહ્યું હતું કે નેતાઓએ ટિકિટને લઇને ચિંતા કરવી જોઈએ નહીં તેમને જમીન પર ધ્યાન આપીને પાર્ટીને મજબૂત કરવી જોઈએ.
પાર્ટીના સંસદીય બોર્ડના સદસ્ય અને કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે હાઇકમાન્ડ જ છે જે દરેક સીટ માટે ઉમેદવારોનો નિર્ણય કરશે. તે પૃષ્ઠભૂમિ અને ઉમેદવારો પર પ્રતિક્રિયા જોશે. સર્વેક્ષણના ત્રણ રાઉન્ડ પહેલા જ પુરા થઇ ગયા છે.
આ પણ વાંચો – કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ વિશ્લેષણ : ભાજપ-કોંગ્રેસને આપશે જબરદસ્ત ટક્કર
મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ કેટલાક દિવસો પહેલા કહ્યું હતું કે સર્વેક્ષણ, પ્રદર્શનની સમીક્ષા અને નેતૃત્વ દ્વારા નિર્ધારિત અન્ય દિશા નિર્દેશો સહિત બધી પ્રક્રિયાઓને પુરા કર્યા પછી પાર્ટી પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે. સીએમ બોમ્મઇએ કહ્યું કે જલ્દી ભાજપના ઉમેદવારની યાદી જાહેર કરાશે. પાર્ટી પાસે તાલુકા અને જિલ્લા સ્તરના કાર્યકર્તાઓ અને નેતાઓની ભલામણો અને સલાહ સાથે-સાથે સર્વેક્ષણ રિપોર્ટ પણ છે. આ બધું પાર્ટી સંસદીય બોર્ડને તેની મંજૂરી માટે મોકલવામાં આવશે અને તેમાં એક સપ્તાહ લાગી શકે છે.
ગત વર્ષે ભાજપે સંકેત આપ્યો હતો કે યેદિયુરપ્પા જેવા 70 વર્ષથી વધારે ઉંમરના 30 ટકા વર્તમાન ધારાસભ્ય અને જેમની સામે કેસ ચાલી રહ્યા છે તેમને આ વખતે મેદાનમાં ઉતારવામાં આવશે નહીં.