karnataka hindu temple tax : ભાજપ સતત કોંગ્રેસ પાર્ટી પર હિન્દુ વિરોધી હોવાનો આરોપ લગાવતી રહી છે. રામ મંદિરના કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણને નકારી કાઢવાની ખુલ્લેઆમ જાહેરાત કર્યા બાદ કોંગ્રેસે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, હવે આવું જ કંઈક કર્ણાટક સરકાર દ્વારા મંદિરો પાસેથી ટેક્સ વસૂલવા માટે કરવામાં આવેલી નવી જોગવાઈ પર જોવા મળી રહ્યું છે. હિંદુ સંતોએ કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની સરકારને હિંદુ વિરોધી ગણાવી છે.
કર્ણાટક સરકારે મંદિરો પાસેથી ટેક્સ વસૂલવાની યોજના તૈયાર કરી
કર્ણાટક સરકારે મંદિરો પાસેથી ટેક્સ વસૂલવાની યોજના તૈયાર કરી છે. આને લઇને 21 ફેબ્રુઆરીએ વિધાનસભામાં કર્ણાટક હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એડોમેંટ્સ બિલ પાસ કરવામાં આવ્યું હતું. આ બિલને લઈને ભાજપ અને સંત સમાજ ગુસ્સે ભરાયા છે. ભાજપે આરોપ લગાવ્યો કે સિદ્ધારમૈયા સરકાર હિન્દુ મંદિરો પર કુટિલ નજર રાખી રહી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિજયેન્દ્ર યેદીયુરપ્પાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે સરકારનો ઈરાદો આ પૈસાને અન્યત્ર ખર્ચ કરવાનો છે.
અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી જિતેંદ્રાનંદ સરસ્વતીએ કોંગ્રેસ સરકાર દ્વારા હિન્દુ મંદિરો પર ટેક્સની જોગવાઈ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે ધર્મના આધારે ટેક્સનો આ પહેલો કેસ છે. જિતેંદ્રાનંદ સરસ્વતીએ કહ્યું કે સરકારના આ કાયદાને દેશના મુગલ કાળના જજિયા ટેક્સ સાથે સરખાવી શકાય છે. તેમણે કહ્યું કે આ ધર્મની સ્વતંત્રતાનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે હું મહામહિમ રાજ્યપાલને અપીલ કરું છું કે તેને મંજૂરી ન આપવી જોઈએ, નહીં તો અમે સુપ્રીમ કોર્ટમાં જઇશું.
આ પણ વાંચો – જે આદેશથી મણિપુર સળગ્યું હતું હાઇકોર્ટે તેને પલટી નાખ્યો, મૈતેઇને નહીં મળી એસટી નો દરજ્જો
મંદિરોમાં ટેક્સની નવી જોગવાઈ શું છે?
કર્ણાટકના આ નવા બિલને લઈને હંગામો થઈ રહ્યો છે. રાજ્ય સરકારની જોગવાઈ મુજબ 1 કરોડથી વધુની આવક ધરાવતા મંદિરોને વાર્ષિક આશરે 10 ટકા ટેક્સ ભરવો પડશે. આ સિવાય 10 લાખથી 1 કરોડ સુધીના આવકવાળા મંદિરોને પાંચ ટકા ટેક્સ આપવો પડશે.
સુપ્રીમ કોર્ટમાં જઈને લડીશું જંગ
કર્ણાટક ભાજપના અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કહ્યું કે કોંગ્રેસ સરકાર રાજ્યમાં સતત હિન્દુ વિરોધી નીતિઓ અપનાવી રહી છે અને કોંગ્રેસ હિન્દુ પરિવારો પર પણ પોતાની તાનાશાહી થોપી રહી છે. આ અંગે તેમણે કહ્યું કે અમે રાજ્યપાલ પાસે માંગ કરીએ છીએ કે તેને મંજૂરી ન મળવી જોઈએ અને અમે સુપ્રીમ કોર્ટમાં જઈને આ માટે પડકાર આપીશું.





