scorecardresearch

કર્ણાટકઃ કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકાર ચૂંટણીમાં આપેલા 5 વચનો પાળશે, વાર્ષિક 50 કરોડ રૂપિયા ખર્ચશે

karnataka government Siddaramaiah : કર્ણાટકમાં શપથ ગ્રહણ બાદ સિદ્ધારમૈયાની મંત્રીમંડળની બેઠકમાં ચૂંટણી વખતે કોંગ્રેસે જનતાને આપેલા 5 ચૂંટણી વચનો પુરા કરવા મંજૂરી આપી અને તેની પાછળ વાર્ષિક 50,000 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.

DK Shivakumar Rahul Gandhi Siddaramaiah
કર્ણાટકમાં બેંગલુરુ ખાતે શપથ ગ્રહણ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે સીએમ સિદ્ધારમૈયા અને નાયબ સીએમ ડીકે શિવકુમાર સાથે. (એક્સપ્રેસ/જિતેન્દ્ર એમ)

કર્ણાટકમાં કોંગ્રેસની નવી સરકારે સત્તા સંભાળી લીધી છે. શપથ ગ્રહણ કાર્યક્રમ બાદ શનિવારે કર્ણાટકના મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ સીએમ ડીકે શિવકુમારની આગેવાની હેઠળની નવી કોંગ્રેસ સરકારે 10 મેની વિધાનસભાની ચૂંટણી પહેલાના પ્રચાર દરમિયાન પક્ષ દ્વારા આપેલા 5 વચનો પૂરા કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, યોજનાઓના અમલીકરણ માટે હંગામી ધોરણે દર વર્ષે લગભગ 50,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્ય ખર્ચને આવરી લેવા માટે નાણાંકીય સંશાધનોનું સર્જન કરવામાં સક્ષમ હશે.

કોંગ્રેસે ક્યાં 5 વચનો આપ્યા હતા

  • ગરીબી રેખાથી નીચેના ઘરોને 200 યુનિટ ફ્રી વીજળી
  • ઘરની મુખ્યા મહિલાને 2,000 રૂપિયા પ્રતિ માસ ભથ્થું
  • સ્નાતક થયા પછી બે વર્ષ સુધીના બેરોજગારો માટે 3,000 રૂપિયા અને બેરોજગાર ડિપ્લોમા માટે રૂપિયા 1,500 ભથ્થુ
  • BPLકાર્ડ ધારકોના ઘરના તમામ સભ્યોને 10 કિલો મફત ચોખા
  • મહિલાઓને બસમાં મફત મુસાફરી.

શનિવારે બપોરે શપથ ગ્રહણ બાદ જ કર્ણાટકના નવા સીએમ સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને આઠ મંત્રીઓના બનેલા કેબિનેટની ચૂંટણી પ્રચાર વખતે આપેલા પાંચ વચનો પૂરા કરવા માટે બેઠક મળી હતી. “અમે આ તમામ યોજનાઓને મંજૂરી આપી દીધી છે. મેં આદેશ જારી કરવા જણાવ્યું છે. અમે યોજનાઓ અને નાણાકીય અસરોની વિગતો માંગી છે. અમે તમામ પાસાને જોઈશું અને નાણાકીય બોજને ધ્યાનમાં લીધા વિના વચનોનું અમલ કરીશું. તે આગામી સપ્તાહની કેબિનેટ બેઠક પછી તરત જ લાગુ કરવામાં આવશે,” એવું સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું.

જુલાઇમાં બજેટ 3.25 લાખ કરોડનું બજેટ રજૂ કરાશે

સિદ્ધારમૈયાએ ઉમેર્યુ કે, “જુલાઈમાં અમે બજેટ રજૂ કરીશું અને તેનું કદ રૂ. 3.10 લાખ કરોડથી વધારીને રૂ. 3.25 લાખ કરોડ કરવામાં આવશે. અમે ટેક્સની કડક વસૂલાત દ્વારા 15,000 કરોડ રૂપિયાની આવક ઉભી કરવાનો પ્રયાસ કરીશું. અમે બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરીશું અને ઋણ-દેવામાં ઘટાડો કરીશું અને તેનાથી લોન પરના વ્યાજની ચુકવણીમાં ઘટાડો થશે. જો આપણે આપણા માટે ઉપલબ્ધ તમામ પગલાં લઈએ તો મને નથી લાગતું કે અમારી સરકાર માટે એક વર્ષમાં રૂ. 50,000 કરોડ એકત્ર કરવું અશક્ય છે.”

પીએમ મોદીએ અંગ્રેજી અને કન્નડમાં શુભેચ્છા પાઠવી

અંગ્રેજી અને કન્નડમાં પોતાની શુભેચ્છાઓ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં કહ્યું કે, “શ્રી @siddaramaiah ને કર્ણાટકના CM તરીકે શપથ લેવા બદલ અને શ્રી @DKShivakumar જીને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા બદલ અભિનંદન. ફળદાયી કાર્યકાળ માટે મારી શુભેચ્છાઓ.” તેનો પ્રત્યુત્તર આપતા શિવકુમારે તેમનો આભાર માન્યો હતો. “કર્ણાટકને સુરક્ષિત, સુંદર અને મજબૂત બનાવવાના અમારા પ્રયાસમાં મહેરબાની કરીને અમને ટેકો આપો. ફરીથી આભાર.”

કર્ણાટક પર દેવાનો વ્યાજ ખર્ચ 56,000 કરોડ

નવી યોજનાઓ પર વધારાના ખર્ચ વિશે વાત કરતા સિદ્ધારમૈયાએ કહ્યું, “અમે હાલમાં વર્ષ 2023-24 માટે દેવા પર જે વ્યાજ ચૂકવી રહ્યા છીએ તે રૂ. 56,000 કરોડ છે. જ્યારે આપણે દેવું પર વ્યાજ જેવી આટલી મોટી રકમ ચૂકવી રહ્યા છીએ, તો શા માટે આપણે ગરીબો, સામાન્ય માણસો, ખેડૂતો અને મહિલાઓના લાભ માટે વાર્ષિક રૂ. 50,000 કરોડની ફાળવણી ન કરી શકીયે.

ભાજપ રાજમાં કર્ણાટકનો દેવાનો બોજ બમણો થયો

સિદ્ધારમૈયાએ આક્ષેપ કર્યો હતો કે તે અગાઉની ભાજપ સરકાર હતી જેણે કર્ણાટકને 2018માં જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે રાજ્યની કુલ જવાબદારીઓ એટલે કે દેવાનો બોજ 2.42 લાખ કરોડ રૂપિયાથી વધીને બમણો 5.64 લાખ કરોડ રૂપિયા થયો છે.

“સ્વતંત્રતાથી લઈને માર્ચ 2018ના અંત સુધીમાં રાજ્યનું દેવું 2.42 લાખ કરોડ રૂપિયા હતું. ભાજપ સત્તામાં આવ્યા બાદ દેવું વધીને 5.64 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. કુમારસ્વામીના કાર્યકાળ (2018-19) સાથે પાંચ વર્ષમાં દેવું 3.20 લાખ કરોડ રૂપિયા વધ્યું છે. આ વર્ષે માત્ર રાજ્યનું દેવું રૂ. 78000 કરોડ છે,” સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું.

ભાજપના શાસનમાં ભારતના કુલ દેવામાં પણ તોતિગ વધારો થયો

મનમોહન સિંહે વર્ષ 2014માં પદ છોડ્યું ત્યારે ભારત દેશનું કુલ દેવું 53.16 લાખ કરોડ રૂપિયા હતું. જે ચાલુ વર્ષે 155 લાખ કરોડ રૂપિયા થયું છે. આઝાદીના સમયથી લઈને મનમોહન સિંહની વિદાય સુધી દેવું 53.16 લાખ કરોડ રૂપિયા હતું. નરેન્દ્ર મોદીના શાસનમાં નવ વર્ષમાં દેવું રૂ. 103 લાખ કરોડ વધ્યું છે, એવું કર્ણાટકના સીએમે જણાવ્યું હતું.

રાજ્યને ટેક્સની આવકમાંથી પુરતો હિસ્સો ન આપવાનો ભાજપ પર આરોપ

તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર રાજ્યને ટેક્સમાંથી થતી આવકનો યોગ્ય હિસ્સો ન આપવાનો આરોપ લગાવ્યો. “મારા મતે 15મા નાણાપંચ હેઠળ કેન્દ્ર તરફથી ફાળવણી એક લાખ કરોડ રૂપિયા હોવી જોઈએ. અમને 15મા નાણાપંચ હેઠળ ન્યાય આપવામાં આવ્યો નથી અને પરિણામે રાજ્ય માટે માત્ર 50,000 કરોડ રૂપિયા જ રહેશે,” તેમણે કહ્યું.

“15મા નાણાપંચના વચગાળાના અહેવાલમાં કર્ણાટકને ફાળવવામાં આવેલ વિશેષ સહાયનો હિસ્સો રૂ. 5,495 કરોડ છે. રાજ્ય સરકારને ફાળવણી કરવામાં આવી નથી. કર્ણાટક સાથે આનાથી મોટો કોઈ અન્યાય થયો ન હતો,” સિદ્ધારમૈયા કે જેઓ કર્ણાટકના પૂર્વે નાણામંત્રી પણ છે, તેમણે મુખ્યમંત્રી તરીકેના તેમના બીજા કાર્યકાળની શરૂઆતમાં તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

સિદ્ધારમૈયાએ સંકેત આપ્યો હતો કે ઘરોને 200 યુનિટ મફત પાવર આપવા માટે દર મહિને આશરે રૂ. 1,200 કરોડની જરૂર પડશે અને અન્ય યોજનાઓના ખર્ચ પર હજુ કામ ચાલી રહ્યું છે.

તેમણે ઉમેર્યુ કે, “જે મહિલાઓ મુસાફરી માટે સરકારી બસોનો ઉપયોગ કરે છે તેમને મફત પાસ આપવામાં આવશે. તે માત્ર કર્ણાટકના લોકો માટે જ હશે, તમિલનાડુના લોકો માટે નહીં. અમે આગામી કેબિનેટ બેઠકમાં ટૂંક સમયમાં વધારે વિગતો જાહેર કરીશું.”

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

Web Title: Karnataka government siddaramaiah dk shivakumar congress five guarantees

Best of Express