કર્ણાટકમાં આજે નવી સરકાર શપથ લેવા જઈ રહી છે. સિદ્ધારમૈયા રાજ્યના 30માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સિદ્ધારમૈયાનો મુખ્યમંત્રી તરીકે આ બીજો કાર્યકાળ હશે. સિદ્ધારમૈયાએ અગાઉ 2013 થી 2018 સુધી પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સહિત આઠ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. તેમાં ડીકે અને સિદ્ધારમૈયા બંને જૂથના ધારાસભ્યો સામેલ હશે.
કોંગ્રેસના મુખ્યમંત્રી પદની જાહેરાત બાદ બેંગલુરુમાં ધારાસભ્ય પક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કર્ણાટકના કોંગ્રેસ પ્રભારીએ સિદ્ધારમૈયાને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવ પર સહમત થતા તમામ ધારાસભ્યોએ સિદ્ધારમૈયાને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા હતા. આ પછી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘આજે શપથ ગ્રહણ સમારોહ છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત આઠ ધારાસભ્યો મંત્રી પદ માટે શપથ લેશે. હું પણ તેમાં ભાગ લેવા માટે ત્યાં જઈ રહ્યો છું. કર્ણાટકમાં નવી સરકાર છે, મજબૂત સરકાર છે તે ખુશીની વાત છે. આનાથી કર્ણાટકનો વિકાસ થશે અને સાથે જ દેશમાં સારું વાતાવરણ સર્જાશે.
કર્ણાટકમાં કોંગ્રેસનો 135 બેઠકો સાથે વિક્રમી વિજય
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી 10 મે, 2023ના રોજ યોજાઇ હતી અને 13 મે, 2023ના રોજ પરિણામ જાહેર થયા હતા. જેમાં કોંગ્રેસે રેકોર્ડ બ્રેક 135 બેઠકો જીત છે. તો ભાજપને 66 અને જેડીએસ 19 બેઠક પર જીત મળી છે.
ચૂંટણીમાં બહુમતીનો આંકડો હાંસલ કર્યા બાદ કોંગ્રેસે મુખ્યમંત્રીની પસંદગી માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતુ. જે બાદ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી જ્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારને નાયબ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જો કે પહેલા એવી ચર્ચા હતી કે કોંગ્રેસ રાજ્યમાં ત્રણ ડેપ્યુટી સીએમ ફોર્મ્યુલા અપનાવી શકે છે, પરંતુ હવે ડીકે શિવકુમાર માત્ર એક જ ડેપ્યુટી સીએમ હશે.
12:30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે
કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા અને શિવકુમારને તેમના સાથીદારો સાથે 20 મેના રોજ બપોરે 12.30 વાગ્યે શપથ લેવા આમંત્રણ આપ્યું છે. શપથવિધિ સમારોહ કાંતીરવા સ્ટેડિયમમાં યોજાઈ રહ્યો છે. જે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અધિકારીઓ ગત મંગળવારથી તૈયારીઓમાં વ્યસ્ત છે. કોંગ્રેસ પણ સિદ્ધારમૈયાના આ શપથ ગ્રહણ સમારોહ મારફતે વિપક્ષી એકતાનું પ્રદર્શન કરવા માંગે છે. આ અંગે કોંગ્રેસે તેના તમામ મુખ્યમંત્રીઓને બોલાવ્યા છે. આ સાથે કોંગ્રેસે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રણ મોકલ્યું છે.
કોને મંત્રી પદ મળવાની સંભાવના
સૂત્રો જણાવે છે કે પરમેશ્વરા, રામલિંગા રેડ્ડી, કેજે જ્યોર્જ, એચકે પાટીલ, એમબી પાટીલ, સતીશ જારકીહોલી, યુટી કધર, લક્ષ્મી હેબ્બાલકર, ટીબી જયચંદ્ર, એચસી મહાદેવપ્પા મંત્રી તરીકે શપથ લઈ શકે છે.
શપથ ગ્રહણમાં આવવા કોને આમંત્રણ મોકલવામાં આવ્યું
કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ શપથ ગ્રહણમાં હાજરી આપવા માટે ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓને આમંત્રણ આપ્યું છે. ખડગે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, એનસીપી સુપ્રીમો શરદ પવાર, મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી ઉદ્ધવ ઠાકરે, એનસીચીફ ફારુક અબ્દુલ્લાને આમંત્રણ મોકલાયુ છે. તો ઝારખંડના મુખ્યમંત્રી હેમત સોરેન, સીપીઆઇ મહાસચિવ ડી રાજા, સીપીઆઇ એમકે મહાસચિવ સીતારામ યેચુરી, સપા પ્રમુખ અખિલેશ યાદવને પણ આમંત્રણ મોકલાયુ છે.
મમતા બેનર્જી સામેલ નહીં થાય
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કર્ણાટકમાં સિદ્ધારમૈયાના શપથ ગ્રહણમાં હાજરી આપશે નહીં. તેઓએ તેમના સાંસદ પ્રતિનિધિને મોકલવાનું નક્કી કર્યું છે. સાંસદ ડેરેક ઓબ્રાયને આ માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે TMC સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી વતી કર્ણાટકના મુખ્ય પ્રધાન-નિયુક્ત સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.