Kashmir : કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓનું એન્કાઉન્ટર, કર્નલ સહિત ત્રણ અધિકારીઓ શહીદ, સર્ચ ઓપરેશન ચાલુ

Kashmir Terrorists Encounter : કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં આતંકવાદીઓના એન્કાઉન્ટર દરમિયાન કર્નલ સહિત 3 સૈન્ય અધિકારીઓ શહીદ થયા છે. આ દરમિયાન રાજૌરી જિલ્લામાં ભારતીય સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો છે

Written by Ajay Saroya
Updated : September 13, 2023 21:55 IST
Kashmir : કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓનું એન્કાઉન્ટર, કર્નલ સહિત ત્રણ અધિકારીઓ શહીદ, સર્ચ ઓપરેશન ચાલુ
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, J&K પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે મંગળવારે સાંજે આ વિસ્તારમાં આતંકવાદીઓની હિલચાલ અંગેના ઇનપુટ્સને પગલે અનંતનાગ જિલ્લાના કોકરનાગના ગદૂલ જંગલમાં ઓપરેશન શરૂ કર્યું હતું. (Express photo by Shuaib Masoodi)

Indian Army Terrorists Encounter In Kashmir : જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી એક મોટા સમાચાર છે. અહીં આતંકવાદીઓ સામે ચાલી રહેલા અથડામણમાં ભારતીય સેનાના બે અધિકારીઓ – એક કર્નલ અને એક મેજર અને જમ્મુ અને કાશ્મીર પોલીસના ડેપ્યુટી એસપી શહીદ થયા છે. બંને સૈન્ય અધિકારીઓ રાષ્ટ્રીય રાઈફલ્સનો હિસ્સો હતા.

અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે, કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના ડેપ્યુટી એસપી હુમાયુ ભટ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યારબાદ તેમનું અવસાન થયુ છે. તેમણે કહ્યું કે ભટ્ટનું મૃત્યુ અતિશય રક્તસ્રાવને કારણે થયું હતું.

લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા સંગઠને જવાબદારી લીધી

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી છે. અધિકારીઓનું માનવું છે કે આતંકવાદીઓનું આ એ જ જૂથ છે જેણે 4 ઓગસ્ટના રોજ કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચાઈવાળા વિસ્તારમાં સેનાના જવાનો પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા.

મંગળવારે રાત્રે ઓપરેશન શરૂ થયું

અધિકારીઓએ જણાવ્યું કે કાશ્મીરના ગાડોલે વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મંગળવારે સાંજે શરૂ થયું હતું, પરંતુ રાત્રે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આજે સવારે જ્યારે આતંકીઓ એક જગ્યાએ દેખાયા હોવાની સુચના મળી ત્યારબાદ ફરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતુ. સેનાના કર્નલ પોતાની ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા, જેમણે આતંકીઓ પર હુમલો કર્યો. જોકે, આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન મેજર આશિષ અને ડીએસપી ભટને પણ ગોળી વાગી હતી જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જીઓસી 15 કોર્પ્સ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ અને પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહ સહિત વરિષ્ઠ સેના અને પોલીસ અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

રાજૌરીમાં પણ એન્કાઉન્ટર

સુરક્ષા દળોએ બુધવારે રાજૌરી જિલ્લામાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશનને સઘન બનાવ્યા પછી એક નવી અથડામણ શરૂ થઈ. અહીંના દૂરના નારલા ગામમાં મંગળવારે એક સંદિગ્ધ પાકિસ્તાની આતંકવાદી એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આ ગોળીબારમાં સેનાના એક જવાન અને સેનાના ડોગ યુનિટની છ વર્ષની માદા લેબ્રાડોર કેન્ટ પણ શહીદ થયા હતા, જ્યારે ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.

અધિક પોલીસ મહાનિર્દેશક (જમ્મુ ઝોન) મુકેશ સિંહે જણાવ્યું હતું કે બુધવારે જ્યારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ સામસામે આવ્યા ત્યારે નવેસરથી અથડામણ શરૂ થઈ હતી. તેમણે કહ્યું કે બંને પક્ષો વચ્ચે ગોળીબાર ચાલુ છે. પ્રતિકૂળ હવામાન હોવા છતાં, સુરક્ષા દળોએ આખી રાત રાજૌરી શહેરથી 75 કિમી દૂર વિસ્તારની આસપાસ ચુસ્ત કોર્ડન જાળવી રાખ્યું હતું અને સવારે નજીકના વિસ્તારોમાં સઘન શોધખોળ શરૂ કરી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાત્રિ દરમિયાન ગોળીબાર થયો હતો પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ પણ વાંચો | પાકિસ્તાનની ભારત વિરુદ્ધ નાપાક હરકત- ડ્રગ્સના નાણાંથી આતંકવાદને ફંડિંગ, કાશ્મીરની જેમ પંજાબમાં અસ્થિરતા ફેલાવવાનું ષડયંત્ર

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ સોમવારે પતરાડા જંગલ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને બે વ્યક્તિઓની શંકાસ્પદ હિલચાલ જોતાં અમુક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, એવું અધિકારીઓએ જણાવ્યું હતું. બંને શકમંદો અંધકાર અને ગાઢ જંગલની આડમાં ભાગવામાં સફળ રહ્યા હતા. તેઓ તેમની પાછળ એક બેગ, કેટલાક કપડાં અને અન્ય વસ્તુઓ છોડી ગયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ