આંતકવાદીઓ દ્વારા કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની ટાર્ગેટ કિલિંગની ઘટનાથી હિન્દુઓમાં ડરનો માહોલ છે અને ઘાટીમાંથી હિજરત કરી રહ્યા છે.. કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ (KPSS) એ કહ્યુ કે, કાશ્મીરી પંડિતોના 17 પરિવારોએ તેમના સમુદાય પર આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગની ઘટનાને પગલે મે મહિના બાદ દક્ષિણ કાશ્મીરમાંથી હિજરત કરી છે. ચાલુ વર્ષે સમગ્ર કાશ્મીરમાં નિર્દોષ નાગરિકો, અલ્પસંખ્યકો અને પ્રવાસીઓના ટાર્ગેટ કિલિંગમાં લગભગ 17 લોકોની હત્યા કરવામાં આવી છે. તેમાંથી ત્રણ કાશ્મીરી પંડિત હતા.
KPSSએ જણાવ્યુ કે, 9 પરિવારોએ સોમવારે ઘાટીમાંથી હિજરત કરી છે. કાશ્મીરી પંડિતોના 9 પરિવાર દક્ષિણ કાશ્મીરની ઘાટી છોડીને અન્યત્ર જતા રહ્યા છે. 5 સપ્ટેમ્બર 2022 બાદથી અત્યાર સુધીમાં 17 કાશ્મીરી પંડિતોએ ઘાટીમાંથી હિજરત કરી છે.
KPSSના અધ્યક્ષ સંજય ટિક્કુએ જણાવ્યું કે, તેઓ ઘાટીમાંથી હિજરત કરનાર કાશ્મીરી પંડિતોની વાત જણાવી રહ્યા છે. તેમણે ઉમેર્યુ કે, હું એવા પરિવારોની વાત કરીશ જેમને 32 વર્ષ બાદ કાશ્મીર છોડવા મજબૂર થવું પડ્યું છે.
નોંધનિય છે કે, 15 ઓક્ટોબરના રોજ 56 વર્ષીય કાશ્મીરી પંડિત પૂરન કૃષ્ણની શોપિયા જિલ્લામાં તેમના ઘરની નજીક ગોળી મારી આતંકવાદીઓએ તેમની હત્યા કરી દીધી હતી. આતંકી સંગઠન કાશ્મીર ફ્રિડમ ફ્રાઇટર્સ જેવા આતંકી સંગઠનોને લશ્કરે-એ- તૈયબાના એક જૂથ તરીકે જોવામાં આવે છે. તેમણે આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે. આ ઘટના બાદ બે દિવસ બાદ જમ્મુ-કાશ્મીરમાં ઉગ્ર વિરોધ શરૂ થઇ ગયો હતો.
તો ચાલુ વર્ષે જ 16 ઓગસ્ટના રોજ શોપિયા જિલ્લામાં અન્ય એક કાશ્મીરી પંડિત સુનિલ કુમાર ભટ્ટની આતંકવાદીઓએ હત્યા કરી દીધી હતી, આ ઘટનામાં મૃતકનો ભાઇ પણ ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યુ હતુ કે, બંને ભાઇઓ તેમના સફરજનના બગીચામાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આવી જ રીતે કાશ્મીર પંડિત સમુદાયના એ સરકારી અધિકારી રાહુલ ભટ્ટની પણ આતંકવાદીઓએ બડગામમાં તેમની ઓફિસની નજીક ગોળી મારીને હત્યા કરી હતી. તેમની હત્યાના વિરોધમાં ઘણા પ્રદર્શનો થયા, જેમાં 350થી વધારે કર્મચારીઓએ સરકારી નોકરીમાંથી રાજીનામું આપવાની ચીમકી પણ આપી હતી.
આ ઘટના બાદ જમ્મુ- કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યુ કે, ઘાટીના તમામ કાશ્મીરી પંડિત જિલ્લા અને તહેસીલ વડામથકમાં તૈનાત કરવામાં આવશે. પ્રધાનમંત્રી રોજગાર પેકેજ હેઠળ કામ કરનાર કાશ્મીરી પંડિતોએ રાજીનામાં આપવાની ધમકી આપી હતી.