કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ : ઉત્તરાખંડ (Uttarakhand) માં કેદારનાથ યાત્રા (Kedarnath Yatra) દરમિયાન મંગળવારે (18 ઓક્ટોબર, 2022) એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં સાત લોકોના મોત થયા છે. એક હેલિકોપ્ટર ફાટાથી કેદારનાથ શ્રદ્ધાળુઓને લઈ જઈ રહ્યું હતું ત્યારે તે ક્રેશ થયું હતું. આ દુર્ઘટના કેદારનાથથી માત્ર બે કિલોમીટર દૂર ગરુડચટ્ટી પાસે દર્શન માટે ગયેલા લોકો સાથે થઈ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, જોરદાર અવાજ પછી તેઓએ આગનો ગોળો જોયો.
કેવી રીતે થયો અકસ્માત
સ્થાનિક લોકોનું કહેવું છે કે, હેલિકોપ્ટરમાં પહેલા બ્લાસ્ટ થયો હતો. આ પછી, હેલિકોપ્ટર આગના ગોળાની જેમ અવાજ સાથે જમીન પર પછડાયું. પ્રારંભિક માહિતી મુજબ, એવું માનવામાં આવે છે કે, ખરાબ હવામાનને કારણે અકસ્માત થયો હતો. અકસ્માત સમયે વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું.
કેટલા લોકો અકસ્માતનો ભોગ બન્યા?
ઉત્તરાખંડ ડીજીપીના જણાવ્યા અનુસાર, એક પાયલોટ અને સાત મુસાફરો અકસ્માતનો ભોગ બન્યા છે. પાયલોટ મુંબઈના હોવાનું કહેવાય છે. જ્યારે ત્રણ મુસાફરો ગુજરાતના હોવાની માહિતી મળી રહી છે. હેલિકોપ્ટરમાં મુસાફરી કરનારાઓની ઓળખ પૂર્વા રામાનુજ (સિહોર-ગુજરાત), કૃતિ બારડ (ભાવનગર), ઉર્વી બારડ (ભાવનગર), સુજાતા, પ્રેમ કુમાર, કાલા અને પાયલટ અનિલ સિંહ તરીકે થઈ છે.
SDRF અને અન્ય અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ હેલિકોપ્ટર ખાનગી કંપની આર્યનનું હતું. કેદારનાથ યાત્રા દરમિયાન ઘણા લોકો હેલિકોપ્ટરની મદદથી યાત્રા કરે, જેથી તેઓ મંદિરમાં વહેલા પહોંચી શકે.
કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશનો વીડિયો
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ત્યાંનું હવામાન ખૂબ જ ખરાબ હતુ. આ હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હતા, જેઓ મૃત્યુ પામ્યા છે. મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમારે જણાવ્યું કે, ઉત્તરાખંડના ફાટામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે.
તપાસનો આદેશ
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ પણ દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે, અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.