કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને સોમવારે કહ્યું કે એક ચાલતી ટ્રેનમાં કથિત આગ લાગવાની ઘટનાની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. રાજ્યના કોઝિકોડ જિલ્લામાં ગત રાત્રે થયેલી ઘટનામાં એક શિશુ સહિત ત્રણ લોકોના મોત થયા હતા. રવિવારે રાત્રે અલપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસના એક ડબ્બાની અંદર લોકો પર આગ લગાડનાર આરોપી વ્યક્તિની હજુ સુધી ઓળખ થઇ નથી. આ મામલે હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.
રેલવે પોલીસના એક અધિકારીએ કહ્યું કે કેટલીક અન્ય એજન્સીઓ પણ આ મામલામાં તપાસ કરી રહી છે જેથી જાણી શકાય કે આ કેસનો આતંકવાદ સાથે સંબંધ છે કે નહીં. અધિકારીએ કહ્યું કે હાલ કોઇ જાણકારી શેર કરી શકાય નહીં, તપાસ ચાલી રહી છે. એક યાત્રી પાસે મળેલી જાણકારી પ્રમાણે આરોપી વ્યક્તિનો સ્કેચ જાહેર કરાયો છે.
પોલીસને વિસ્તૃત તપાસનો નિર્દેશ આપ્યો – મુખ્યમંત્રી વિજયન
મુખ્યમંત્રી વિજયને એક નિવેદનમાં કહ્યું કે પોલીસને ઘટનાના સંબંધમાં વિસ્તૃત તપાસનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે પોલીસ સક્રિયતાથી હુમલાખોરને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. રાજ્ય પોલીસ પ્રમુખ અનિલ કાંત દ્વારા તપાસ પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો – કર્ણાટકમાં મુસ્લિમો માટે OBC ક્વોટા રદ: લિંગાયત, વોક્કાલિગા પર ફોકસ, નવા ફેરફારોનો અર્થ શું છે
મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર રેલ યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સખત પગલાં ઉઠાવશે અને રેલવે મંત્રાલયને વિનંતી છે કે તે યાત્રીઓની સુરક્ષાના મામલામાં દરેક સંભવ પગલા ભરે. મુખ્યમંત્રી વિજયને ઘટનામાં એક મહિલા, તેની ભત્રીજી (શિશુ)અને અન્ય એક વ્યક્તિના મોત પર શોક પ્રગટ કર્યો હતો. સમજી શકાય છે કે આ લોકો ટ્રેનથી પડી ગયા હશે કે આગ જોઈને કુદવાનો પ્રયત્ન કર્યો હશે.
રેલવેના પાટા પરથી એક બેગ મળી આવી
પોલીસે કહ્યું કે રેલવેના પાટા પરથી એક બેગ મળી આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેગ આરોપીની છે, જેમાં પેટ્રોલની બોટલ મળી છે. આ સિવાય બેગમાં કશું જ નથી. આ કોઇ આતંકવાદી કૃત્ય લાગતું નથી. આ વિશે અત્યાર સુધીમાં કોઇ સૂચના કે સંપર્કની કોઇ માહિતી મળી નથી.
ઘટના સમયે ટ્રેન કોઝિકોડ ક્રોસિંગ પર હતી
ઘટના રવિવારે રાત્રે લગભગ 9.45ની આસપાસ બની હતી. ઘટના સમયે ટ્રેન કોઝિકોડ ક્રોસિંગને પાર કરીને કોરાપુઝા રેલવે પુલ પહોંચી હતી. શરૂઆતમાં એમ માનવામાં આવ્યું કે ઘટના આરોપી અને અન્ય એક યાત્રી વચ્ચેના ઝઘડાનું પરિણામ હતું. જોકે પછી પોલીસ અને ડબ્બામાં રહેલી એક યાત્રીએ કહ્યું કે આરોપીને કોઇ સાથે ઝઘડો થયો ન હતો.
પોલીસે કહ્યું કે આરોપીએ મુસાફરો પર જ્વલનશીલ તરલ પદાર્થ ફેંક્યો અને તેમાં આગ લગાડી દીધી હતી. આ જ્વલનશીલ પદાર્થ પેટ્રોલ હતું. ઘટનામાં 9 લોકો દાઝ્યા હતા. થોડા ઇજાગ્રસ્ત થયેલા એક મુસાફરે ટીવી ચેનલને જણાવ્યું કે વ્યક્તિ અચાનક આવ્યો અને તેણે કેટલાક લોકો પર પેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી હતી. ડબ્બામાં થોડા લોકો હતા. જ્યારે તેણે આગ લગાડી તો બધા ગભરાઇ ગયા અને ભાગવા લાગ્યા હતા. હુમલાવરની ઉંમર 25 વર્ષની બતાવવામાં આવી રહી છે.