Khalistan Row : ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે એક એડવાઈઝરી જાહેર કરી છે. એડવાઈઝરીમાં કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ત્યાં વધી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓ અને ગુનાહિત હિંસાને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે. તેમજ કેનેડા જતા નાગરિકોએ પણ સાવચેતી રાખવી જોઈએ.
એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, “કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજકીય રીતે સમર્થિત નફરતના ગુનાઓ અને ગુનાહિત હિંસાને જોતાં, ત્યાં હાજર તમામ ભારતીય નાગરિકોને અને મુસાફરીનો પ્લાન બનાવનારે અત્યંત સાવધાની રાખવા વિનંતી કરવામાં આવે છે.” તાજેતરમાં, ખાસ કરીને ભારતીય રાજદ્વારીઓ અને ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરનારા ભારતીય સમુદાયના વર્ગોને નિશાન બનાવીને ધમકીઓ મળી છે. તેથી ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, કેનેડામાં જ્યાં આવી ઘટનાઓ જોવા મળી હોય તેવા વિસ્તારો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે.
આના એક દિવસ પહેલા જસ્ટિન ટ્રુડો સરકારે તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યમાં મુસાફરી કરવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું હતું. કેનેડાની સરકારે આ માટે રાજ્યમાં અભૂતપૂર્વ સુરક્ષા સ્થિતિને કારણ ગણાવ્યું હતું. કેનેડા સરકારે ભારત માટે તેની ટ્રાવેલ એડવાઈઝરીમાં અણધારી સુરક્ષા પરિસ્થિતિને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ટાળવાનું કહ્યું હતું. આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ભય છે. એડવાઈઝરીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ સ્થળોમાં લદ્દાખ સામેલ નથી.
આ સિવાય કેનેડાએ તેની ટ્રાવેલ એડવાઈઝરીમાં તેના નાગરિકોને અણધાર્યા સુરક્ષા કારણોસર ગુજરાત, પંજાબ અને રાજસ્થાનમાં પાકિસ્તાન બોર્ડરથી 10 કિલોમીટરની અંદર મુસાફરી કરવાનું ટાળવા કહ્યું હતું. સરહદી વિસ્તારોને લઈને જારી કરવામાં આવેલી આ એડવાઈઝરીમાં અટારી-વાઘા બોર્ડરનું નામ આપવામાં આવ્યું નથી.
વિદેશ મંત્રાલયની આ સલાહ એવા સમયે આવી છે, જ્યારે કેનેડાએ ભારત પર ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે. નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાની આશંકાથી કેનેડાના વડાપ્રધાને ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. જે બાદ તરત જ, ભારતે ટિટ ફોર ટેટ જવાબમાં ભારતમાં કેનેડાના રાજદૂતને પણ બોલાવ્યા હતા. તેને પાંચ દિવસમાં ભારત છોડી દેવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.
ભારત-કેનેડા સંબંધોમાં વધતી કડવાશ વચ્ચે જસ્ટિન ટ્રુડોએ મંગળવારે રાત્રે કહ્યું, “ભારત સરકારે આ મામલે ગંભીરતા દાખવવાની જરૂર છે.” અમે કોઈને ઉશ્કેરવા માંગતા નથી.” ભારત કહેતું આવ્યું છે કે, કેનેડાની જમીનનો ઉપયોગ ભારત વિરોધી, અલગતાવાદી ખાલિસ્તાની જૂથોની પ્રવૃત્તિઓ માટે થાય છે. આ ઘણી વખત સાબિત પણ થયું છે. આ 1980 ના દાયકાથી શરૂ થાય છે અને ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાય કેન્દ્રો પરના તાજેતરના હુમલાઓ હજુ ચાલુ રહે છે.
કોણ છે હરદીપ સિંહ નિજ્જર?
હરદીપ સિંહ નિજ્જર શીખ અલગતાવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) ના વડા પણ હતા. ભારત સરકારના જણાવ્યા અનુસાર, KTF ના નેતા તરીકે, નિજ્જર સંગઠનની કામગીરી અને નેટવર્કિંગ અને તેના સભ્યોની તાલીમ અને ભંડોળમાં સક્રિયપણે સામેલ હતો. ભારતના ગૃહ મંત્રાલયે ફેબ્રુઆરી 2023 માં ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (અન્ય લોકો વચ્ચે) ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી સંગઠન તરીકે સૂચિત કર્યું હતું.





