scorecardresearch

લોકસભા 2024 : આ ત્રણ દિગ્ગજ હશે PM મોદીના ‘યોદ્ધા’, પડદા પાછળ રમશે મોટી રમત, અમિત શાહે આપ્યો મોટો ટાર્ગેટ

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે રણનીતિ (BJP Plan) બનાવી દીધી છે. આ અંતર્ગત કદાવર નેતા સુનિલ બંસલ (sunil bansal), વિનોદ તાવડે (vinod tawde) અને તરૂણ ચુગ (tarun chugh) ને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. અમિત શાહે (Amit Shah) લોકસભા ચૂંટણી માટે 400 પ્લસ સીટનો ટાર્ગેટ (BJP Target) રાખ્યો છે.

લોકસભા 2024 : આ ત્રણ દિગ્ગજ હશે PM મોદીના ‘યોદ્ધા’, પડદા પાછળ રમશે મોટી રમત, અમિત શાહે આપ્યો મોટો ટાર્ગેટ
લોકસભા ચૂંટણીની જવાબદારી સુનીલ બંસલ, વિનોદ તાવડે અને તરુણ ચુગના માથે (ફોટો – ટ્વીટર)

લીઝ મૈથ્યુ, શુભાંગી ખાપરે : લોકસભા 2024 માટે ભાજપની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વખતે ભાજપ માટે 2019ની લોકસભા કરતાં વધુ ટાર્ગેટ રાખ્યો છે. 2019માં ભાજપે 303 બેઠકો જીતી હતી, જ્યારે આ વખતે ભાજપના આ બંને દિગ્ગજ નેતાઓએ ભાજપ માટે 400+નો લક્ષ્યાંક રાખ્યો છે.

આ યોજનાને સફળ બનાવવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ત્રણ સભ્યોની ટીમ બનાવી છે. આ ટીમમાં સુનીલ બંસલ, વિનોદ તાવડે અને તરુણ ચુગને સ્થાન આપવામાં આવ્યું છે. આ ત્રણેય ભાજપના મહામંત્રી છે.

આ ટીમ 2024ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો માટે વિગતવાર રણનીતિ તૈયાર કરશે. તેમની ભૂમિકા ગ્રાસરૂટ પર કામ કરી તેવા લોકસભા મતવિસ્તારોને ઓળખવા માટેની રહેશે, જ્યાં બીજેપીના ઉમેદવાર 2019ની ચૂંટણીમાં બીજા સ્થાન પર આવ્યા હતા. આ ઉપરાંત આ ટીમ સ્થાનિક ભાજપ એકમો સાથે સંકલન કરીને સંભવિત ઉમેદવારોનું શોર્ટલિસ્ટ કરવાનું પણ કામ કરશે.

ચાલો તમને ભાજપના આ યોદ્ધાઓ વિશે વિગતવાર જણાવીએ જે પડદા પાછળથી મોટી રમત રમશે

સુનીલ બંસલ

રાજકારણમાં રસ ધરાવનાર ભાગ્યે જ કોઈ ઉત્તર ભારતીય આ નામથી પરિચિત નહી હોય. 2014ની લોકસભા ચૂંટણીમાં સુનીલ બંસલે અમિત શાહ સાથે યુપીમાં કામ કર્યું હતું. આ પછી 2017ની વિધાનસભા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીત પણ તેમના માથા પર બંધાઈ ગઈ છે. 2019ની લોકસભામાં પણ તેમના નેતૃત્વમાં ભાજપ સંગઠને તમામ વિપક્ષી દળોને સ્તબ્ધ કરી દીધા હતા.

ગયા ઓગસ્ટમાં સુનીલ બંસલને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તેલંગાણાના પ્રભારી રાષ્ટ્રીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ત્રણેય રાજ્યોમાં ભાજપનું શાસન નથી. 2024 માં, સત્તા વિરોધીતાને કારણે, ભાજપ આ રાજ્યોમાંથી ઉત્તર ભારતમાંથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માંગે છે. 2021ની વિધાનસભા ચૂંટણીથી, બંસલ બંગાળમાં વિઘટિત થઈ રહેલી ભાજપને પુનર્જીવિત કરવા માટે કામ કરી રહ્યા છે. તેમણે સપ્ટેમ્બર 2022માં અહીં તેમની પ્રથમ મુલાકાત લીધી હતી.

રાજસ્થાનમાં જન્મેલા સુનીલ બંસલ (53 વર્ષ) તેમના વિદ્યાર્થીકાળથી જ આરએસએસ સાથે જોડાયેલા છે. પેનલનું તાત્કાલિક કાર્ય, જેમાં સુનિલ બંસલનો સમાવેશ થાય છે, તેમને દેશભરમાં રાષ્ટ્રીય સ્તરના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવાનું છે – જેમાં 6 એપ્રિલે ભાજપ સ્થાપના દિવસ અને કેન્દ્રમાં PM મોદીની સરકારની નવમી વર્ષગાંઠનો સમાવેશ થાય છે. બંસલ અને તેમની ટીમ તમામ રાજ્યોમાં ભાજપના એકમો સાથે વાતચીત કરશે.

વિનોદ તાવડે

વિનોદ તાવડે ભલે ઉત્તર ભારતીયોમાં ઓછું સાંભળેલું નામ હોય, પરંતુ એક સમયે તેઓ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના હરીફ ગણાતા હતા. 2019 માં ફડણવીસ સરકાર દરમિયાન બાજુ પર રહેલ, તાવડેએ જોરદાર પુનરાગમન કર્યું છે. બીજેપીનું નેતૃત્વ તેમને મહત્ત્વની ભૂમિકા આપે છે તે ચોક્કસપણે પરિણામો આપવાની તેમની ક્ષમતામાં તેમનામાં વધતો વિશ્વાસ દર્શાવે છે. આ તેમના માટે તેમની ક્ષમતા સાબિત કરવાની નવી તક પણ છે.

વિનોદ તાવડે ફડણવીસ સરકારમાં શાળા શિક્ષણ, તબીબી અને ઉચ્ચ તકનીકી શિક્ષણ, રમતગમત, સંસ્કૃતિ અને મરાઠી ભાષા જેવા મહત્વના વિભાગો સંભાળતા હતા. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની વહેંચણી દરમિયાન છેલ્લી ઘડીએ તેમની ટિકિટ કાપવામાં આવી હતી. વિનોદ તાવડે માટે આ મોટો ફટકો હતો, પરંતુ પાર્ટીના વફાદાર સૈનિકની જેમ તેમણે ભાજપના નિર્ણયને માન આપ્યું અને ઉમેદવાર સુનીલ રાણેની તરફેણમાં પ્રચાર કર્યો.

2020 માં, વિનોદ તાવડેને કેન્દ્રની રાજનીતિમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને નડ્ડાની ટીમમાં રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા હતા. એક વર્ષ સુધી તેમના કામનું નિરીક્ષણ કર્યા પછી, તેમને 2021 માં રાષ્ટ્રીય મહાસચિવનું પદ આપવામાં આવ્યું. ત્યારે તવદારે કહ્યું, “મારી ધીરજનું ફળ મળ્યું છે. આ એક શીખ છે જે દરેક કાર્યકર્તાએ ધ્યાનમાં રાખવી જોઈએ.”

ભાજપમાં તાવડેની ગણતરી સંગઠનાત્મક વ્યક્તિ અને ચૂંટણી રણનીતિકાર તરીકે થાય છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દી વિદ્યાર્થી જીવનમાં ABVP સાથે શરૂ કરી હતી. તેઓ એબીવીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બન્યા હતા. વર્ષ 1999માં તેઓ મુંબઈ ભાજપના સૌથી યુવા અધ્યક્ષ પણ હતા. આ પહેલા તેઓ 1995માં મહારાષ્ટ્ર ભાજપના મહાસચિવ હતા. તેઓ 2008 થી 2014 સુધી એમએલસી પણ રહ્યા છે.

તરુણ ચુગ

સુનીલ બંસલ અને વિનોદ તાવડેની જેમ તરુણ ચુગ પણ એબીવીપી દ્વારા ભાજપમાં જોડાયા છે. તરુણ ચુગ, 50, ભાજપની મુખ્ય વ્યક્તિઓમાંના એક છે, જેઓ પાર્ટી માટે લોજિસ્ટિક્સનું સંકલન કરે છે. તે પાર્ટી અને તેના વરિષ્ઠ નેતાઓ માટે કાર્યક્રમનું કેલેન્ડર પણ તૈયાર કરે છે. અમૃતસરના રહેવાસી તરુણ ચુગ વર્ષ 2020થી તેલંગાણા ભાજપના પ્રભારી મહાસચિવ છે. તેલંગાણાની બાગડોર સંભાળ્યા બાદથી ભાજપમાં સક્રિય છે. જો સૂત્રોનું માનીએ તો, ચુગની ટીમમાં અપેક્ષિત ભૂમિકા વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ સાથે ચૂંટણી પહેલા પાર્ટી દ્વારા આયોજિત થનારા અનેક કાર્યક્રમો માટે સંકલન કરવાની રહેશે. તેને અંતિમ સ્વરૂપ આપવા માટે તે તમામ રાજ્ય એકમો સાથે સંકલન કરશે.

(અનુવાદ/ભાવાનુવાદ – કિરણ મહેતા)

Web Title: Lok sabha 2024 bjp plan pm modi warriors sunil bansal vinod tawde tarun chugh amit shah target

Best of Express