ભારતીય જનતા પાર્ટી (BJP) લોકસભા ચૂંટણી 2024 માટે ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ચોક્કસ વ્યૂહરચના તૈયાર કરવા માટે સતત કામગીરી કરી રહી છે. લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલા ભાજપને તેના સંસદસભ્યો (સાંસદો)ના રિપોર્ટ કાર્ડ ચૂંટણી પહેલા તૈયાર કરાવી રહી છે. જાહેર જનતાના પ્રતિભાવો અને આંતરિક સર્વેના આધારે રિપોર્ટ કાર્ડ ટોચના નેતૃત્વને મોકલવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાંસદોને ટિકિટ આપવી કે નહીં તે તેમના મૂલ્યાંકન રિપોર્ટના આધારે જ નક્કી કરાશે.
સાંસદોના રિપોર્ટ કાર્ડ કેવી રીતે બનશે?
ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર રિપોર્ટ કાર્ડની તૈયારી દરમિયાન મળેલા જન પ્રતિભાવ અને આંતરિક સર્વેના તારણો પક્ષના ટોચના નેતૃત્વને મોકલવામાં આવશે. સાંસદોનું તેમના મતવિસ્તાર ઉપરાંત જાહેર જીવનમાં તેમના વર્તનને ધ્યાનમાં રાખીને અત્યંત ખાનગી રીતે મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ઓછી હાજરીનો રેકોર્ડ ધરાવતા સાંસદોની પણ આ વખતની લોકસભા ચૂંટણીમાં ટિકિટ કાપી નાંખવામાં આવી શકે છે. કારણ કે પક્ષની ઉચ્ચસ્તરીય પેનલ જે-તે સાંસદની ચૂંટણી લડવાની વિરુદ્ધમાં નિર્ણય લઈ શકે છે.
રાયબરેલી સહિત 16 સંસદીય મતવિસ્તારો પર વધારે ફોકસ
વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતમાં ઉત્તર પ્રદેશ રાજ્યે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ વખતે, ભગવા પાર્ટીનું લક્ષ્ય ઉત્તર પ્રદેશની તમામ 80 લોકસભા બેઠકો કબજે કરવાનો છે. જો કે, પાર્ટીનું મુખ્ય ફોક્સ તે 16 બેઠકો પર રહેશે જે તે છેલ્લી ચૂંટણીમાં જીતી શકી ન હતી. જેમાં રાયબરેલીની બેઠક ભાજપ માટે બહું જ મહત્વપૂર્ણ બેઠકો હશે, કારણ કે અહીંયાથી કોંગ્રેસના ભૂતપૂર્વ વડા સોનિયા ગાંધી ચૂંટણી લડે છે.
વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પ્રયોગ કરી ચૂકી છે આવો પ્રયોગ
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર પર સવાર થઈને ભાજપ ઉત્તરપ્રદેશમાં 80માંથી 64 બેઠકો જીતવામાં સફળ રહી હતી. તેથી ભાજપ માટે એકમાત્ર પડકાર ઉત્તર પ્રદેશમાંથી સતત ત્રીજી વખત બને તેટલી બેઠકો જીતવાનો છે. આ પહેલા પણ ભાજપે વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં પોતાના આકલન ફોર્મ્યુલા સાથે આ પ્રયોગ કર્યો છે. આ પ્રયોગથી પાર્ટીને સૌથી વધુ ફાયદો થયો છે.
કેન્દ્ર અને રાજ્યની યોજનાઓની વાસ્તવિક અસર
ઉત્તર પ્રદેશના ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ કહ્યું કે, પાર્ટી લોકસભા ચૂંટણી 2024 માટે સંપૂર્ણ તૈયારી સાથે કામગીરી કરી રહી છે. યોગ્ય સમય આવશે ત્યારે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ‘ભાજપ હંમેશા પોતાના રિપોર્ટ કાર્ડ સાથે ચૂંટણીમાં ઉતરે છે. આ વખતે પણ આવું જ થશે. કેન્દ્ર અને રાજ્યની યોજનાઓએ ઉંડી વાસ્તવિક અસર થઇ છે. તેની માહિતી કાર્યક્રમો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે.
ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શું છે
ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ કહ્યું કે, “લોકસભા 2024ની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી તેમના રિપોર્ટ કાર્ડના આધારે કરવામાં આવશે. પાર્ટી હંમેશા તેમના નેતાઓની કામગીરીને પ્રાથમિકતા આપે છે. ઉમેદવારોની પસંદગીની એક પ્રક્રિયા છે જે પાયાના સ્તરે ચર્ચાઓ મારફતે આગળ વધે છે. વિવિધ સ્તરે મળેલા પ્રતિસાદના આધારે કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે.