(મનોજ સી.જી, લીઝ મેથ્યુ) લોકસભાના ઉપાધ્યક્ષનું પદ 23 જૂન 2019થી ખાલી છે. આ પદ સામાન્ય રીતે વિરોધ પક્ષનો કબજો હોય છે. લોકસભાના નાયબ અધ્યક્ષ સ્પીકર પદ સાથે જોડાયેલો આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ લોકસભાની સાથે સાથે અનેક રાજ્યોની વિધાનસભાઓમાં ઉપાધ્યક્ષની ચૂંટણી ન કરવા અંગેની જાહેર હિતની અરજી (PIL)ની સુનાવણી કરી રહી છે.
દેશની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI DY Chandrachud) ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠ આ મામલાને ‘અત્યંત આવશ્યક’ ગણાવીને જાહેર હિતની અરજીનો નિકાલ કરવા માટે એટર્ની જનરલ આર વેંકટરામણી પાસેથી સલાહસૂચન માંગ્યા છે. લોકસભા ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડ અને રાજસ્થાનની વિધાનસભાઓમાં પણ ડેપ્યુટી સ્પીકર નથી.
લોકસભા મહાસચિવ અને વિધાનસભાના મુખ્ય સચિવ કે સચિવોને આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા મોકલાયેલી નોટિસ અંગે સરકારના સૂત્રોએ જણાવ્યું કે, હાલ આ મામલે પ્રતુત્યર તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ મુદ્દે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સરકાર લોકસભામાં તમામ સ્થાપિત પ્રથાઓ અને પરંપરાઓને નષ્ટ કરી રહી છે… તે વિપક્ષનો અધિકાર છે. પરંપરાગત રીતે, ડેપ્યુટી સ્પીકરનું પદ હંમેશા વિરોધ પક્ષો પાસે જ રહ્યું છે. સરકાર ગમે તે પક્ષને આપે, પરંતુ પરંપરા તૂટવી ન જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, આ સંબંધમાં તેમણે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને અનેક વખત પત્રો લખીને ડેપ્યુટી સ્પીકરની નિમણૂકની માંગણી કરી છે. અધીર રંજન ચૌધરીએ ઉમેર્યું કે, તેમણે ઓમ બિરલાને કહ્યું હતુ કે “બંધારણીય જનાદેશ મુજબ, નવી લોકસભાની રચના થયા બાદ, લોકસભાના ઉપાધ્યક્ષના પદે ચૂંટણી દ્વારા અથવા સર્વસંમતિથી નિમણુંક કરવી જોઈએ”.
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ ઘટનાને ‘લોકશાહીની મજાક’ ગણાવી અને કહ્યું કે આ બાબતે દર્શાવે છે કે સરકાર દેશને લોકશાહી રીતે ચલાવવા માંગતી નથી. તેથી દરેક લોકતાંત્રિક સંસ્થાને નષ્ટ કરવામાં આવી રહી છે, તેને કચડી નાખવામાં આવી રહી છે.
જો કે, જ્યારે ઈન્ડિયન એક્સપ્રેસે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને આ અંગે પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે આ એક પ્રક્રિયા છે અને સમય આવશે ત્યારે કરવામાં આવશે. આ મુદ્દે, લોકસભા સ્પીકરની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિષય “સરકારનો વિશેષાધિકાર” છે અને “સરકારે તેના પર નિર્ણય લેવાનો છે”.