lok sabha election : ઇન્ડિયા ગઠબંધન માટે આવનારા દિવસો પણ સારા જોવા મળી રહ્યા નથી. હવે એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસ સાથેની વાતચીતનો અંત લાવશે. લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આસામમાં ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
આસામથી ત્રણ ઉમેદવારની જાહેરાત કરી
આમ આદમી પાર્ટીએ દિબ્રુગઢથી મનોજ ધનોવાર, ગુવાહાટીથી ભાવેન ચૌધરી અને સોનિતપુરથી ઋષિરાજ કોંડિન્યને લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. આ પહેલા આમ આદમી પાર્ટીએ ગુજરાતની ભરુચ લોકસભા સીટ માટે ચૈતર વસાવાની ઉમેદવારની જાહેરાત કરી હતી.
ગુરુવારે દિલ્હી સ્થિત આપ મુખ્યાલયમાં મીડિયા સાથે વાત કરતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હવે લોકસભા ચૂંટણી માટે ઓછો સમય બચ્યો છે અને અમારે ચૂંટણી જીતવાની છે.
આ પણ વાંચો – ઇડી સાથે ખેંચતાણમાં કેજરીવાલને હવે કોર્ટની નોટિસ, ‘આપ’ની ચારેબાજુ આ રીતે ફેલાયેલું છે સંકટ
વાતચીત કરતા-કરતા થાકી ગયા
સંદીપ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે અમે ઇ્ન્ડિયા ગઠબંધન સાથે વાત કરતા-કરતા થાકી ગયા છીએ. મહિનાઓ થઇ ગયા વાતચીત કરતા-કરતા પણ પરિણામ કશું સામે આવ્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે હવે કોંગ્રેસ અને ગઠબંધન પર નિર્ભર કરે છે કે ઇન્ડિયા ગઠબંધન અમારા માટે આસામની આ ત્રણ સીટો સ્વીકારે. જોકે અમે પુરી રીતે ગઠબંધનની સાથે છીએ.
ઇન્ડિયા ગઠબંધનમાં મતભેદો વધ્યા
લોકસભા ચૂંટણી ખૂબ નજીક છે ત્યારે આ ઇન્ડિયા ગઠબંધન વિઘટનનો શિકાર બન્યું છે. નીતિશ કુમારે ફરી પલટી મારી લીધી છે અને દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઓછી થઇ રહી નથી. આ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસને સૌથી વધુ બલિદાન આપવું પડશે તે વાત તો બધા જ જાણતા હતા. એ પણ સ્પષ્ટ હતું કે તે અગાઉની ચૂંટણી કરતા ઓછી બેઠકો પર ચૂંટણી લડશે. પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ મોદી કરતા કોંગ્રેસને નિશાન બનાવવા માટે વધુ કામ કરશે. પરંતુ જે વિચાર્યું ન હતું તેવું જ થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ પણ ઇન્ડિયા ગઠબંધનથી દૂરી બનાવી લીધી છે.