લાલમની વર્મા : ગત સપ્તાહે સપા પ્રમુખ અખિલેશ યાદવે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જે લોકો 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માંગે છે તેમણે મોટું દિલ બતાવવું જોઇએ અને યૂપીમાં સપાનું સમર્થન કરવું જોઇએ. તેમના આ નિવેદન બાદથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જો સીટોની વહેંચણી અનુસાર થાય તો સપા લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે.
આના થોડા અઠવાડિયા પહેલા સપા પ્રમુખે કહ્યું હતું કે તેમને કોંગ્રેસ સાથે ગઠબંધનમાં રસ નથી. સપાએ પણ અમેઠીમાં પોતાની પાર્ટીનો ઉમેદવાર ઉતારવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમેઢી કોંગ્રેસનો ગઢ છે જ્યાંથી રાહુલ ગાંધીએ છેલ્લી ત્રણ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. સામાન્ય રીતે સપા અહીં પોતાનો ઉમેદવાર ઉતારતી નથી. 2019માં આમ છતાં રાહુલ ગાંધી ચૂંટણી હારી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આરએલડી દ્વારા સપા પર કોંગ્રેસ સાથે ગઠબંધન માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આરએલડીનું માનવું છે કે યુપીમાં ભાજપ વિરોધી મોરચો કોંગ્રેસ વિના સફળ થઈ શકે તેમ નથી.
રાલોદના યુપીના અધ્યક્ષ રામાશીષ રાયે કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા યુપીમાં મુસ્લિમો કોંગ્રેસ તરફ જોઈ રહ્યા છે. આથી કોંગ્રેસે યુપીમાં વિપક્ષના મોરચામાં જોડાવું જોઈએ. પશ્ચિમ યુપીમાં મુસ્લિમો, જાટ અને ગુર્જરો ભાજપ સામે એકજૂથ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે પશ્ચિમ યુપીની 22 લોકસભા સીટો પર મુસલમાનોની વસ્તી 38 થી 51 ટકા છે. જ્યારે જાટની સંખ્યા 6થી 12 ટકા છે અને હવે બદલાયેલા માહોલમાં કોંગ્રેસ વિપક્ષી ગઠબંધનની મદદ કરી શકે છે.
પશ્ચિમ યુપીમાં ચંદ્રશેખર આઝાદની પાર્ટી – આઝાદ સમાજ પાર્ટી દલિતો અને મુસ્લિમો વચ્ચે કામ કરી રહી છે. જોકે સપાના એક નેતાએ કહ્યું કે કોંગ્રેસને વિશ્વાસ છે કે જો વિપક્ષી ગઠબંધન સત્તામાં આવશે તો તેની પાસે સૌથી અલગ-અલગ રાજ્યોમાં સૌથી વધુ સાંસદો હશે અને તેથી વડાપ્રધાન પણ કોંગ્રેસના જ હશે. એટલા માટે કોંગ્રેસ યુપીમાં સીટોની વહેંચણીને લઈને સપા સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવા તૈયાર નથી. અહીં 2017ની વિધાનસભા ચૂંટણીમાં બંનેનું ગઠબંધન ખરાબ રીતે નકારી કાઢવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસે યાદ રાખવું જોઈએ કે 2019માં તેણે યુપીમાં માત્ર એક જ બેઠક જીતી હતી.
આ પણ વાંચો – કર્ણાટક કોંગ્રેસમાં હજુ પણ બધુ બરાબર નથી! મંત્રીઓ અને ડીકે શિવકુમારના ભાઈ વચ્ચે સત્તાની વહેંચણી પર ફરી ઝઘડો થયો
સપાના અન્ય એક નેતાએ કહ્યું કે અખિલેશ યાદવ આવી ટિપ્પણીઓ દ્વારા સપાના પક્ષમાં ભાજપ વિરોધી મતદારોને એકજૂથ કરવાનો પ્રયાસ કરી શકે છે. યુપીમાં સપાના નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધનમાં જો અન્ય પાર્ટીઓ સામેલ નહીં થાય તો અખિલેશ યાદવ પાસે એક સંદેશ આપવાની તક હશે કે માત્ર સપા જ ભાજપને હરાવવા માંગે છે.
કોંગ્રેસના પ્રવક્તા અશોક સિંહે કહ્યું કે ફક્ત યુપીના પરિણામો દ્વારા જ કેન્દ્રમાં સરકાર બનશે નહીં. કોંગ્રેસ કેન્દ્રમાં ભાજપને હરાવીને રાહુલ ગાંધીના નેતૃત્વમાં આગામી સરકાર બનાવશે. કોંગ્રેસ યુપીની દરેક સીટ માટે તૈયારી કરી રહી છે. અખિલેશ યાદવે નક્કી કરવાનું છે કે તેઓ કઈ વિચારધારા સાથે છે. જે પણ ભાજપને હરાવવા માંગે છે તે કોંગ્રેસને સમર્થન આપે.
અખિલેશ યાદવનો આગ્રહ રહ્યો છે કે રાજ્યમાં ભાજપ વિરુદ્ધ સૌથી શક્તિશાળી પાર્ટીને વિપક્ષી પાર્ટીઓએ સમર્થન આપવું જોઈએ. સપાનું માનવું છે કે ગત વિધાનસભા પરિણામોને જોતા એ વાત પર વિચાર કરવો જોઈએ કે યુપીમાં બીજેપીને ટક્કર આપવા માટે સપા સૌથી શક્તિશાળી છે.
આરએલડીનું માનવું છે કે સપા સાથે તેનું જોડાણ ચાલુ રહેશે. આરએલડીના એક નેતાએ કહ્યું કે ભવિષ્ય વિશે કંઇ ચોક્કસ નથી. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પશ્ચિમ યુપીની ઘણી બેઠકો પર સપા અને આરએલડીના ઉમેદવારો સામસામે ચૂંટણી લડી રહ્યા હતા.
બસપા પહેલા જ સ્પષ્ટ કરી ચૂકી છે કે 2024ની ચૂંટણીમાં તે કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. માયાવતીએ 2019ની લોકસભા ચૂંટણી સપા અને આરએલડી સાથે મળીને લડી હતી પરંતુ આમ છતાં સપા-બસપાએ મળીને 80 માંથી 15 બેઠકો જીતી હતી અને ભાજપે યુપીની સાથે સતત બીજી લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.
માયાવતી સતત સપા પર હુમલો કરી રહ્યા છે અને મુસ્લિમ સમુદાયને પોતાની પાર્ટીનું સમર્થન કરવાની અપીલ કરી રહ્યા છે. હાલમાં જ જ્યારે અખિલેશ યાદવે ભાજપને હરાવવા માટે પીડીએની વાત કરી તો માયાવતીએ કહ્યું કે સપાના પીડીએ એટલે પરિવાર, દળ અને ગઠબંધન.
સપાના વરિષ્ઠ નેતા સુધીર પંવારે કહ્યું કે સમાજવાદી આઈકન રામ મનોહર લોહિયા એક પક્ષીય શાસન અથવા ડબલ એન્જિનવાળી સરકારની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે લોહિયાએ આંબેડકરને જોડાણ માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ આંબેડકરના અચાનક અવસાનને કારણે તે સાકાર થઈ શક્યું નહીં. તેમના પ્રયત્નોને કારણે 1967 પછી વિવિધ રાજ્યોમાં અને કેન્દ્રમાં ગઠબંધન સરકારો બની હતી.
તેમણે કહ્યું કે 1993માં મુલાયમ સિંહ યાદવ અને કાંશીરામે ગઠબંધન કરીને ભાજપને હરાવ્યું હતું. વર્ષ 2017માં અખિલેશ યાદવે કોંગ્રેસ, બસપા અને નાના પક્ષો સાથે ગઠબંધન કરી ચુક્યા છે. 2017માં તેમણે કોંગ્રેસને વધારે બેઠકો આપીને ગઠબંધન કર્યું હતું. તેમણે 2019માં માયાવતી સાથે ગઠબંધન કર્યું હતું અને તેમને જીતી તેવી વધારે બેઠકો આપી હતી. જ્યારે માયાવતીએ અજિત સિંહ સાથે ગઠબંધન કરવાની ના પાડી તો અખિલેશે પોતાના કોટામાંથી આરએલડીને સીટો આપી હતી.
તેમણે કહ્યું કે સપાએ 2022ની વિધાનસભાની ચૂંટણી માટે સામાજિક ન્યાય માટે લડવા માટે નાના પક્ષો સાથે જોડાણ કર્યું હતું અને આરએલડીના વડા જયંત ચૌધરીને રાજ્યસભામાં ચૂંટાવામાં પણ મદદ કરી હતી. અખિલેશે હંમેશા મોટા દિલથી ગઠબંધન કર્યું છે જેનો ફાયદો સપાના સાથીઓને વધુ મળ્યો છે. તેમણે કહ્યું કે તે નક્કી કરવાનું કામ કોંગ્રેસનું રહેશે કે તે કેન્દ્રીય સ્તરે ભાજપ સામે લડવા માંગે છે કે રાજ્યોમાં ભવિષ્યની સંભાવનાઓ માટે પ્રાદેશિક પક્ષો સાથે ટકરાવ કરવા માંગે છે.





