આંધ્ર પ્રદેશમાં ચાલી રહી છે અલગ અલગ રમત! રાજ્યની ત્રણેય પાર્ટીઓ ભાજપની નજીક દેખાઈ રહી છે

Lok Sabha Election 2024 : આંધ્ર પ્રદેશમાં સત્તા રહેલા YSRCP એ અવિશ્વાસ પ્રસ્તાવ સામે ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે

Updated : July 28, 2023 23:31 IST
આંધ્ર પ્રદેશમાં ચાલી રહી છે અલગ અલગ રમત! રાજ્યની ત્રણેય પાર્ટીઓ ભાજપની નજીક દેખાઈ રહી છે
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડી અને પીએમ નરેન્દ્ર મોદી (Twitter/@ysjagan)

Sreenivas Janyala : સમગ્ર દેશમાં એનડીએને હરાવવા માટે વિપક્ષ એકજૂથ થઇ રહ્યો છે પરંતુ આંધ્ર પ્રદેશમાં વિપક્ષી પાર્ટીઓ ભાજપને સમર્થન આપી રહી છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પક્ષો (વાયએસઆરસીપી, ટીડીપી અને જનસેના પાર્ટી) કે જેઓ ત્યાં પ્રભુત્વ ધરાવે છે, તેઓ માત્ર કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને હરાવવા માટે જ નહીં પરંતુ રાજ્યના રાજકારણ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓને કારણે પણ ભાજપને ટેકો આપવા માટે ઉત્સુક છે.

આંધ્ર પ્રદેશના ત્રણેય પક્ષો ભાજપની નજીક

રાજ્યના શાસક YSRCP એ અવિશ્વાસ પ્રસ્તાવ સામે ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. જોકે ટીડીપીએ હજી સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુ વાયએસઆરસીપીને ટક્કર આપવા માટે ભાજપ અને જેએસપી સાથે જોડાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટીડીપીના પ્રવક્તા કે પટ્ટાભી રામે કહ્યું કે અમારી પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુ અંતિમ નિર્ણય લેશે. અભિનેતામાંથી રાજનેતા બનેલા પવન કલ્યાણની આગેવાનીમાં જેએસપી પહેલાથી જ ભાજપ સાથે ગઠબંધનમાં છે.

મજબૂરીઓના કારણે જગન ભાજપને ટેકો આપી રહ્યા છે

મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ સ્પષ્ટ કર્યું છે કે વાયએસઆરસીપી કોઈ પણ જોડાણમાં જોડાશે નહીં, પરંતુ કથિત રીતે કેન્દ્રીય ફંડિગ સાથે સંબંધિત મજબૂરીઓને કારણે તેમણે ભાજપને ટેકો આપ્યો હોવાના અહેવાલ છે. પોલાવરમ ડેમ પ્રોજેક્ટ તેમજ 2014માં વિભાજન દરમિયાન થયેલી મહેસૂલી ખાધની ભરપાઇ કરવા માટે રાજ્ય કેન્દ્ર સરકાર પર ખૂબ જ નિર્ભર છે. 2014-15ના નાણાકીય વર્ષમાં રાજ્યની કુલ મહેસૂલી ખાધ 22,948.76 કરોડ રૂપિયા હતી, જેમાંથી કેન્દ્રએ આ માર્ચ સુધીમાં માત્ર 4,117.89 કરોડ રૂપિયા જ જાહેર કર્યા હતા.

મુખ્યમંત્રી જગન અને વાયએસઆરસીપીના સાંસદોએ ભાજપ અને ખાસ કરીને અમિત શાહ સાથે જે સારા સંબંધો બાંધ્યા હતા તેનું ફળ પણ મળ્યું હતું. કેન્દ્રએ 23 મેના રોજ વધુ 10,460 કરોડ રૂપિયાની મંજૂરી આપી હતી. વિભાજન પછી આંધ્ર માટે કેન્દ્રીય ભંડોળનો આ સૌથી મોટો હપ્તો છે. કેન્દ્ર સરકારે 6 જૂને પોલાવરમ પ્રોજેક્ટ માટે 12,911 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા.

આ પણ વાંચો – મફતની રેવડી પડી રહી છે ભારે, ખજાનો થઇ રહ્યો છે ખાલી, કર્ણાટકનો ટ્રેન્ડ દેશ માટે ખતરનાક સંકેત!

વાયએસઆરસીપી નેતાઓએ કહ્યું કે આ ભાજપના નેતાઓ સાથે વારંવારની બેઠકોનું પરિણામ છે. જોકે ભાજપ સાથે સારા સંબંધોને પ્રોત્સાહન આપનાર જગન મોહન ભાજપ સાથે જોડાયેલા કોઇ પણ ગઠબંધનમાં જોડાવા માંગતા નથી. આનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ રાજ્યની પોતાની મોટી લઘુમતી વોટબેંકને અલગ કરવા માંગતા નથી. ગયા અઠવાડિયે સીએમ જગને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અંગે સંબંધિત મુસ્લિમ નેતાઓના પ્રતિનિધિમંડળને કહ્યું હતું કે વાયએસઆરસીપી એવું કંઈ પણ નહીં કરે જેનાથી લઘુમતીઓની ભલાઇ અને કલ્યાણને નુકસાન થાય.

ચંદ્રાબાબુ નાયડુ પણ ભાજપ સાથે કરી રહ્યા છે વાત

ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુ જે કેન્દ્ર દ્વારા વિશેષ કેટેગરીના દરજ્જાની માંગનો જવાબ ન આપવા પર 2018માં એનડીએમાંથી બહાર થઇ ગયા હતા. તે પણ આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી લડવા માટે ભાજપનો ટેકો માગી રહ્યા છે. હાલમાં જ ચંદ્રબાબુ નાયડુ જનસભાઓમાં કહી રહ્યા છે કે જો 2024માં ટીડીપી નહીં જીતે તો આ તેમની છેલ્લી ચૂંટણી હશે. વાસ્તવમાં ટીડીપીના નેતાઓનું માનવું છે કે જો વાયએસઆરસીપી ફરીથી સત્તામાં આવશે તો પાર્ટીનું ભવિષ્ય દાવ પર લાગશે.

ભાજપે અગાઉ ટીડીપી માટે દરવાજા બંધ કરી દીધા હતા પરંતુ તાજેતરમાં તેણે નાયડુ પ્રત્યે સારા સંબંધો બતાવવાનું શરૂ કર્યું છે. ચંદ્રાબાબુ નાયડુએ 4 જૂને અમિત શાહ સાથે મુલાકાત કરી ગઠબંધન અંગે વાત કરી હતી. ટીડીપીના સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપે સકારાત્મક પ્રતિક્રિયા આપી છે પરંતુ જોડાણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવાનું બાકી છે.

ટીડીપીના એક નેતાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ટીડીપીને ભાજપનો ટેકો લેવાની ફરજ પડી રહી છે કારણ કે અમે એકલા વાયએસઆરસીપીનો સામનો કરી શકતા નથી, જે મજબૂત સ્થિતિમાં છે. અમે કેન્દ્રમાં ભાજપ સાથે સંકળાયેલા કોઈપણ ગઠબંધનમાં જોડાઈ શકીએ નહીં, પરંતુ અમે રાજ્ય સ્તરે ભાજપનો ટેકો ઇચ્છીએ છીએ. ચંદ્રાબાબુ નાયડુ ફરીથી એનડીએમાં જોડાઈને રાજ્યના લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમોને નારાજ કરવા અંગે પણ સાવધ છે. તેથી ભલે તેઓ ભાજપનો સાથ ઈચ્છે છે પરંતુ તેમણે મુસ્લિમ નેતાઓના પ્રતિનિધિમંડળને ખાતરી આપી છે કે ટીડીપી યુસીસી પર તેમના સમુદાયની સાથે ઉભી રહેશે.

પવન કલ્યાણ પણ ભાજપની સાથે

આંધ્ર પ્રદેશના વિભાજન પહેલા માર્ચ 2014માં પવન કલ્યાણે પોતાનો પક્ષ શરૂ કર્યો ત્યારથી જ ભાજપ સાથે છે. જ્યારે તેમની જનસેના પાર્ટીએ 2014માં ચૂંટણી લડી ન હતી, પરંતુ તેણે ટીડીપી-ભાજપને ટેકો આપ્યો હતો. માનવામાં આવે છે કે જનસેના પાર્ટીના સમર્થનના કારણે તેમના ગઠબંધનને જીત મળી હતી.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

બ્રેકિંગ, લેટેસ્ટ અને માહિતીસભર સમાચાર માત્ર એક ક્લિક પર. અહીં તમે ટોપ સમાચાર | ગુજરાત | ભારત | મનોરંજન | રમત | બિઝનેસ | વેબ સ્ટોરી | ફોટા | લાઇફ સ્ટાઇલ અને હેલ્થ સહિત ગુજરાતી સમાચાર જાણી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ મેળવવા માટે અમને ફેસબુક | ઇન્સ્ટાગ્રામ | ટ્વિટર પર ફોલો કરી શકો છો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ