Lok sabha election 2024 : મુસ્લિમ સમુદાય માટે ભાજપનો ‘મોદી મિત્ર’ કાર્યક્રમ શું છે, દેવબંદમાં 150 લોકોને અપાયા ‘મોદી મિત્ર સર્ટિફિકેટ’

BJP Modi Mitra for minorities : લોકસભા ચૂંટણી 2024 જીતવા માટે ભાજપની રણનીતિ અંતર્ગત આજે દેવબંદમાં 150 અલ્પસંખ્યક લોકોને 'મોદી મિત્ર સર્ટિફિકેટ' અપાયા છે. જાણો ભાજપનો 'મોદી મિત્ર' કાર્યક્રમ શું છે અને તેનાથી શું ફાયદો થશે

Written by Ajay Saroya
June 22, 2023 22:54 IST
Lok sabha election 2024 : મુસ્લિમ સમુદાય માટે ભાજપનો ‘મોદી મિત્ર’ કાર્યક્રમ શું છે, દેવબંદમાં 150 લોકોને અપાયા ‘મોદી મિત્ર સર્ટિફિકેટ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

Lok sabha election 2024 BJP Modi Mitra certificates : લોકસભા ચૂંટણી 2024 જીતવા માટે ભાજપ દરેક મોરચે તૈયારીઓ કરી રહ્યું છે. આ અંતર્ગત ભાજપે લઘુમતી લોકો સુધી પહોંચવા માટે એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. ભાજપ લઘુમતી મોરચા એવા લોકોને પ્રમાણપત્ર આપવા જઈ રહી છે જેઓ પીએમ નરેન્દ્ર મોદીના વિઝન અને પહેલની પ્રશંસા કરે છે.

દેવબંદથી ‘મોદી મિત્ર સર્ટિફિકેટ’ની શરૂઆત

ગુરુવાર, 22 જૂને, ભાજપ યુપીના દેવબંદમાં લગભગ 150 મુસ્લિમોને ‘મોદી મિત્ર પ્રમાણપત્ર’ આપવાની સાથે આ કાર્યક્રમની શરૂઆત કરી છે. દેવબંદ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ શહેર ઇસ્લામિક શિક્ષણનું સૌથી મોટું કેન્દ્ર છે. દેવબંદમાં યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના કાર્યક્રમોના આમંત્રિત લાભાર્થીઓ પણ ભાગ લેશે.

મોદી મિત્ર સર્ટિફિકેટનો ઉદ્દેશ્ય

ભાજપનો આ ખાસ કાર્યક્રમ અલ્પસંખ્યકો સુધી પહોંચવા અને તેના સહકાર મેળવવા માટે ચાલુ વર્ષ જાન્યુઆરીમાં ભાજપ દ્વારા આરંભ કરાયેલું એક નવું મિશન છે. આ મિશન હેઠળ ભાજપ પીએમ મોદીના સંદેશા અને કલ્યાણકારી યોજનાઓને લઘુમતિ સમુદાય સુધી લઇ જવાનો એક સપોર્ટ લેઝ તૈયાર કરવા ઇચ્છે છે.

65 લોકસભા મતવિસ્તાર પર ખાસ ફોકસ

ભાજપ લઘુમતી મોરચાએ તેના કાર્યક્રમ માટે દેશભરમાં 65 લોકસભા મતવિસ્તારોની પસંદગી કરી છે. આ 65 લોકસભા મતવિસ્તાર 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લે છે. આ તમામમાં મતવિસ્તારો લઘુમતી વસ્તી 30 ટકાથી વધુ છે. ભાજપ લઘુમતી મોરચાએ આ લોકસભા મતવિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે ચાર મહિનાનો આઉટરીચ પ્રોગ્રામ શરૂ કર્યો છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા ભાજપ અલ્પસંખ્યક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ કહ્યું કે, આ ભાજપ કેડરની બહારના લઘુમતી સમુદાય સુધી પહોંચવાનો પ્રયાસ છે. તેમાં વકીલ, એકાઉન્ટન્ટ, મીડિયાકર્મી, પ્રોફેસર, ડોક્ટર અને અન્ય પ્રોફેશનલ્સના વ્યક્તિઓ સામેલ છે – જેઓ કદાચ ભાજપનો હિસ્સો બનવા માંગતા નથી, પરંતુ પીએમ મોદીના કામની પ્રશંસા કરે છે.

ભાજપે આ કાર્યક્રમ માટે દરેક 65 લોકસભા મતવિસ્તારોમાં એક વ્યક્તિની પસંદગી કરી છે. તેના સાત કે આઠ વિધાનસભા મતવિસ્તારો માટે પણ એક વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે. આ લોકો (ઈન્ચાર્જ) એ આવા 30 પ્રોફેશનલ્સ કે બિઝનેસમેનને પસંદ કર્યા છે – જેમને પીએમ મોદીની કામગીરી પસંદ છે. આ 30 લોકોને તેમના વિસ્તારમાં આ મિશનમાં જોડાવા માટે 25 લોકોને પસંદ કરવાનું કહેવામાં આવ્યું છે. આ રીતે દરેક વિસ્તારમાં 750 લોકો જોડાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આના પરિણામે આ મતવિસ્તારોમાંથી લગભગ 50,000 મોદીમિત્રોની રચના થશે. તેઓ ભાજપ કેડરનો ભાગ ન હોઈ શકે, પરંતુ તેઓ સપોર્ટ બેઝ બનાવશે.

સિદ્દીકીએ જણાવ્યું કે, આ કવાયત એક ઇવેન્ટ સાથે સમાપ્ત થશે જ્યાં વર્ષના અંતમાં તમામ ‘મોદી મિત્રો’ દિલ્હીમાં એક મોટી સભા માટે ભેગા થશે અને “તેને વડાપ્રધાન મોદી પોતે તેને સંબોધિત કરશે”. સિદ્દીકીના જણાવ્યા મુજબ, લઘુમતી મોરચા પાસે ‘મોદી મિત્ર’ જૂથોનો ડેટા હશે અને પાર્ટી સતત તેમના સંપર્કમાં રહેશે. તેમણે કહ્યું કે અમે પીએમ અને સરકારનો દરેક સંદેશ સતત તેમના સુધી પહોંચાડીશું.

પસમાંડા મુસ્લિમો તરફથી સારા પરિણામો મળ્યા

ભાજપ ઉ્તરપ્રદેશમાં પસમાંડા મુસ્લિમ સમુદાય પર કામગીરી કરી રહી છે. તાજેતરની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પણ ભાજપને તેમના ઉમેદવારોના સારા પરિણામો જોવા મળ્યા છે. સામાન્ય રીતે મુસ્લિમોને ટિકિટ ન આપવા બદલ ટીકાનો સામનો કરનાર ભાજપે નગર પાલિકા ચૂંટણીમાં 199માંથી 32 મુસ્લિમો ઉમેદવારોને ટિકિટ આપી હતી અને તેમાંથી 5 ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે ભાજપના 90 ટકા ઉમેદવારો પસમંદા મુસ્લિમ હતા.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સપા-બસપાનું અનુકરણ કરશે, કેવું છે જ્ઞાતિ આધારિત વોટ બેંકનું ગણિત

લઘુમતિ મોરચાની બેઠકો અને મુસ્લિમ વસ્તી

ભાજપ લઘુમતી મોરચાએ જે બેઠકો પસંદ કરી છે તેમાં ઉત્તર પ્રદેશ અને બંગાળમાં 13, જમ્મુ અને કાશ્મીરમાં 5, બિહારમાં 4, કેરળ અને આસામમાં 6 અને મધ્યપ્રદેશમાં 3 બેઠકોનો સમાવેશ થાય છે. આ લોકસભા મતવિસ્તારોમાં વાયનાડનો પણ સમાવેશ થાય છે. ભાજપની યાદીમાં પશ્ચિમ બંગાળમાં બેરહામપુર (64 ટકા લઘુમતી વસ્તી), જાંગીપુર (60 ટકા), મુર્શીદાબાદ (59 ટકા) અને જયનગર (30 ટકા)નો સમાવેશ થાય છે. બિહારના કિશનગંજ (67 ટકા), કટિહાર (38 ટકા), અરરિયા (32 ટકા), અને પૂર્ણિયા (30 ટકા) આ યાદીમાં છે. કેરળની સંસદની બેઠકો જ્યાં ભાજપનું ફોકસ છે તેમાં વાયનાડ (57 ટકા), મલપ્પુરમ (69 ટકા), પોન્નાની (64 ટકા), કોઝિકોડ (37 ટકા), વડકારા (35 ટકા) અને કાસરગોડ (33 ટકા)નો સમાવેશ થાય છે.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ