લોકસભા ચૂંટણી માં 400 સીટનો ટાર્ગેટ, માત્ર દાવો જ બની રહેશે? રાજ્યોનું ગણિત ભાજપના પક્ષમાં બેસતુ નથી

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપને આશા છે કે, બીજેપી 370 અને એનડીએ 400 બેઠકો જીતી શકે છે, શું આ શક્ય છે? તો જોઈએ શું કહે છે આંકડા? ટાર્ગેટ પૂરો કરવા માટે શું કરવું પડે.

Written by Kiran Mehta
February 06, 2024 18:58 IST
લોકસભા ચૂંટણી માં 400 સીટનો ટાર્ગેટ, માત્ર દાવો જ બની રહેશે? રાજ્યોનું ગણિત ભાજપના પક્ષમાં બેસતુ નથી
લોકસભા ચૂંટણી 2024 ભાજપ ટાર્ગેટ

સુધાંશુ મહેશ્વરી : લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી ભારે આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. તે માની રહી છે કે, આ વખતે તેમની લહેર જ નહી, પરંતુ એક તોફાન કામ કરશે, જેમાં આખો વિરોધ પક્ષ વહી જશે. તેનો આત્મવિશ્વાસ એટલો ઊંચો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએ અને ભાજપ બંને માટે વિક્રમી બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે. એક તરફ ભાજપ માટે 370 સીટોનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે, તો બીજી તરફ એનડીએ માટે 400 સીટોનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

જોકે રાજનીતિમાં કોઈ પણ પરિસ્થિતિને નકારી શકાય તેમ નથી, અને એ કહેવું પણ ખોટું હશે કે, NDA 400 ને પાર નહીં કરી શકે. પરંતુ સૂત્રો અને આંકડાઓ સાથેની વાસ્તવિકતામાં કેટલોક ફરક છે.

આ કારણોસર, દરેકના મનમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે – શું ખરેખર આ લોકસભા ચૂંટણીમાં NDA 400 થી વધુ બેઠકો મેળવી શકે છે, અથવા PM મોદી દ્વારા આપવામાં આવેલ સ્લોગન માત્ર પાર્ટીની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે જ હતું? હવે જો આ 400 સીટોના ​​ટાર્ગેટને ડીકોડ કરવાનો પ્રયાસ કરવામાં આવે તો, એ વાત સામે આવે છે કે વર્તમાન સ્થિતિમાં એનડીએ માટે ત્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ છે.

લોકસભા ચૂંટણી 2024 – ભાજપે દક્ષિણના રાજ્યોમાં સ્થિતિ સુધારવી પડશે

જ્યાં ભાજપ પોતાની સીટો 303 થી વધારીને 370 કરવાની વાત કરી રહી છે, ત્યારે સવાલ એ થાય છે કે, 67 વધુ સીટો ક્યાંથી ઉમેરાશે. હવે જો તેણે 400 નો આંકડો પાર કરવો હોય તો, ભાજપે પોતાના દમ પર બને તેટલી બેઠકો જીતવી પડશે, તે તેના સાથી પક્ષો પર વધુ આધાર રાખી શકે તેમ નથી. વધુ વિગતમાં ગયા વિના પણ, એક સાદું ગણિત કહે છે કે, ભાજપે દક્ષિણના રાજ્યોમાં તેની સ્થિતિ નોંધપાત્ર રીતે સુધારવી પડશે.

અત્યારે જો આપણે કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશની વાત કરીએ તો, અહીંથી જ 118 લોકસભા સીટ બને છે. ભાજપ પાસે માત્ર ચાર બેઠકો છે, જે તમામ તેલંગાણાની છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે, જો ભાજપ પોતાની સીટનો ગ્રાફ વધારવા માંગે છે તો, તેણે દરેક કિંમતે દક્ષિણમાં મોટી બાજી મારવી પડશે. જો ભાજપ તમિલનાડુ, તેલંગાણા, કેરળ અને આંધ્રપ્રદેશમાંથી 10-10 સીટો જીતે તો તેનો રસ્તો થોડો સરળ બની શકે છે. પરંતુ વર્તમાન રાજકીય પરિસ્થિતિ દર્શાવે છે કે, તેલંગાણા સિવાય અન્ય કોઈપણ રાજ્યમાં ભાજપની સ્થિતિ એટલી મજબૂત નથી.

લોકસભા ચૂંટણી 2024 – ભાજપે ઉત્તર ભારતમાં કેવો ચમત્કાર કરવો પડે

બીજેપી અને એનડીએ માટે બીજી મુશ્કેલી એ છે કે, તેણે એક રીતે ઉત્તર ભારતમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બતાવ્યું છે. જો સમગ્ર ઉત્તર ભારતની વાત કરીએ તો, 320 બેઠકોમાંથી ભાજપે 233 બેઠકો જીતી હતી. હવે જો એવું કહેવામાં આવે કે, આ વખતે પાર્ટી કોઈ મોટો ચમત્કાર કરી બતાવશે અને તમામ 320 સીટો જીતશે તો એવું હજુ લાગતું નથી. ભાજપ પંજાબથી ચૂંટણી લડવા જઈ રહી છે, જ્યાંથી 13 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવામાં આવે છે, હાલમાં ભાજપના ખાતામાં માત્ર બે જ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને અહીં ખૂબ જ મજબૂત છે, જ્યારે અકાલી પણ તેની હાજરી ધરાવે છે.

મહારાષ્ટ્રની વાત કરીએ તો, ત્યાંથી 48 સીટો છે, છેલ્લી વખતે ભાજપ પોતાના દમ પર 23 સીટો જીતવામાં સફળ રહી હતી, જ્યારે ઘણી સીટો શિવસેના (ઉદ્ધવ ઠાકરે સાથે) જીતી હતી. આ કારણે આંકડો 40 ને પાર કરી ગયો હતો. પરંતુ જ્યારે રાજ્યમાં શિવસેના પોતે તૂટી ગઈ છે, ત્યારે ઉદ્ધવ ઠાકરે અલગ છે અને ભાજપને એકનાથ શિંદેનું સમર્થન છે. આવી સ્થિતિમાં કેટલી સીટો વધારી શકાય તે મોટો પ્રશ્ન છે. પરંતુ જો સપનું 400 ને પાર કરવાનું હોય તો ભાજપે આ રાજ્યમાંથી પણ પોતાના દમ પર ઓછામાં ઓછી 15 બેઠકો ઉમેરવી પડશે. એટલે કે તેનો આંકડો 23 થી વધીને 38 થવો જોઈએ.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 |’PM મોદીના 370 સીટો જીતવાના દાવાથી શંકા…શું EVM સેટ છે?’: મનોજ ઝા

તેવી જ રીતે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 80 બેઠકો છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે 62 બેઠકો જીતી હતી, પરંતુ જો તેને 370 અથવા 400 સુધી પહોંચવું હોય તો પાર્ટીએ તેની ટેલીમાં 10 થી 12 વધુ બેઠકો ઉમેરવી પડશે. કોઈપણ રીતે, જ્યારે આપણે જંગી બહુમતી વિશે વાત કરી રહ્યા છીએ, ત્યારે એક બેઠક પણ મહત્વપૂર્ણ છે. હવે યુપીમાં ભાજપ જે લક્ષ્ય સુધી પહોંચવાનું છે તે કાગળ પર જ સરળ દેખાતું નથી. છેલ્લી વખતે જ્યારે સપા-બસપા એકસાથે આવ્યા હતા, ત્યારે ભાજપને તેના પોતાના આંકડામાં 10 બેઠકો ગુમાવવી પડી હતી.

આ વખતે જયંત ચૌધરી અને અખિલેશ વચ્ચે સમજૂતી થઈ છે, કોંગ્રેસ સાથે મંથન ચાલી રહ્યું છે, જ્યારે BSP તેની સોશિયલ એન્જિનિયરિંગને આગળ ધપાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપની તમામ આશા રામ મંદિર અને યુપીમાં સીએમ યોગીના ચહેરા પર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ