Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024ની તારીખ ચૂંટણી પંચ ટૂંક સમયમાં જાહેર કરી શકે છે અને તે વિશે નોટિફિકેશન બહાર પાડી શકે છે. આ સંદર્ભે ભાજપ અને કોંગ્રેસ સતત પોતપોતાના ગઠબંધનને મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ ઉપરાંત ભાજપ ચૂંટણી મોડમાં આવી ગયું છે અને એવા અહેવાલો છે કે તારીખોની જાહેરાત પહેલા જ ભાજપ તેના 10 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ખાસ વાત એ છે કે પહેલી જ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભા ચૂંટણી ક્યાંથી લડશે તે બેઠકની ઘોષણા થઈ શકે છે.
લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપનો 370 બેઠકનો ટાર્ગેટ
તમને જણાવી દઇયે કે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા 370 બેઠકના ટાર્ગેટ માટે કામગીરી કરનાર ભાજપમાં હવે આંતરીક ગણગણાટ શરૂ થઇ ગયો છે કે, આખરે આ વખતે કોને કોને ટિકિટ મળશે અને કોનું પત્તું કપાશે. શનિવારે બીજેપી હેડક્વાર્ટરમાં યુપીની 80 બેઠક અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી, જે લગભગ બે કલાક ચાલી હતી. આ બેઠકમાં ભાજપના ચાણક્ય અમિત શાહ ઉપરાંત સીએમ યોગી આદિત્યનાથ, બેંને નાયબ મુખ્યમંત્રી બૃજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય સહિત ઘણા કદાવર નેતા સામેલ થયા હતા.
ભાજપ 100 ઉમેદવારોની યાદી જાહેર કરશે
આ બેઠક દરમિયાન ઉમેદવારોની જાહેરાતને લગતા મહત્વના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉમેદવારોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને તેઓ ચૂંટણીની સારી તૈયારી કરી શકે તે માટે તારીખો જાહેર થાય તે પહેલા નબળી બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણી માટે વિવિધ રાજ્યોના પ્રભારી બનાવવામાં આવેલા પાર્ટી નેતાઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ચૂંટણી પ્રચાર અને જન સંપર્ક કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું છે કે પાર્ટી નેતૃત્વએ સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચવા અને બૂથ સ્તરે મતદારો સાથે જોડાવા માટે સઘન ઝુંબેશ ચલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ સિવાય ખાસ વાત એ પણ સામે આવી છે કે પાર્ટી ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ પાર્ટીના 100 ઉમેદવારો જાહેર કરવામાં આવશે.
પીએમ મોદી લોકસભા ચૂંટણી 2024 કઇ બેઠક પરથી લડશે?
સૂત્રો દ્વારા જાણવા મળે છે કે પીએમ નરેન્દ્ર મોદી ફરી વારાણસીથી લોકસભા ચૂંટણી 2024 લડી શકે છે. યુપી બીજેપીએ પીએમ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સિવાય ઉત્તર પ્રદેશની હારેલી લોકસભા સીટો માટે ત્રણ-ત્રણ નામોની પેનલ પર ચર્ચા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2014 દરમિયાન કુલ 543માંથી ભાજપ 282 બેઠક જીતીને સત્તામાં આવી હતી. તો વર્ષ 2019માં 303 બેઠક જીત ફરી કેન્દ્રમાં સરકાર બનાવી હતી. આવી સ્થિતિમાં પાર્ટી તમામ ગુમાવેલી સીટો પર વધુ જોર આપવાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચો | લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસ અને આપ વચ્ચે 5 રાજ્યોમાં ગઠબંધન, જાણો ગુજરાતમાં કેટલી અને કઇ બેઠક પર ચૂંટણી લડશે
ઉલ્લેખનીય છે કે બીજેપીની પહેલી જ યાદીમાં બીજેપી નેતા અમિત શાહ, પૂર્વ રાષ્ટ્રપતિ નીતિન ગડકરી, રાજનાથ સિંહ જેવા વરિષ્ઠ નેતાઓના નામ સામેલ થઈ શકે છે. આ સિવાય તે સીટો પર પહેલા ઉમેદવારો ઉભા કરી શકાય છે જ્યાં પાર્ટી ઓછા માર્જીનથી ચૂંટણી હારી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપે યુપી સિવાય છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, તેલંગાણા અને કેરળની લોકસભા સીટો પર ચર્ચા કરી છે.