લોકસભા ચૂંટણી 2023 : બેઠકોની વહેંચણીમાં ઇન્ડિયા ગઠબંધનના પક્ષો સુસ્ત, એક મહિના પછી પણ કોઇ હિલચાલ નથી

Lok Sabha Elections 2024 : 14 સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયા ગઠબંધનની 14 સભ્યોની સંકલન સમિતિની નવી દિલ્હીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવારના ઘરે બેઠક મળી હતી. જેમાં બેઠકોની વહેંચણી પર સંવાદ કેવી રીતે શરૂ કરવો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે હજુ સુધી વાત આગળ વધી નથી

Updated : October 13, 2023 22:04 IST
લોકસભા ચૂંટણી 2023 : બેઠકોની વહેંચણીમાં ઇન્ડિયા ગઠબંધનના પક્ષો સુસ્ત, એક મહિના પછી પણ કોઇ હિલચાલ નથી
એક બેઠક દરમિયાન ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓના નેતાઓ (ફાઇલ ફોટો)

Lalmani Verma : ઇન્ડિયા ગઠબંધને લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીની વાટાઘાટો વહેલી તકે શરૂ કરવાનો નિર્ણય લીધાના એક મહિના બાદ આ મુદ્દે કોઈ હિલચાલ થઈ નથી. 14 સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયા ગઠબંધનની 14 સભ્યોની સંકલન સમિતિની નવી દિલ્હીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવારના ઘરે બેઠક મળી હતી. જેમાં બેઠકોની વહેંચણી પર સંવાદ કેવી રીતે શરૂ કરવો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. તે સમયે પણ તેઓ જાણતા હતા કે બેઠકોની વહેંચણી મુશ્કેલ બનશે, ખાસ કરીને પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં જ્યાં મહાગઠબંધનના સભ્યો જમીન પર કટ્ટર હરીફ છે. સર્વસંમતિ એવી હતી કે ત્યાં કોઈ એકસમાન ફોર્મ્યુલા નહીં હોય.

સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે હવે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે ચર્ચાના એક એડવાન્સ તબક્કામાં છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના નેતાઓએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે દિલ્હીમાં આ મુદ્દા પર કામ કરવામાં આવી રહ્યું છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે સપા એમપીમાં પોતાના દમ પર એક બેઠક જીતી શકે નહીં, પરંતુ દિલ્હી અમને જે કહેશે તે સાથે અમે આગળ વધીશું.

સપાએ સિધી જિલ્લાની ધૌહાની અને સિંગરૌલી જિલ્લાની ચિત્રાંગી (બંને અનુસૂચિત જનજાતિ માટે અનામત), ભીંડ જિલ્લાની મહેગાંવ અને ભંડેર (અનુસૂચિત જાતિ માટે અનામત), આ જ જિલ્લામાં નિવારી, છતરપુર જિલ્લાના રાજનગર અને રીવા જિલ્લાની સિરમૌર બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સાતમાંથી કોંગ્રેસે 2018માં ત્રણ બેઠકો મગેગાંવ, ભંડેર અને રાજનગર જીતી હતી. આમાંથી કેટલીક બેઠકો પર સપાના ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે.

સપાના સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ કોંગ્રેસના નેતૃત્વ સાથે સીધી વાત કરી રહ્યા છે. અખિલેશ યાદવ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સાથે વાત કરી રહ્યા છે. અગાઉ બે વરિષ્ઠ નેતાઓને આ ચર્ચામાં ભાગ લેવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ આખરે અખિલેશને આ મામલે વિનંતી કરવામાં આવી હતી. સપાના એક નેતાએ જણાવ્યું હતું કે આ ચર્ચાઓ ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે.

સપાના અન્ય એક કાર્યકર્તાએ કહ્યું કે જો ગઠબંધન નક્કી થઈ જાય છે તો અમારે કેટલીક બેઠકો પર ઉમેદવારો બદલવા પડી શકે છે કારણ કે સ્થાનિક કોંગ્રેસ યુનિટને સપાના ઉમેદવારો જીતવા યોગ્ય લાગતા નથી. સપાએ તે બેઠકો છોડવી પડી શકે છે જ્યાં 2018માં કોંગ્રેસ જીતી હતી.

આ પણ વાંચો – છત્તીસગઢમાં ભાજપે OBCને 36.5 ટકા ટિકિટ આપી, કોંગ્રેસ પર વધ્યું દબાણ, જાણો મધ્ય પ્રદેશમાં શું છે રણનીતિ

ઇન્ડિયા ગઠબંધનના અન્ય એક ઘટક ‘આપ’ પણ એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં ઉમેદવારો ઉભા રાખી રહ્યું છે. ડાબેરી પક્ષો પણ કેટલાક મતદારક્ષેત્રોની ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે અમને માત્ર સપા વિશે જ કહેવામાં આવ્યું છે. આપ અને ડાબેરીઓની કોઈ હાજરી નથી. અમે હાઈકમાન્ડના નિર્દેશની રાહ જોઈશું.

સપાની વિનંતીને સ્વીકારવાની કોંગ્રેસની તૈયારીનું કારણ એ છે કે તે એવા પક્ષોમાંનું એક છે કે જેઓ બેઠકોની વહેંચણીની વાટાઘાટોના પ્રારંભિક નિષ્કર્ષ માટે દબાણ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં બેઠકોની વહેંચણીની ચર્ચા કરવા માટે બંને પક્ષો ચર્ચા કરે ત્યારે કોઈ ખરાબ લાગણીઓ ન થાય તે સુનિશ્ચિત કરવાની એક વ્યૂહરચના હોવાની સંભાવના છે.

સંયુક્ત રેલીઓની યોજનાનું શું થયું?

તે માત્ર બેઠકોની વહેંચણી જ નથી કે જેના પર ઇન્ડિયાના પક્ષો આગળ વધવામાં નિષ્ફળ ગયા છે અન્ય પણ બાબતો છે. એક નેતાએ કહ્યું હતું કે સંયુક્ત રેલીઓ યોજવાની મહાગઠબંધનની યોજનાઓએ કોંગ્રેસની નેતાગીરી સાથે ચૂંટણી વ્યવસ્થાપનમાં જોડાઇ જવાથી તક ગુમાવી દીધી હોય તેવું લાગે છે.

ભોપાલમાં પ્રથમ સંયુક્ત જાહેર સભા યોજવાનો નિર્ણય 14 સપ્ટેમ્બરની બેઠકમાં પણ કરવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશ કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી પ્રચાર વચ્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં અસમર્થતા વ્યક્ત કર્યા કરી હતી.

બ્લોકની પ્રચાર સમિતિએ ચેન્નઈ, ગુવાહાટી, દિલ્હી, પટના અને નાગપુરમાં સંયુક્ત રેલીઓ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એક નેતાએ કહ્યું હતું કે દરેક રેલીમાં ટોચના નેતાઓ એક મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવો વિચાર હતો. ઉદાહરણ તરીકે, પટણાની રેલીનું કેન્દ્રબિંદુ જ્ઞાતિગત વસ્તીગણતરી અને સામાજિક ન્યાય હોઈ શકે, જ્યારે સંઘીય માળખું ચેન્નઈમાં ચર્ચાનો વિષય બની શક્યું હોત. ગુવાહાટીમાં પૂર્વોત્તરની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાયું હોત, નાગપુરમાં બિનસાંપ્રદાયિકતા અને નફરત અને ધ્રુવીકરણના રાજકારણ વિશે વાત કરી શક્યું હોત અને દિલ્હીમાં અર્થતંત્રનું વ્યવસ્થાપન, બેરોજગારી અને ભાવવધારો ચર્ચાના મુદ્દા બની શકે તેમ હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ