Lok Sabha Election 2024 : દેશના રાજકીય પક્ષોએ લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપને સત્તામાંથી બહાર કરવા માટે વિરોધ પક્ષોએ પોતાના ગઠબંધનનું નામ I.N.D.I.A રાખ્યું છે. લોકસભા ચૂંટણીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ અને બિહારને સૌથી મહત્વપૂર્ણ રાજ્યો માનવામાં આવે છે. ન્યૂઝ ચેનલ ઈન્ડિયા ટીવીએ સીએનએક્સના સહયોગથી વર્તમાન સ્થિતિમાં લોકસભા ચૂંટણીને લઈને એક ઓપિનિયન પોલ કર્યો છે. આ ઓપિનિયન પોલમાં બિહાર રાજ્યને લઈને ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.
ઈન્ડિયા ટીવી-સીએનએસ ઓપિનિયન પોલ મુજબ વોટ શેરના મામલે ભાજપ બિહારમાં બાજી મારી શકે છે. બિહારમાં ભાજપને સૌથી વધુ 34 ટકા વોટ મળી શકે છે. ભાજપ બાદ જેડીયુને 19 ટકા, આરજેડીને 18 ટકા, કોંગ્રેસને 8 ટકા, એલજેપી (આર)ને 6 ટકા અને અન્ય પક્ષોને 15 ટકા મત મળી શકે છે.
ભાજપને સૌથી વધુ 20 લોકસભા સીટો મળવાનો અંદાજ
જો લોકસભા સીટોની વાત કરીએ તો આ ઓપિનિયન પોલમાં ભાજપને સૌથી વધુ 20 લોકસભા સીટો મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ઓપિનિયન પોલમાં ભાજપને લોકસભાની 20 બેઠકો મળે તેવી વાત કહેવામાં આવી રહી છે. ભાજપ બાદ નીતિશ કુમારની પાર્ટી જેડીયુને 7 સીટ, લાલુ યાદવની પાર્ટી આરજેડીને 7 સીટ, કોંગ્રેસને 2 સીટ, ચિરાગ પાસવાનની પાર્ટીને 2 સીટ, પશુપતિ પારસની પાર્ટીને 1 સીટ અને એચએએમને એક લોકસભા સીટ મળવાની સંભાવના છે.
આ પણ વાંચો – આંધ્ર પ્રદેશમાં ચાલી રહી છે અલગ અલગ રમત! રાજ્યની ત્રણેય પાર્ટીઓ ભાજપની નજીક દેખાઈ રહી છે
કયા પ્રદેશમાં કોણ કેટલી બેઠકો જીતશે?
ઓપિનિયન પોલમાં આગાહી કરવામાં આવી છે કે ઉત્તર બિહારમાં એનડીએને 8 અને વિપક્ષને 4 બેઠકો મળી શકે છે. મિથિલાંચલમાં એનડીએ 9માંથી 6 અને વિપક્ષી પાર્ટીઓ 3 સીટો જીતી શકે છે. સીમાંચલમાં એનડીએ 3 અને વિપક્ષી દળ 4 સીટો જીતી શકે છે. સીમાંચલમાં મોટી સંખ્યામાં અલ્પસંખ્યકો છે. મગધ-ભોજપુરમાં એનડીએને 7 લોકસભા સીટો અને વિપક્ષી દળોને 5 લોકસભા સીટો મળવાની સંભાવના છે.
2019માં શું આવ્યું પરિણામ?
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ સાથે હતા. એલજેપીનો પણ એનડીએમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં એનડીએને 40માંથી 39 બેઠકો મળી હતી. રાજ્યમાં મુસ્લિમ બહુમતી ધરાવતા કિશનગંજ જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારનો 34,466 મતથી વિજય થયો હતો. રાજ્યમાં ભાજપે સૌછી વધારે 17 બેઠકો જીતી હતી. નીતિશની પાર્ટી જેડીયુને 16 બેઠકો મળી હતી અને એલજેપી તેના હિસ્સામાં આવેલી તમામ 6 બેઠકો જીતવામાં સફળ રહી હતી. આ વખતે નીતિશ કુમાર બદલાયેલી ઘટનાઓમાં મહાગઠબંધનની સાથે છે.





