/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/mamata-banerjee.jpg)
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી (તસવીર - એક્સપ્રેસ)
India Alliance : પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સીપીઆઈ(એમ)ને ટેરરિસ્ટ પાર્ટી ગણાવી છે. આ રીતે મમતા બેનર્જીના શબ્દોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. વચ્ચેની તિરાડ વધી રહી છે. મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું હતું કે તેમની પાર્ટી આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં આતંકવાદી પાર્ટી સીપીઆઈ (એમ) સાથે સ્પર્ધા કરશે નહીં. જોકે બંને પક્ષો વચ્ચે તણાવ હોવા છતાં મમતાએ ટીએમસી કોંગ્રેસ સાથે જોડાણ કરશે કે કેમ તે અંગે મૌન રાખ્યું હતું. ટીએમસી અને સીપીઆઈ (એમ) બંને વિપક્ષી જોડાણ આઈ.એન.ડી.આઈ.એ.નો ભાગ છે.
મમતા બેનર્જી મંગળવારે દક્ષિણ 24 પરગણાના જયનગરમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ ભાજપ અને ડાબેરીઓ સામે લડશે. આતંકવાદી પાર્ટી સીપીઆઈ (એમ) ભાજપને મદદ કરી રહી છે. 34 વર્ષથી તે લોકોના દિમાગ સાથે રમત રમી રહ્યું છે અને મારે તેમની સાથે કોઈ મતલબ નથી. આજે તેઓ કેમેરા સામે બેસીને વાતો કરે છે. તેઓએ 34 વર્ષ સુધી સત્તામાં શું કર્યું? લોકોને કેટલું ભથ્થું મળતું હતું? તેમના શાસનકાળમાં લોકોને કશું મળ્યું નથી.
બેઠકોની વહેંચણીને લઈને કોંગ્રેસ અને ટીએમસી આમને-સામને
બેઠકોની વહેંચણીને લઈને કોંગ્રેસ અને ટીએમસી આમને-સામને છે. થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, સત્તાધારી પક્ષ રાજ્યની 42 લોકસભા બેઠકોમાંથી માત્ર બે બેઠકો કોંગ્રેસ માટે છોડવા તૈયાર છે. તેના પર કોંગ્રેસ પ્રમુખ અધિર રંજન ચૌધરીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે તેમને બેનર્જીની દયાની જરૂર નથી. તેમણે વધુમાં કહ્યું કે મમતા બેનર્જી ગઠબંધન નથી ઇચ્છતા. તેથી તેમણે જણાવી દીધું કે તેઓ કોંગ્રેસને બે બેઠકો આપવા તૈયાર છે. આ બેઠકો પર પહેલેથી જ કોંગ્રેસનો કબજો છે. ગઠબંધન અંગેના તેમના નિવેદનોની કોઈ વિશ્વસનીયતા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે જો તેઓ પ્રામાણિક હતા તો તેમણે બંગાળમાં વિપક્ષ પર થયેલા હુમલા અંગે ખેદ વ્યક્ત કરવો જોઇતો હતો.
આ પણ વાંચો - વિપક્ષના OBC પ્લાનને ધ્વસ્ત કરશે ભાજપ! મહા માઇક્રો પ્લાન બનાવ્યો, સપા અને કોંગ્રેસ બન્ને બેચેન
કોંગ્રેસ પર મૌન
જોકે મમતા બેનર્જીએ મંગળવારે કોંગ્રેસ વિશે બોલવાનું ટાળ્યું હતું પરંતુ ટીએમસીના પશ્ચિમ બંગાળના મહાસચિવ કૃણાલ ઘોષે નામ લીધા વિના કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ દ્વારા વધારે સીટો માંગવા પર તેમને કટાક્ષ કરતા કહ્યું કે ક્યારેક-ક્યારેક બાળકો ચાની દુકાનની સામે 10 કે 20 બિસ્કિટ માંગે છે તેઓ એ જાણતા નથી હોતા કે તેઓ ફક્ત ત્રણ કે ચાર જ ખાઈ શકે છે.
ટીએમસી દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણી કોંગ્રેસને પસંદ આવી ન હતી. પાર્ટીના પ્રવક્તા સૌમ્યા આઈચ રોયે કૃણાલ ઘોષ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે ટીએમસીની ભ્રષ્ટ કામગીરી સામે લડવાનું ચાલુ રાખીશું. જોવાનું એ રહે છે કે બંને પક્ષો વચ્ચેની આ લડાઈ આઈ.એન.ડી.આઈ.એ.ને ક્યાં લઈ જશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us