NDA Meeting : બેંગલુરુમાં વિપક્ષની સંયુક્ત બેઠક વચ્ચે મંગળવારે દિલ્હીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ની બેઠકમાં 38 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે એનડીએ ગઠબંધન મજબૂરીનું નહીં પરંતુ મજબુતીનું ગઠબંધન છે. તેમણે કહ્યું હતું કે એનડીએ એટલે નવું ભારત, વિકસિત રાષ્ટ્ર અને લોકોની આકાંક્ષાઓ. આજે યુવાનો, મહિલાઓ, મધ્યમ વર્ગ, દલિતો અને વંચિતોને એનડીએમાં વિશ્વાસ છે. 2024માં એનડીએનો વોટ શેર 50 ટકા રહેશે.
પીએમ મોદીએ કહ્યું કે એનડીએ આપણને અટલજીના વારસા સાથે જોડી રહ્યું છે. અડવાણીજીએ પણ એનડીએના નિર્માણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેઓ હજી પણ આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. તાજેતરમાં જ એનડીએ બન્યાને 25 વર્ષ પૂર્ણ થયા છે. આ 25 વર્ષ દેશની પ્રગતિને વેગ આપવા અને પ્રાદેશિક આકાંક્ષાઓને પૂર્ણ કરવાનાં રહ્યાં છે.
તેમણે કહ્યું કે જ્યારે અમે વિપક્ષમાં હતા, ત્યારે પણ અમે સકારાત્મક રાજકારણ કર્યું હતું, અમે ક્યારેય નકારાત્મક રાજકારણ કર્યું ન હતું. અમે વિપક્ષમાં રહીને સરકારોનો વિરોધ કર્યો, તેમના કૌભાંડોનો પર્દાફાશ કર્યો, પરંતુ જનાદેશનું અપમાન કર્યું કે ન હતું અને વિદેશી તાકાતોની મદદ માંગી ન હતી.
આ પણ વાંચો – વિપક્ષમાં જ નહીં એનડીએમાં પણ મુશ્કેલ રહેશે સીટોની વહેંચણી, જાણો ક્યાં આવશે મુશ્કેલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની ખાસ વાતો
-પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં એનડીએએ ગરીબો અને વંચિતોનું જીવન સુધારવાનું કામ કર્યું છે.
-પીએમ મોદીએ કહ્યું કે જનતા વિપક્ષના ગઠબંધન પર નજર રાખી રહી છે. આ નાના-નાના સ્વાર્થ માટે મૂલ્યો અને સિદ્ધાંતો સાથે સમાધાન કરવામાં આવી રહ્યું છે. એનડીએ સરકારે વિપક્ષમાં રહેલા પ્રણવ મુખરજીને ભારત રત્ન, મુલાયમ સિંહ યાદવ, શરદ યાદવને પદ્મ પુરસ્કારથી નવાજ્યા હતા.
-પીએમ નરેન્દ્ર મોદીએ દાવો કર્યો કે એનડીએના ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
-પીએમે કહ્યું કે વિપક્ષ રાજકીય સ્વાર્થ માટે પાસે-પાસે આવી શકે છે, પરંતુ તેઓ સાથે-સાથે આવી શકતા નથી.
-પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અમે દેશનાં વિકાસમાં જોડાયેલા છીએ, એનડીએમાં દરેકને વિશ્વાસ છે. એનડીએનાં નવા સાથી પક્ષોનું સ્વાગત છે.
-પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આપણો દેશ આગામી 25 વર્ષમાં મોટું લક્ષ્ય હાંસલ કરવા તરફ અગ્રેસર છે. આ લક્ષ્ય વિકસિત ભારતનું છે, આત્મનિર્ભર ભારતનું છે.
-આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળોના ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે ગઠબંધન ભ્રષ્ટાચાર પર આધારિત હોય છે તો તેનાથી દેશને નુકસાન થાય છે.
-પીએમ મોદીએ કહ્યું કે અમે વિકાસ પણ કરી રહ્યા છીએ અને વિરાસકનું જતન પણ કરી રહ્યા છીએ. અમે મેક ઇન ઇન્ડિયા પર પણ ભાર આપી રહ્યા છીએ અને પર્યાવરણની સુરક્ષા પણ કરી રહ્યા છીએ, અમારો ઇરાદો સ્પષ્ટ છે, નીતિ સ્પષ્ટ છે અને નિર્ણય નક્કર છે.
-તેમણે કહ્યું હતું કે અમે માત્ર આજની જરૂરિયાતો માટે જ કામ નથી કરી રહ્યાં, પણ અમે આવનારી પેઢીઓનાં ભવિષ્યને પણ સુરક્ષિત કરી રહ્યાં છીએ.
-વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગઠબંધન મહાત્મા ગાંધી, બાબા સાહેબ આંબેડકર, રામ મનોહર લોહિયાએ બતાવેલા સામાજિક ન્યાયના માર્ગ પર ચાલી રહ્યું છે





