Lok Sabha Election 2024 : ઉત્તર પ્રદેશના ફુલપુર સંસદીય ક્ષેત્રથી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની આગામી લોકસભા ચૂંટણી લડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેની પાછળનું મુખ્ય કારણ ક્ષેત્રમાં ચૂંટણીને લઇને કરાવવામાં આવી રહેલો સર્વે છે. તેમાં શું પરિણામ આવ્યા તેને લઇને જેડીયુના પદાધિકારી ગોપનીયતા રાખી રહ્યા છે પણ બીજેપી સતર્ક થઇ ગઇ છે. ફુલપુરથી વર્તમાન સાંસદ કેશરીદેવી પટેલે કહ્યું કે કોઇપણ વ્યક્તિ ગમે ત્યાંથી ચૂંટણી લડી શકે છે કોઇને રોકી શકાય નહીં. પણ નીતિશ કુમારની દાળ અહીં ગળશે નહીં.
ફુલપુર સંસદીય ક્ષેત્રમાં લગભગ 19.75 લાખ મતદાતા છે. લગભગ ચાર લાખ પટેલ મતદાતા છે. પાર્ટીના રણનીતિકારોએ નીતિશ કુમારને યુપીની ફુલપુર સીટથી લોકસભાની ચૂંટણી લડાવવાનું મન બનાવ્યું છે. જ્યાંથી એકસમયે દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ સાંસદ રહ્યા હતા.
જેડીયુએ ફુલપુર સીટ પર ઘણા સ્તર પર સર્વે કરાવ્યો છે. આ સિવાય પાર્ટીના એક સાંસદ, એમએલસી અને બિહારના મંત્રીને અહીં રાજનીતિ જમીન તૈયાર કરવાની જવાબદારી આપી છે. બતાવવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમારના ફુલપુરથી ચૂંટણી લડવા પર વિપક્ષને બે ડઝનથી વધારે સીટો પર ફાયદો થશે. ઉત્તર પ્રદેશ સહિત આખા ઉત્તર ભારતની બધી સીટો પર તેની અસર જોવા મળશે. નીતિશ કુમાર 2016માં આ સંસદીય ક્ષેત્રથી જનસભા પણ કરી ચુક્યા છે.
આ પણ વાંચો – ઉત્તર પ્રદેશમાં ભાજપની ગઠબંધન પાર્ટીઓ વધી, પરંતુ બેઠકોની વહેંચણી મુશ્કેલ બની શકે છે
સૂત્રો જણાવી રહ્યા છે કે જો બધું ઠીક રહ્યું તો નીતિશ કુમાર 2024ની લોકસભા ચૂંટણી બિહારના નાલંદા સાથે ઉત્તર પ્રદેશના ફુલપુર સીટથી મેદાનમાં ઉતરી શકે છે. ફુલપુર સીટનું જાતિય સમીકરણ પુરી રીતે નીતિશ કુમારને માફક આવે તેવું છે. આ સીટ પર નીતિશ કુમારના સ્વજાતીય કુર્મી વોટર નિર્ણાયક ભૂમિકામાં હોય છે. અહીં અત્યાર સુધી નવ વખત કુર્મી ઉમેદવાર સાંસદ બન્યા છે. જવાહર લાલ નેહરુથી લઇને લાલ બહાદુર શાસ્ત્રી અને વીપી સિંહ અહીંથી સાંસદ બનીને દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. રાજનીતિક જાણકારોના મતે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને કોગ્રેસ સહિત બીજા વિપક્ષી દળો નીતિશ કુમારને ફુલપુર સીટથી સમર્થન કરી શકે છે.
ફુલપુરમાં રાજનીતિક સંભાવનાઓ શોધવાની જવાબદારી બિહાર સરકારના મંત્રી શ્રવણ કુમાર, નાલંદાના સાંસદ કૌશલેન્દ્ર કુમાર અને નીતિશ કુમારના નજીકના એમએલસી સંજય સિંહને આપવામાં આવી છે. જેડીયુએ મંત્રી શ્રવણ કુમારને યુપીના પ્રભારી પણ બનાવ્યા છે. શ્રવણ કુમારે અત્યાર સુધી ઉત્તર પ્રદેશના જે જિલ્લામાં પાર્ટીના સંમેલન કર્યા છે. તેમાં મોટાભાગના ફુલપુર સીટની આસપાસના જિલ્લા છે. શ્રવણ કુમારના મતે અહીંથી ચૂંટણી લડવાનો અંતિમ નિર્ણય સ્વંય નીતિશ કુમાર કરશે.





