દિલ્હી પર નીતિશ કુમારની નજર, શું યુપીમાં થઇ શકે છે લોન્ચપેડ? પ્રદેશ જેડી(યુ)એ સપા સાથે ગઠબંધન પર ભાર આપ્યો

Lok sabha election 2024 : પટનામાં વિપક્ષી એકતાની બેઠક બાદથી જ જેડી(યુ) ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધનની તલાશમાં છે. તેમની નજર પૂર્વી યુપીની ફૂલપુર અને પ્રતાપગઢની બે લોકસભા સીટો પર છે

Updated : July 02, 2023 21:31 IST
દિલ્હી પર નીતિશ કુમારની નજર, શું યુપીમાં થઇ શકે છે લોન્ચપેડ? પ્રદેશ જેડી(યુ)એ સપા સાથે ગઠબંધન પર ભાર આપ્યો
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની નજર દિલ્હી પર છે, કારણ કે તેમની પાસે વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા છે (તસવીર - એક્સપ્રેસ)

Lalmani Verma : લોકસભા ચૂંટણી 2024ને લઈને કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ તમામ વિપક્ષી દળો એકજૂથ થવાની કોશિશ કરી રહ્યા છે. જેનું એક પાસું ગત મહિને પટનામાં યોજાયેલી વિપક્ષની બેઠક છે. આ બધાની વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની નજર દિલ્હી પર છે, કારણ કે તેમની પાસે વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા છે, તેથી જેડીયુ ઉત્તર પ્રદેશને લોન્ચપેડ તરીકે જોઈ રહી છે. આ જ કારણ છે કે રાજ્ય જેડીયૂ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધનનો આગ્રહ કરી રહી છે.

પટનામાં વિપક્ષી એકતાની બેઠક બાદથી જ જેડી(યુ) ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધનની તલાશમાં છે. તેમની નજર પૂર્વી યુપીની ફૂલપુર અને પ્રતાપગઢની બે લોકસભા સીટો પર છે. પાર્ટી એવી પણ ગણતરી કરી રહી છે કે જો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફૂલપુરથી લોકસભાની ચૂંટણી લડે છે તો તેનાથી ઓબીસી તરીકે ઓળખાતા કુર્મીઓ અને યાદવોના મત મળશે. આ મતો ભાજપ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધનના પક્ષમાં એક થશે.

વિપક્ષને સાથે લાવવા માટે કામ કરી રહ્યા છે નીતિશ કુમાર

આવી સ્થિતિમાં જેડીયુ યુપીમાં પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં 0.01 ટકા વોટ મેળવનારા નીતિશ કુમારની વડાપ્રધાન પદની મહત્વાકાંક્ષા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ ભાજપ સામે વિપક્ષને એક સાથે લાવવાનું કામ કરી રહ્યા છે અને બિહારની બહાર બેઠક શોધી શકે છે.

આ ઉપરાંત ફૂલપુર બેઠકની એક અલગ ઓળખ છે, કારણ કે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને વીપી સિંહે આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ તે બેઠક પણ છે જ્યાંથી સમાજવાદી વિચારક રામ મનોહર લોહિયા ચૂંટણી લડ્યા હતા. નીતિશ કુમાર રામ મનોહર લોહિયાની વિચારધારાના સમર્થક છે જેમણે 1962માં ફૂલપુરથી ચૂંટણી લડી હતી. આથી ઓબીસી પ્રભુત્વ ધરાવતી ફૂલપુર તેમના માટે આદર્શ બેઠક છે.

જેડી(યુ)ના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે યુપીમાં મોટી સંખ્યામાં બિન-યાદવ ઓબીસી મતો છે, જે અગાઉ બહુજન સમાજ પાર્ટી પાસે હતા. છેલ્લા 10 વર્ષથી આ મત ભાજપના પક્ષમાં ગયા છે. 2022ની વિધાનસભા ચૂંટણીથી સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ઓબીસીને સાથે લાવવાની કોશિશ શરૂ કરી દીધી છે, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં તેમને ખાસ સફળતા મળી નથી. આવી સ્થિતિમાં જો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફૂલપુરથી ચૂંટણી લડે તો તેઓ કુર્મી અને યાદવ મતદાતાઓને સાથે લાવી શકે છે. વળી સપા-જેડીયુનું આ અસરકારક ગઠબંધન ભાજપને હરાવી શકે છે.

આ પણ વાંચો – દક્ષિણ, ઉત્તર અને પૂર્વોત્તર પર ભાજપની નજર, લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપનો સિક્રેટ પ્લાન

નીતિશ કુમાર કુર્મી જાતિના છે

આનું સૌથી મોટું કારણ એ છે કે નીતીશ કુમાર પોતે કુર્મી જાતિમાંથી આવે છે. પૂર્વી અને મધ્ય યુપીના ઘણા મતવિસ્તારોમાં કુર્મી મતને એકદમ નિર્ણાયક માનવામાં આવે છે. નેતાએ કહ્યું કે જેડીયુ અને સપા વચ્ચે ગઠબંધન લગભગ નક્કી છે. બેઠકોની વહેંચણીની ચર્ચા શરૂ થશે ત્યારે જેડી(યુ) સપાના નેતૃત્વ સાથે વાત કરશે અને તેના માટે ફૂલપુર અને પ્રતાપગઢની બે બેઠકો છોડશે. આ વિપક્ષી ગઠબંધનના સમર્થનમાં કુર્મી મતદારોને એક કરશે. નેતાના જણાવ્યા અનુસાર યુપીના અનેક મતવિસ્તારોમાં કુર્મી અને યાદવો લગભગ સરખી સંખ્યામાં હાજર છે.

યુપીમાં જેડી(યુ), સપા ભાજપ વિરુદ્ધ ગઠબંધન કરી શકે છે

જેડી(યુ)ના મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે નીતીશ કુમાર પર પાર્ટીના કાર્યકરો દ્વારા લોકસભાની ચૂંટણી લડવાનું દબાણ છે. પરંતુ નીતિશ કુમારે હજી સુધી કોઈ ખાસ બેઠક પરથી ચૂંટણી લડવાનું મન બનાવ્યું નથી. જ્યાં સુધી ફૂલપુરની વાત છે, સપા અને અખિલેશ યાદવને સામેલ વિના કંઈપણ નક્કી કરવામાં આવશે નહીં. ત્યાગીએ કહ્યું કે જેડી(યુ) અને સપા યુપીમાં ભાજપ વિરુદ્ધ મજબૂત ગઠબંધન કરી શકે છે.

સપાના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે અત્યાર સુધી જેડી(યુ) અને સપા સહિત વિપક્ષી પાર્ટીઓએ મળીને ભાજપને હરાવવા માટે એક સાથે નિર્ણય લીધો છે. પરંતુ યુપીમાં ગઠબંધન અંગે હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી.

આ જિલ્લાઓમાં કુર્મી જ્ઞાતિનું સારું વર્ચસ્વ

કુર્મી પૂર્વી અને મધ્ય યુપીના જિલ્લા જેમ કે મિર્ઝાપુર, વારાણસી, ચંદૌલી, પ્રયાગરાજ, કૌશાંબી, પ્રતાપગઢ, ફતેહપુર, બસ્તી, ગોંડા, બહરાઇચ, ભદોહી અને સોનભદ્રમાં કુર્મી ચૂંટણી રુપથી મહત્વપૂર્ણ છે. પ્રતાપગઢમાં બ્રાહ્મણો અને ઠાકુરોનું પ્રભુત્વ છે, જ્યારે અહીં કુર્મી મતદારો ત્રીજા નંબરે છે. પ્રયાગરાજમાં કુર્મી જ્ઞાતિનો નોંધપાત્ર પ્રભાવ છે

ફુલપુરના વર્તમાન સાંસદ ભાજપના કેશરી દેવી પટેલ પણ કુર્મી છે. લોકપ્રિય કુર્મી નેતા અને અપના દળના સંસ્થાપક સોનેલાલ પટેલે પણ 2004 માં અહીંથી ચૂંટણી લડી હતી. જોકે સપાના ઉમેદવાર અતીક અહેમદની જીત થઇ હતી. મુસ્લિમ, યાદવ અને અન્ય ઓબીસી જેમ કે મૌર્ય, નિષાદ અને રાજભર પણ મહત્વપૂર્ણ સંખ્યામાં છે.

ગત વર્ષે પટનામાં જેડી(યુ)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટીના યૂપીના નેતાઓએ પહેલીવાર પ્રસ્તાવ આપ્યો હતો કે નીતિશ કુમારે રાજ્યમાંથી લોકસભા ચૂંટણી લડવી જોઇએ.

રાજ્ય જેડીયુના એક નેતાએ કહ્યું કે યુપી યુનિટે સલાહ આપી છે કે નીતીશ કુમારે મિર્ઝાપુર, ફૂલપુર અથવા આંબેડકર નગર, આ ત્રણ બેઠકોમાંથી એક પર ચૂંટણી લડવી જોઈએ. અમને હજી સુધી કેન્દ્રીય નેતૃત્વ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી, પરંતુ અમે યુપીમાંથી નીતીશ કુમારની ઉમેદવારીની હિમાયત કરી છે. નેતાએ કહ્યું કે પાર્ટીએ સપા સાથે ગંઠબંધન કરીને ચૂંટણી લડવાની તૈયારી કરવા માટે સદસ્યતા અભિયાનના રૂપમાં પોતાનું સંગઠનાત્મક વિસ્તરણ શરૂ કરી દીધું છે.

ત્યાર બાદથી જ ગઠબંધનની વાતો હવામાં ચાલી રહી છે. ગત વર્ષે નીતિશની અખિલેશ સાથેની મુલાકાત બાદ લખનઉમાં સમાજવાદી પાર્ટીના કાર્યાલયની બહાર એક બેનરે ભારે ચર્ચા જગાવી હતી. તેના પર નીતિશ અને અખિલેશની તસવીરો હતી. બેનર પર લખેલું હતું કે યુપી + બિહાર = ગઇ મોદી સરકાર. યુપીમાં સપા અને જેડીયુનું ગઠબંધન થાય તો કયા પક્ષને કેટલો નફો-નુકસાન થાય તે જોવું રસપ્રદ બની રહેશે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ