Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024ની તૈયારી માટે મંગળવાર મોટો દિવસ સાબિત થશે. જેમાં બેંગલુરુમાં (સોમવારથી)વિપક્ષની બીજી એકતા બેઠક ચાલી રહી છે. બીજી તરફ ભાજપે મૃતપ્રાય નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ને પુનર્જીવિત કરી છે અને મંગળવારે બેઠક બોલાવી છે. વિરોધ પક્ષ માટે એજન્ડાના મુખ્ય મુદ્દાઓ બેઠકોની વહેંચણીની રૂપરેખા નક્કી કરવા અને વધુ સંકલન કરવાનો છે. કાઉન્ટડાઉનના એક દિવસ પહેલા કોના પક્ષે કઇ પાર્ટી છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. જેમાં ઓછામાં ઓછા 24 પક્ષો વિરોધપક્ષમાં અને 20 પક્ષો એનડીએના પક્ષમાં છે.
વિરોધ પક્ષોની બેઠક
કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું છે કે તે દિલ્હી સરકાર ઉપરના કેન્દ્રીય અધ્યાદેશનો વિરોધ કરશે. આ સાથે જ આમ આદમી પાર્ટી (આપ)ની હાજરી અંગેની શંકાઓ દૂર થઈ ગઈ છે અને તે બેંગલુરુમાં બે દિવસીય બેઠકમાં ભાગ લેશે. તેમાં ભાગ લેનાર પાર્ટીઓની સંખ્યા હવે 24 થઈ ગઈ છે. જેમાં તામિલનાડુની મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ અને ઉત્તર પ્રદેશની અપના દલ (કામેરાવાડી) આવે અને સંખ્યામાં વધારો કરે તેવી શક્યતા છે. આ પટનાની બેઠકમાં ભાગ લેનારી પાર્ટીઓ કરતા 11 વધુ છે.
વિરોધ પક્ષની છાવણીમાં સામેલ કેટલાક મુખ્ય પક્ષોમાં કોંગ્રેસ, જનતા દળ (યુનાઇટેડ), તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, આમ આદમી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), શિવસેના (યુબીટી), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી); રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી (સપા), સીપીઆઇએમ, નેશનલ કોન્ફરન્સ (એનસી), પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી), સીપીઆઇએમએલ અને સીપીઆઈ સામેલ છે.
એનસીપીના વડા શરદ પવારની ભાગીદારી અંગેની મૂંઝવણ યથાવત્ છે. એવા સમાચાર આવી રહ્યા છે કે તેઓ સોમવારે રાત્રે આયોજિત ડિનરમાં હાજર રહેશે નહીં. જોકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને એનસીપી નેતા સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે પવાર મંગળવારે મંત્રણામાં ભાગ લેશે. ખડગેએ કહ્યું કે મેં તેમને એમ કહેવા માટે ફોન કર્યો હતો કે તેમના માટે આવવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે તે 18 જુલાઈએ સવારે આવી રહ્યા છે, તેની કોઈ ચિંતા નથી.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કોઈ સમસ્યા નથી, દરેક જણ આવી રહ્યું છે. મમતાજી આવી રહ્યા છે, કેજરીવાલજી આવી રહ્યા છે, નીતિશજી, તેજસ્વીજી, સ્ટાલિનજી. પટનાની બેઠકમાં હાજર લોકો કરતા વધારે લોકો અમારી સાથે જોડાણ કરી રહ્યા છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે વિપક્ષની જેમ જ તે જ દિવસે બોલાવવામાં આવેલી એનડીએની બેઠકની મજાક ઉડાવી હતી. તેમણે સોમવારે બેંગલુરુમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે એનડીએમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એનડીએ વિશે કોઈ વાત થતી ન હતી અને અચાનક છેલ્લા કેટલાક દિવસોથી અમે તેના વિશે સાંભળી અને વાંચી રહ્યા છીએ.
આ પણ વાંચો – ચિરાગ પાસવાનને 06 લોકસભા અને 01 રાજ્યસભાની સીટ જોઈએ છે! ભાજપ સામે રાખી શરત
પત્રકાર પરિષદમાં કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે કહ્યું હતું કે વિપક્ષી એકતાની બેઠક ભારતીય રાજકીય દૃશ્ય માટે ગેમ ચેન્જર હશે. અમને એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે પટનાની બેઠક પછી જે લોકો કહેતા હતા કે અમે એકલા આખા વિપક્ષને હરાવવામાં ખૂબ જ સક્ષમ છીએ, હવે બેઠકો શરૂ કરી દીધી છે. વેણુગોપાલે કહ્યું કે આ વિપક્ષી એકતાની વાસ્તવિક સફળતા છે.
એનડીએની બેઠક
ભાજપે સોમવારે બેંગલુરુમાં વિપક્ષની બેઠકને તકવાદીઓ અને સત્તાના ભૂખ્યા નેતાઓની બેઠક ગણાવી હતી. એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે પૂરથી અસરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે દિલ્હીમાં રહેવાને બદલે બેંગલુરુમાં વિપક્ષની બેઠકમાં ભાગ લેવા ગયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 19 પક્ષોએ મંગળવારે યોજાનારી એનડીએની બેઠકમાં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ સાથી પક્ષોને પત્રો મોકલ્યા છે . જેમાં અજિત પવારની આગેવાની હેઠળના એનસીપી જૂથ અને જીતન રામ માંઝીના હિન્દુસ્તાની અવામ મોર્ચા જેવા નવા પક્ષોનો પણ સમાવેશ થાય છે. તેમને સંમેલન માટે આમંત્રણ આપ્યું છે. એનડીએની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે, જેને સત્તાધારી ગઠબંધનના શક્તિ પ્રદર્શનને પ્રદર્શિત કરવાના ભાજપના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના ઉપરાંત આ બેઠકમાં ભાગ લઈ રહેલા એનડીએના સાથી પક્ષોમાં બિહારના અનેક નાના પક્ષો તેમજ પૂર્વોત્તર ક્ષેત્રના અનેક શાસક સહયોગીઓનો સમાવેશ થાય છે. તેમાં ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની એલજેપી (રામ વિલાસ), ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી, સંજય નિષાદની નિષાદ પાર્ટી (તમામ બિહારની), અનુપ્રિયા પટેલની આગેવાની હેઠળની અપના દલ (સોનેલાલ), હરિયાણાની જેજેપી, આંધ્રપ્રદેશની જેજેપી, આંધ્રપ્રદેશની પવન કલ્યાણની આગેવાની હેઠળની જનસેના, એઆઇએડીએમકે, તમિલ મનીલા કોંગ્રેસ અને ઇંદિયા મક્કલ કાલી કાલવી મુનેત્ર કઝગમ (તમામ તમિલનાડુથી), ઝારખંડથી ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (એજેએસયુ) સામેલ છે. મેઘાલયથી કોનરાડ સંગમાની એનસીપી, નાગાલેન્ડથી એનડીપીપી, સિક્કિમથી એસકેએફ, ઝોરમથાંગાના મિઝો નેશનલ ફ્રન્ટ અને અસામની એજીપી સામેલ છે.
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી)ના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે શુક્રવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે એનડીએની બેઠકમાં જોડાવા માટે નડ્ડા તરફથી તેમને હજી સુધી કોઈ પત્ર મળ્યો નથી. જોકે રવિવારે સમાચાર આવ્યા હતા કે પાર્ટી એનડીએમાં સામેલ થઈ ગઈ છે અને ગઠબંધનના ભાગરૂપે 2024ની લોકસભાની ચૂંટણી લડશે. તેમની પાર્ટી પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના વડા પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહાએ સોમવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી અને કહ્યું હતું કે તેઓ 18 જુલાઈએ એનડીએની બેઠકમાં ભાગ લેશે. પત્રકાર પરિષદમાં તેમણે આ પ્રશ્નને ટાળ્યાના કલાકો પછી આ ટ્વિટ આવ્યું હતું. રાષ્ટ્રીય લોક જનતા દળના સ્થાપકે ટ્વિટર પર જાહેરાત કરી હતી કે તેમને ગઈકાલે જ બેઠક માટેનું આમંત્રણ મળ્યું છે. કેટલાક લોકોએ બિનજરૂરી અફવાઓ ફેલાવવાનું ટાળવું જોઈએ. હું આવતીકાલે એનડીએની બેઠકમાં હાજર રહીશ, ગઈકાલે જ આમંત્રણ મળ્યું છે.
ભાજપે ચંદ્રાબાબુ નાયડુની આગેવાની હેઠળની ટીડીપી અને સુખબીર બાદલના નેતૃત્વવાળા શિરોમણી અકાલી દળને આમંત્રણ મોકલાવ્યું છે કે નહીં તે સ્પષ્ટ નથી. આ બન્ને એનડીએમાં પહેલા ગઠબંધનમાં હતા.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો





