Lok Sabha Election 2024 : બિહારની રાજધાની પટનામાં 23 જૂને વિપક્ષી પાર્ટીઓની પહેલી બેઠક થઈ હતી. આ પછી જાહેરાત કરવામાં આવી હતી કે ટૂંક સમયમાં બીજી બેઠક યોજાશે. વિપક્ષી નેતાઓની બીજી બેઠક આજે એટલે કે 17 જુલાઈ અને આવતીકાલે (18 જુલાઈ) બેંગલુરુમાં યોજાવાની છે. વિપક્ષી દળો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા એનડીએ સામે લડવા માટે રણનીતિ ઘડશે. પરંતુ ત્રણ મહત્ત્વના પ્રશ્નો એવા છે જે વિપક્ષને ખૂબ જ મુશ્કેલીમાં મુકી રહ્યા છે અને તેના જવાબો શોધવા ખૂબ જ મુશ્કેલ છે.
વિપક્ષનો ચહેરો કોણ છે?
વિપક્ષી દળો માટે સૌથી મોટો સવાલ એ છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી સામે કોને ઉમેદવાર બનાવીને મેદાનમાં આવે અને સૌથી મહત્વની વાત એ છે કે શું તેઓ કોઈ એક નામ પર સહમત થઈ શકશે. સૌથી મોટી વાત એ છે કે વિરોધ પક્ષોની આ મુદ્દે એક સરખો મત નથી. હાલમાં જ જ્યારે પટનામાં બેઠક થઇ ત્યારે આ મુદ્દે ઘણી ચર્ચા થઇ હતી. જો કે મજાકમાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ વરરાજા બનવું જોઇએ. તેમના આ નિવેદનનું અનેક રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે, પરંતુ નીતિશ કુમાર પણ વડાપ્રધાન પદના દાવેદાર છે. જોકે તેમણે હંમેશા આ વાતનો ઇનકાર કર્યો છે. વિરોધ પક્ષો કોઈ એક નામ પર સહમત થઈ શકતા નથી.
બાદમાં અહેવાલ આવ્યા હતા કે વિરોધ પક્ષોની બેઠકમાં વડાપ્રધાન પદ માટે રાહુલ ગાંધીનું નામ સૂચવવામાં આવ્યું હોવાથી અજિત પવાર જૂથે એનસીપી સામે બળવો પોકાર્યો હતો. જ્યારે તેઓ ઈચ્છે છે કે શરદ પવાર દેશના મોટા નેતા બને અને આ માટે તેમનું નામ આગળ આવે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઘણી વખત કહી ચુક્યા છે કે અરવિંદ કેજરીવાલ દેશમાં લોકપ્રિય થઈ રહ્યા છે અને તેઓ પીએમ મોદી સામે એક સારા ઉમેદવાર તરીકે સામે આવી શકે છે.
જુદા જુદા મુદ્દાઓ પર પાર્ટીઓમાં સંવાદ?
વિપક્ષની બીજી સૌથી મોટી સમસ્યા એ છે કે જુદા જુદા મુદ્દાઓ પર પક્ષો વચ્ચે એક સમાન વાતચીત થતી નથી. હકીકતમાં સૂત્રોના જણાવ્યા અનુસાર એવા અહેવાલ આવ્યા હતા કે ઘણા નેતાઓ ઇચ્છે છે કે વિરોધી પક્ષોના જૂથને એક નામ આપવામાં આવે પરંતુ ઘણા પક્ષો તે માટે સંમત થયા ન હતા. કેટલાક પક્ષોને લાગે છે કે ઔપચારિક નામ આપવું તે ખૂબ જ વહેલું છે અને તેના ઉદ્દેશ્ય પર લોકો પર શંકા કરશે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : મંગળવારે વિરોધ પક્ષો vs NDA કરશે શક્તિ પ્રદર્શન
સાથે જ પાર્ટીઓ વચ્ચે કોમન પ્રોગ્રામ તૈયાર કરવામાં પણ તમામ પાર્ટીઓનો મત અલગ-અલગ છે. તમામ પક્ષો ઇચ્છે છે કે તેઓ સાથે મળીને ચૂંટણી લડે, પરંતુ જુદા જુદા રાજ્યોમાં રણનીતિ અલગ અલગ હોવી જોઇએ અને ત્યાંના મજબૂત પ્રાદેશિક પક્ષોએ પોત-પોતાના મુજબની રણનીતિ બનાવવી જોઇએ.
સીટ શેરિંગને લઇને નથી બની રહી વાત
વિરોધ પક્ષોની સામે સૌથી મોટો મુદ્દો બેઠકોની વહેંચણીનો છે. વાસ્તવમાં કોંગ્રેસ એક રાષ્ટ્રીય પક્ષ છે અને લગભગ દરેક રાજ્યમાં તેની હાજરી છે. પરંતુ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કોંગ્રેસ ખૂબ જ નબળી પડી ગઈ છે અને ત્યાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ છે. થોડા અઠવાડિયા પહેલા સામનાના એક લેખમાં કહેવામાં આવ્યું હતું કે વિપક્ષ 450 સીટો પર એક સંયુક્ત ઉમેદવારને ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. એટલે કે આ બેઠકમાં ભાગ લેનાર તમામ પક્ષો પાસે 450 બેઠકો માટે એક જ ઉમેદવાર હશે પરંતુ તે એટલું સરળ નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટી પહેલા જ કહી ચૂકી છે કે કોંગ્રેસે દિલ્હી અને પંજાબ છોડી દેવું જોઈએ તો જ તે તેના માટે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ છોડી દેશે. ઉત્તર પ્રદેશમાં બે મુખ્ય ક્ષેત્રીય પાર્ટી સપા અને બસપા અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે. જોકે બસપા વિપક્ષની બેઠકમાં ભાગ લઇ રહી નથી. મહારાષ્ટ્રમાં હવે એનસીપીનું વિભાજન થયું છે અને અજિત પવાર જૂથ ઉભરી આવ્યું છે. કોઈપણ એક રાજ્યમાં સામાન્ય ઉમેદવાર ઉભો કરવો વિપક્ષ માટે ખૂબ જ મુશ્કેલ હશે. આથી સીટ વહેંચણીનો મામલો પણ અટવાયો છે.





