Samajwadi Party candidates : સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. અખિલેશ યાદવના નેતૃત્વમાં સપાએ પ્રથમ યાદીમાં 16 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ યાદીમાં યાદવ પરિવારના ત્રણ સભ્યોનો પણ સમાવેશ થાય છે. સમાજવાદી પાર્ટીએ મૈનપુરીથી ડિમ્પલ યાદવ, બદાયૂથી ધર્મેન્દ્ર યાદવ અને ફિરોઝાબાદથી અક્ષય યાદવને મેદાનમાં ઉતાર્યા છે.
લોકસભા ચૂંટણી 2024 : આ 16 ઉમેદવારોની જાહેરાત કરી
યાદવ પરિવારના ત્રણ નામો ઉપરાંત સમાજવાદી પાર્ટીએ સંભલથી પોતાના વર્તમાન સાંસદ શફીકુર રહેમાન બર્કને મેદાનમાં ઉતાર્યા છે. અન્ય ઉમેદવારોમાં એટાથી દેવેન્દ્ર શાક્ય, ખીરીથી ઉત્કર્ષ વર્મા, ધૌરહરાથી આનંદ ભદોરિયા, ઉન્નાવથી અનુ ટંડન, લખનઉથી રવિદાસ મેહરોત્રા, ફરુખાબાદથી નવલ કિશોર શાક્ય, અકબરપુરથી રાજારામ પાલ, બાંદાથી શિવ શંકર પટેલ, ફૈઝાબાદથી અવધેશ પ્રસાદ, આંબેડકર નગરથી લાલજી વર્મા, બસ્તીથી રામ પ્રસાદ ચૌધરી અને ગોરખપુરથી કાજલ નિષાદનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – નીતિશ કુમારના યૂ ટર્ન પર રાહુલ ગાંધીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, કહી આવી વાત
લોકસભા ચૂંટણી 2024 : ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનમાં ત્રણ પક્ષો છે
ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનમાં ત્રણ પક્ષો છે. સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આરએલડી ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે. થોડા દિવસ પહેલા જ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી કોંગ્રેસ માટે 11 અને આરએલડી માટે 7 સીટો છોડશે. એટલે કે સમાજવાદી પાર્ટીના 62 સીટો પર ઉમેદવાર હશે, જ્યારે 18 સીટો પર સાથી પક્ષોના ઉમેદવાર ચૂંટણી લડશે. જોકે કોંગ્રેસને 11 સીટો પર વાંધો છે. કોંગ્રેસે હજુ સુધી 11 બેઠકોની પુષ્ટિ કરી નથી.
2019ની લોકસભા ચૂંટણીમાં 80 સીટોમાંથી એનડીએએ 64 સીટ પર જીત મેળવી હતી. સપા, બસપા અને આરએલડીના ગઠબંધને 15 સીટ પર અને કોંગ્રેસે 1 સીટ પર જીત મેળવી હતી. 2014માં એનડીએએ 73 સીટ પર જીત મેળવી હતી.