lok sabha elections 2024 : ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે ઈન્ડિયા ગઠબંધનની સીટ-શેરિંગ ડીલ ફાઈનલ થઈ ગઈ છે. જેમાં કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે. બાકીની 63 બેઠકો પર સમાજવાદી પાર્ટી અને અન્ય પક્ષો લડશે જે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ બનવા ઇચ્છુક છે. આ સિવાય મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સમાજવાદી પાર્ટીને એક બેઠક આપશે.
63 બેઠકો પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાના ઉમેદવારો નક્કી કરશે. આ પહેલા સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે અમારી વચ્ચે કોઇ વિવાદ નથી. ગઠબંધન થશે. ટૂંક સમયમાં જ બધું સ્પષ્ટ થઈ જશે. બાકીની બાબતો જૂની થઈ ગઈ છે. અંત ભલા તો સબ ભલા.
કોંગ્રેસ આ 17 બેઠકો પર ચૂંટણી લડશે
કોંગ્રેસ રાયબરેલી, અમેઠી, કાનપુર શહેર, ફતેહપુર સિકરી, બાંસગાંવ, સહારનપુર, પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી અને દેવરિયાથી ચૂંટણી લડી રહી છે
આ પણ વાંચો – શિવપાલ યાદવ બદાયુથી લોકસભા ચૂંટણી લડશે, સપાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર
આ પહેલા સપા અધ્યક્ષ અખિલેશ યાદવે રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લીધો ન હતો. અખિલેશ યાદવે કહ્યું હતું કે જ્યાં સુધી કોંગ્રેસ સાથે સીટોની વહેંચણીની વ્યવસ્થા નક્કી નહીં થાય ત્યાં સુધી તેઓ યાત્રામાં સામેલ નહીં થાય. સીટોની વહેંચણીનો નિર્ણય થયા બાદ સમાજવાદી પાર્ટી કોંગ્રેસની ન્યાય યાત્રામાં સામેલ થશે.
સપાએ અત્યાર સુધીમાં 32 ઉમેદવારોની જાહેરાત કરી
યુપીમાં સપાએ અત્યાર સુધીમાં ત્રણ યાદીમાં 32 ઉમેદવારોની જાહેરાત કરી છે. પહેલી યાદી 30 જાન્યુઆરીએ બહાર પડી હતી. જેમાં 16 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. બીજી યાદીમાં વધુ 11 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. ત્રીજી યાદીમાં પાંચ ઉમેદવારોના નામ હતા. શિવપાલ યાદવને બદાયૂંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે ઉત્તર પ્રદેશમાં સપા-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હતું.