Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 પહેલા વિપક્ષના કેમ્પમાં ભાજપ સામે મોરચો બનાવવાની ચર્ચા ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે ત્યારે આ સમયમાં વિપક્ષ ભાજપ સામે મોરચો રચી શકશે કે કેમ તે અંગે શંકા-કુશંકા સેવાઈ રહી છે. આવું કહેવાનું કારણ પણ છે. 12 જૂને પટનામાં યોજાનારી વિપક્ષની બેઠક મોકૂફ રાખવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પહેલ પર આ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. હવે આ બેઠક ક્યારે થશે તે સ્પષ્ટ નથી.
આ બેઠક કેમ રદ કરવામાં આવી તેને લઇને રાજકીય પક્ષો દ્વારા અનેક વાતો કહેવામાં આવી રહી છે. જોકે કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીની ભૂમિકાને લઇને અનિશ્ચિતતા હતી, જે બેઠક રદ થવાનું એક મોટું કારણ છે. આ ઉપરાંત બેઠકનું સ્થળ પણ તેના રદ થવાનું એક મોટું કારણ કહેવામાં આવી રહ્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કર્ણાટકની જીત બાદ કોંગ્રેસ મુખ્ય રાષ્ટ્રીય વિપક્ષી દળની ભૂમિકા છોડવા માંગતી નથી અને એ સંદેશો આપવા માંગતી નથી કે નીતિશ ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિપક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે.
હવે આ બેઠક ક્યાં અને ક્યારે યોજાશે તે અંગે નીતિશ કુમારે હાલ વધારે કંઈ કહ્યું નથી. નીતીશ કુમારે સોમવારે માત્ર એટલું જ કહ્યું હતું કે વિપક્ષી દળોના નેતાઓ સાથે કોંગ્રેસની વાતચીત બાદ બેઠકની આગામી તારીખ નક્કી કરવામાં આવશે. જોકે નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું હતું કે સંબંધિત પક્ષોના પ્રમુખોએ આ બેઠકમાં ભાગ લેવો પડશે અને જો કોઈ પાર્ટી અધ્યક્ષ તેમના સ્થાને તેમના પ્રતિનિધિને મોકલે તો તે યોગ્ય રહેશે નહીં.
આ પણ વાંચો – શું સચિન પાયલટ અલગ પાર્ટી બનાવશે? 11 જૂન બનશે ખૂબ જ મહત્વપૂર્ણ
નીતીશ કુમારે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓએ કહ્યું કે તેમના નેતાઓ 12 જૂનની બેઠકમાં ભાગ લઈ શકશે નહીં અને તેઓ તેમની જગ્યાએ પ્રતિનિધિ તરીકે નેતા મોકલશે. અન્ય પક્ષોએ કહ્યું કે તે યોગ્ય રહેશે નહીં. હવે મેં કોંગ્રેસને તારીખ સંબંધિત મુદ્દા પર અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે વાતચીત કરવા માટે કહ્યું છે. બિહારના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે બેઠકની આગામી તારીખ તમામ પક્ષોની સંમતિથી નક્કી કરવામાં આવશે.
શું છે કોંગ્રેસની પરેશાની?
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે જેડીયુના નેતૃત્વને સ્પષ્ટ કરી દીધું છે કે જો રાહુલ આ બેઠકમાં ભાગ લેશે તો સ્થળ કોંગ્રેસ નક્કી કરશે. રસપ્રદ વાત એ છે કે ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીએ કોલકાતામાં નીતિશ કુમાર સાથે મુલાકાત કર્યા બાદ વિપક્ષી પાર્ટીઓની બેઠક માટે પટના સ્થળનો પ્રસ્તાવ મુક્યો હતો.
કોંગ્રેસના એક નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ ચિત્રમાંથી બહાર જોવા મળી હતી અને જેડીયુએ સમગ્ર કાર્યક્રમ કબજે કરી લીધો હોય તેવું લાગી રહ્યું હતું. જેડી(યુ)ના એક નેતાએ કહ્યું કે જો વિપક્ષને એકજૂથ કરવા માટે કોંગ્રેસ ડ્રાઇવિંગ સીટ પર દેખાય તો મમતા અને કેજરીવાલ જેવા નેતા પોતાને દૂર કરી શકે છે. ઘણા પ્રાદેશિક પક્ષો આ મંચ પર ફક્ત એટલા માટે આવી રહ્યા છે કારણ કે નીતિશ આ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે.
રિપોર્ટમાં કોંગ્રેસના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પાર્ટીએ જેડીયુને માહિતી આપી છે કે પ્રસ્તાવિત બેઠકની તારીખ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપલબ્ધતાના આધારે હોવી જોઈએ. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને એમ પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ શિમલામાં બેઠકનું આયોજન કરવા માંગે છે. આ પાછળનું કારણ પટના અને આસપાસના રાજ્યોનું વધતું તાપમાન છે.
જેડી(યુ)ના એક નેતાએ કહ્યું કે તેમની પાર્ટીએ 23 જૂને બેઠકનો પ્રસ્તાવ મુક્યો છે. જો રાહુલ ગાંધી અને વિપક્ષના મોટા ભાગના નેતાઓ માની જાય તો આ દિવસે બેઠક થઇ શકે છે. બીજી તરફ કોંગ્રેસના અખિલેશ પ્રસાદ સિંહે આવી સ્થિતિ માટે આડકતરી રીતે જેડીયુને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે તેમની પાર્ટીએ પોતાના વરિષ્ઠ નેતાઓની વ્યસ્તતાને કારણે 23 જૂનની તારીખ કહી હતી તેમ છતાં 12 જૂનની પસંદગી કરવામાં આવી હતી.





