દિપ્તીમાન તિવારી : લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષી દળોની એકતાની કવાયત તેજ થઈ ગઈ છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિપક્ષના મોટા નેતાઓ સાથે રાજકીય ગઠબંધન કરવા સતત પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ કેટલાક પક્ષો પણ ત્રીજા મોરચાને હવા આપી રહ્યા છે, જેમાં કોંગ્રેસ વિના વિપક્ષી એકતાની કલ્પના કરવામાં આવી રહી છે. આવી જ એક પાર્ટી મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવની બીઆરએસ પણ છે, જે લાંબા સમયથી ત્રીજા મોરચાની રચના માટે લોબિંગ કરી રહી છે. પરંતુ હવે ચંદ્રશેખરનો પક્ષ થોડો નરમ પડ્યો છે. તે 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે હાથ મિલાવવા તૈયારી બતાવી રહ્યા છે.
સૂત્રોને ટાંકીને જાણવા મળ્યું છે કે, પાર્ટીમાં ચર્ચા તેજ થઈ ગઈ છે કે કોંગ્રેસને પણ વિપક્ષી એકતામાં સામેલ કરવામાં આવે. પાર્ટીના સૂત્રોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું. પરંતુ, વાંધો માત્ર આ વિપક્ષી ગઠબંધનના ચહેરા તરીકે રાહુલ ગાંધી ન હોવા જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
પાર્ટીના એક નેતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું છે કે, જો કોંગ્રેસ પ્રાદેશિક પક્ષોને યોગ્ય સન્માન આપવાનું શરૂ કરે છે, જો તેમને પણ તેમની તરફથી સન્માનજનક બેઠકો આપવામાં આવે છે, તો આ શક્ય બની શકે છે. તે નેતાઓ કહે છે કે, અમે માત્ર એટલું જ કહી રહ્યા છીએ કે, કોંગ્રેસને સન્માનજનક બેઠકો મળવી જોઈએ, પરંતુ જ્યાં તે મજબૂત હોય ત્યાં લડવું જોઈએ. પરંતુ જ્યાં અન્ય પ્રાદેશિક પક્ષો મજબૂત છે, ત્યાં કોંગ્રેસે તેમના માટે જગ્યા છોડવી જોઈએ. એ જ રીતે વિપક્ષી એકતા શક્ય છે અને વધારે શક્તિશાળી પણ બનશે. મોટી વાત એ છે કે, આમાં પણ બીઆરએસએ એક શરત મુકી છે, તે શરત રાહુલ ગાંધીને લઈને છે.
વાસ્તવમાં બીઆરએસ નથી ઈચ્છતું કે, 2019ની જેમ ફરી 2024માં પણ મોદી અને રાહુલ ગાંધી વચ્ચે હરીફાઈ થાય. એવી દલીલ કરવામાં આવે છે કે, જ્યારે પણ આ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યારે વિપક્ષને નુકસાન થયું છે અને છેલ્લી લોકસભાની ચૂંટણીમાં પણ એવું જ થયું હતું.
બીઆરએસ નેતાએ કહ્યું કે, મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની હરીફાઈ હોય તેવી પરિસ્થિતિથી બિલકુલ આરામદાયક નથી. એવામાં વિપક્ષની હાર નિશ્ચિત છે. વિપક્ષમાં ઘણા મોટા નેતાઓ છે, નીતિશ કુમાર હોય કે મમતા બેનર્જી હોય, તેમને સરકાર ચલાવવાનો અનુભવ પણ છે, રાહુલ ગાંધીએ શું હાંસલ કર્યું છે? તેઓ હજુ ઔપચારિક રીતે તેમની પાર્ટીના નેતા પણ નથી.
હવે એક સવાલ એ ઊભો થાય છે કે, અચાનક કોંગ્રેસને લઈને કેસીઆરની પાર્ટીનું સ્ટેન્ડ કેમ બદલાઈ ગયું છે, હવે ફરી કોંગ્રેસ સાથે હાથ મિલાવવાની વાત કેમ થઈ રહી છે. આ સવાલના જવાબમાં બીઆરએસ નેતા સ્પષ્ટ કહે છે કે, અત્યારે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા વિપક્ષના અવાજને દબાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જો આવું જ ચાલતું રહ્યું તો ટૂંક સમયમાં જ આપણે પાકિસ્તાન બની જઈશું.
અગાઉ જ્યારે ઈમરાન સત્તામાં હતા ત્યારે વિપક્ષના નેતાઓ વિદેશ ભાગી જતા હતા, હવે કોઈ બીજાની સરકાર આવી છે એટલે ઈમરાન ભાગી રહ્યા છે. અત્યારે દેશની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને દરેકનું સાથે આવવું જરૂરી છે. આ સમયે પરસ્પર મતભેદો ભૂલીને ભાજપને હરાવવા અને દેશને બચાવવા માટે આપણે સાથે આવવું પડશે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : વિપક્ષી એક્તાને મજબૂત કરવા નીતિશ કુમારને મમતા બેનર્જી અને અખિલેશ યાદવ તરફથી લીલીઝંડી
જો કે કેસીઆરની પાર્ટી કોંગ્રેસ સાથે હાથ મિલાવવા માંગે છે, પરંતુ તે તેની રાજકીય સ્થિતિનો સંપૂર્ણ અરીસો પણ બતાવી રહી છે. બિહારમાં જ છેલ્લી વિધાનસભા ચૂંટણીના પરિણામો વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આરજેડીએ કોંગ્રેસને ઘણી સીટો આપી હતી, પરંતુ પાર્ટી ઘણી સીટો પર હારી ગઈ હતી અને સમગ્ર ગઠબંધનને નુકસાન સહન કરવું પડ્યું હતું.
ડિસ્ક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો