લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસ સામે વિકટ સ્થિતિ! દિલ્હી-પંજાબ, યુપી-બંગાળ જ નહીં, આ રાજ્યમાં પણ બેઠકોની વહેંચણી પર બબાલ સંભવ

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પાર્ટીઓ વચ્ચે સીટોની વહેંચણી કેવી રીતે થશે તેના પર હજુ એક સવાલ છે

September 27, 2023 15:44 IST
લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસ સામે વિકટ સ્થિતિ! દિલ્હી-પંજાબ, યુપી-બંગાળ જ નહીં, આ રાજ્યમાં પણ બેઠકોની વહેંચણી પર બબાલ સંભવ
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા (Express file photo by Shuaib Masoodi)

Bashaarat Masood : ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પાર્ટીઓ વચ્ચે સીટોની વહેંચણી કેવી રીતે થશે તેના પર હજુ એક સવાલ છે. દિલ્હી અને પંજાબને લઈને આપ અને કોંગ્રેસમાં બધુ બરાબર નથી. આ સિવાય યુપી અને બંગાળમાં કોંગ્રેસની તરફેણમાં સ્થિતિ નથી. તાજેતરનો વિવાદ જમ્મુ-કાશ્મીરમાંથી સામે આવી રહ્યો છે, જ્યાં ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષોમાં બેચેનીની સ્થિતિ છે.

આ પરિસ્થિતિ નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ તેમના એ સૂચનથી પીછેહઠ કરવાનો ઇનકાર કરતા ઉભી થઈ છે. જેમાં તેમણે કહ્યું હતું કે ગઠબંધન ભાગીદારો વચ્ચે બેઠકોની વહેંચણી ફક્ત ત્યાં જ થવી જોઈએ જ્યાં ભાજપની જીતવાની અપેક્ષા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું સૂચન મહેબૂબા મુફ્તીની પાર્ટીને પસંદ પડ્યું નથી.

મુસ્લિમ બહુમતીવાળા કાશ્મીરમાં ભાજપની જીતવાની સંભાવના ખૂબ જ ઓછી માનવામાં આવી રહી છે. એવામાં ઓમરની સલાહ છે કે ઘાટીમાં તે કોઈપણ બેઠક પીડીપી અને કોંગ્રેસ પર છોડી દેવા માટે રાજી નથી. 2019ની લોકસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે કાશ્મીર ઘાટીમાં શ્રીનગર, બારામુલ્લા અને અનંતનાગ સીટ પર જીત મેળવી હતી. 13 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા એલાયન્સની બેઠકમાં ઓમરની ટિપ્પણી દર્શાવે છે કે તે આ ત્રણ બેઠકો પર ફરીથી ચૂંટણી લડવા માંગે છે.

બીજી તરફ પીડીપી તરફથી એવા સંકેત મળી રહ્યા છે કે તે બારામુલા અને શ્રીનગરની સીટો એનસી માટે છોડવા માટે તૈયાર છે. ઓગસ્ટમાં મુંબઈમાં યોજાયેલી બેઠકમાં પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ સિનિયોરિટીનો હવાલો આપીને એનસી પ્રમુખ ફારૂક અબ્દુલ્લા પર બેઠકોની વહેંચણીનો નિર્ણય છોડી દીધો હતો.

આ મહિનાની શરૂઆતમાં દિલ્હીમાં થયેલી મિટિંગમાં ઓમર અબ્દુલાએ મીડિયાને કહ્યું હતું કે મેં માત્ર એટલું જ કહ્યું છે કે જ્યારે તમે બેઠકોની વહેંચણીની વાત કરી રહ્યા હોવ ત્યારે એક ફોર્મ્યુલા હોવી જોઈએ. જો અમારું લક્ષ્ય ભાજપને હરાવવાનું છે, તો આપણે તે બેઠકો પર ગઠબંધન કરવું જોઈએ જ્યાં ભાજપને જીતવાની તક વધારે છે. મને નથી લાગતું કે ભાજપને કાશ્મીરમાંથી કોઈ બેઠક મળી રહી છે. મેં ફક્તજ મારી વાત રજૂ કરી છે.

આ પણ વાંચો – શું શિવરાજ સિંહ ચૌહાણ માટે વાગી ખતરાની ઘંટડી? નરેન્દ્ર સિંહ તોમર એમપીની રાજનીતિમાં એમ જ પાછા ફર્યા નથી

એનસીના નેતાએ પોતાની વાત પર અડગ રહીને કહ્યું કે શું મારે મારી વાત રજૂ ન કરવી જોઈએ? મેં મારા પક્ષનો દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યો છે અને તે મારો અધિકાર છે. મેં મારો અભિપ્રાય કોઈના પર થોપ્યો નથી. હું બેઠકમાંથી બહાર નીકળ્યો નથી કે બેઠકનો બહિષ્કાર પણ કર્યો નથી.

ઓમરની આ ટિપ્પણી પર પીડીપીએ નારાજગી વ્યક્ત કરી છે તો કોંગ્રેસ પણ તેને મોકૂફ રાખે તેવી શક્યતા છે કારણ કે તે કાશ્મીર ખીણની સાથે સાથે જમ્મુના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં પણ પોતાની હાજરીનો દાવો કરી શકે છે. જમ્મુ ક્ષેત્રની બે લોકસભા બેઠકો – જમ્મુ અને ઉધમપુર પર હાલમાં ભાજપ પાસે છે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી 2014માં થઈ હતી. પીડીપીએ કુલ 28 બેઠકો જીતી હતી. જેમાંથી 25 કાશ્મીર ખીણમાં અને ત્રણ જમ્મુ ક્ષેત્રના મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં હતા. નેશનલ કોન્ફરન્સે 15 બેઠકો જીતી હતી. જેમા કાશ્મીર ઘાટીમાંથી 12 અને 2 જમ્મુના હિન્દુ-પ્રભુત્વવાળા વિસ્તારોમાંથી અને એક મુસ્લિમ વિસ્તારમાંથી સીટ જીતી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને 12 સીટો મળી હતી. આ તમામ કાશ્મીર અને જમ્મુના મુસ્લિમ વિસ્તારમાંથી હતી.

નેશનલ કોન્ફરન્સના એક નેતાએ તર્ક આપ્યો કે આટલા વર્ષોથી આપણે એકબીજા સામે લડી રહ્યા છીએ. ભલે હવે આપણા પાસે કેટલાક કોમન ટાર્ગેટ હોય, પરંતુ પોતાના કાર્યકરો અને મતદારોને તે પાર્ટી માટે વોટ દેવા મનાવવા સરળ નથી, જેને આપણો દુશ્મન ગણાવ્યો છે. આપણે જાણીએ છીએ કે જો આપણે એકબીજા સામે લડીશું તો પણ ખીણમાં ભાજપ માટે કોઈ સ્થાન નથી. તેથી તે ભાજપને બહાર રાખવાના અમારા મોટા લક્ષ્યને અસર કરશે નહીં. મને નથી લાગતું કે આ લોકો સાથે કોઈ પણ પ્રકારનો વિશ્વાસઘાત છે.

બીજી તરફ કાશ્મીર ખીણથી ઉલટ જમ્મુ વિસ્તારમાં એનસી અને પીડીપીને વધારે મળે તેમ લાગતું નથી. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપે મેનલેન્ડ જમ્મુમાં પોતાની જમીન ગુમાવી દીધી છે. 2014માં ભાજપે આ બેઠક જીતી હતી. આવી સ્થિતિમાં અહીં કોંગ્રેસ જ એકમાત્ર વિકલ્પ લાગે છે પરંતુ મજબૂત નેતૃત્વના અભાવે તેમાં વિધ્ન આવી શકે છે.

ઓમરની ફોર્મ્યુલા અનુસાર એનસી જમ્મુમાં ભાજપને હરાવવા માટે સીટનો દાવો કરી શકે છે પરંતુ કાશ્મીરમાં કોઈ પણ સીટ છોડવા માટે સહમત નહીં થાય. પીડીપીના ઘણા નેતાઓ ઓમરની આ ટિપ્પણીને ખીણમાં ગઠબંધન ધર્મના વિશ્વાસઘાત તરીકે જુએ છે.

પીડીપીના અન્ય એક નેતા કહે છે કે હું એમ નહીં કહું કે આ વિશ્વાસઘાત છે, પરંતુ તે દુઃખદ બાબત હશે. જો આપણે આ તબક્કે પણ જુદા જુદા માર્ગો અપનાવીએ તો આપણે કયો રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ? અને એકલા જઈને આપણને શું મળવાનું છે? ચૂંટણી થાય તો પણ આપણે એવી સરકાર ચલાવીશું જે પાલિકા કરતાં પણ બદતર હશે. તમામ શક્તિઓ કેન્દ્ર પાસે છે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ