Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024ને લઈને અત્યાર સુધી ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષોમાં સીટ શેરિંગ થઇ શકી નથી. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને અગિયાર બેઠકો આપવાની જાહેરાત કરી છે, જેને રાહુલ ગાંધીની પાર્ટી સ્વીકારવા તૈયાર નથી. યુપી કોંગ્રેસના ઘણા નેતાઓ આનાથી ખુશ નથી. સ્થિતિ એવી છે કે રાજકીય નિષ્ણાતોએ કહેવાનું શરૂ કરી દીધું છે કે યુપીમાં બંગાળ જેવું દૃશ્ય ઊભું થઈ શકે છે.
બેઠકોની દ્રષ્ટિએ દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ તમામ પક્ષો માટે સૌથી મહત્વનું છે. અહીં સપા અને કોંગ્રેસ વચ્ચે સીટો પર ચર્ચા થાય છે, પરંતુ હાલ ચાલી રહેલી વાતચીતનું કોઇ પરિણામ આ સમયે દેખાઇ રહ્યું નથી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ દ્વારા સીટોની વહેંચણીમાં વિલંબને સપા એક પ્રકારના બ્લેક મેલના રૂપમાં જુએ છે. તો બીજી તરફ કોંગ્રેસ સપા પાસે એવી સીટોની માંગ કરી રહી છે, જ્યાં અખિલેશની પાર્ટી વધુ મજબૂત છે.
લોકસભા ચૂંટણી – શું છે આખી સ્થિતિ?
મીડિયા રિપોર્ટ અનુસાર કોંગ્રેસે સમાજવાદી પાર્ટી પાસે 28 સીટોની માંગ કરી છે. આ 28 બેઠકોમાંથી 10 બેઠકો એવી છે જ્યાં મુસ્લિમોની વસ્તી ઘણી વધારે છે. કોંગ્રેસ પાર્ટીને 2009ની લોકસભા ચૂંટણીમાં જીતેલી સીટોમાં વધારે રસ છે. કોંગ્રેસ તેણે માંગ કરેલી 28 બેઠકોમાંથી ઓછામાં ઓછી 20 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. તેને વિશ્વાસ છે કે અહીં પરિણામ તેની તરફેણમાં આવી શકે છે.
આ પણ વાંચો – લોકસભામાં પીએમ મોદીનો પરિવારવાદ પર પ્રહાર, ‘એક જ પ્રોડક્ટને વારંવાર લોન્ચ કરવામાં આવી રહી છે’
પૂર્વાંચલમાં કોંગ્રેસ પાર્ટીની નજર બલિયા અને ભદોહી સીટ પર છે, જ્યાં તે અનુક્રમે અજય રાય અને રાજેશ મિશ્રાને મેદાનમાં ઉતારવા માંગે છે. કોંગ્રેસ મહારાજગંજ લોકસભા બેઠક પરથી સુપ્રિયા તીર્થને પોતાના ઉમેદવાર બનાવવા માંગે છે, જ્યારે ડુમરિયાગંજ, બહરાઇચ અને બારાબંકી પણ કોંગ્રેસના રડાર પર છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી બારાબંકીથી પીએલ પુનિયાના પુત્ર તનુજને મેદાનમાં ઉતારી શકે છે.
આ ઉપરાંત કોંગ્રેસ ઉન્નાવ, કાનપુર, ખીરી, રામપુર અને મુરાદાબાદ બેઠક પર પણ દાવો કરી રહી છે. મળતી માહિતી મુજબ સલમાન ખુર્શીદની પત્ની લુઇસ ફરૂખાબાદથી ટિકિટ માંગે છે અને કોંગ્રેસ કોઇ પણ સંજોગોમાં સપા પાસેથી સલમાન ખુર્શીદ માટે આ બેઠક ઇચ્છે છે. આ સિવાય કોંગ્રેસ પાર્ટી પોતાના ગઢ રાયબરેલી અને અમેઠી તો ઈચ્છે જ છે.
લોકસભા ચૂંટણી – સમાજવાદી પાર્ટીનું સ્ટેન્ડ શું છે?
સમાજવાદી પાર્ટી કોંગ્રેસને જે બેઠકો આપવા માંગે છે તેમાં આગ્રા, ફતેહપુર સીકરી, ગાઝિયાબાદ, બુલંદશહર, સહારનપુર, ગૌતમ બૌદ્ધ નગર અને વારાણસીનો સમાવેશ થાય છે. અહેવાલ છે કે સપાએ કોંગ્રેસને સ્પષ્ટ કરી દીધું છે કે મુસ્લિમ અને યાદવના પ્રભુત્વવાળા લોકસભા મતક્ષેત્રો ઉપરાંત ફરુખાબાદને પણ આઝમ ખાન વગર જીતી શકાય નહીં. આથી આ સીટો પર આઝમ ખાન સાથે વાત કર્યા વગર કોઈ ચર્ચા નહીં થાય.





