lok sabha elections 2024 : લોકસભા ચૂંટણી 2024 પહેલા મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ મહારાષ્ટ્રને લઈને ખાસ રણનીતિ બનાવી રહી છે. ઇન્ડિયા ગઠબંધન સાથે વાતચીત બાદ પાર્ટીની 48 લોકસભા સીટોમાંથી 22 સીટો પર ઉમેદવાર ઉતારવાની યોજના છે. આ ચર્ચા સૂત્રોના હવાલાથી બહાર આવી રહી છે. સૂત્રો કહે છે કે મલ્લિકાર્જુન ખડગે અને રાજ્યના ટોચના નેતાઓ વચ્ચેની બેઠક બાદ આ ચર્ચા બહાર આવી છે. પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસે મહારાષ્ટ્રના નાગપુરમાં ‘હૈ તૈયાર હમ’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
30 બેઠકો પર ચૂંટણી લડવાનું સૂચન
કોંગ્રેસ હાઈકમાન્ડ અને પ્રદેશ નેતાઓ વચ્ચેની બેઠકમાં મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતાઓએ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક નેતાઓએ સૂચન કર્યું હતું કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યની 30 બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ. જોકે ઇન્ડિયા ગઠબંધન વચ્ચે સીટોની વહેંચણીની ચર્ચા બાદ એ જોવું પણ રસપ્રદ રહેશે કે કોંગ્રેસ કેટલી સીટો પર ચૂંટણી લડી શકશે. સૂત્રોએ જણાવ્યું હતું કે એક ટોચના નેતાએ સૂચવ્યું હતું કે પાર્ટીએ વધુમાં વધુ 22 બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ જ્યાં તેને જીતવાની સારી તક છે.
આ પણ વાંચો – મુસ્લિમ મહિલાઓને જોડવા માટે ભાજપની ખાસ યોજના, નવા વર્ષમાં શરૂ કરશે ‘થેન્ક્યુ મોદી ભાઈજાન’ અભિયાન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાર્ટીના કેટલાક નેતાઓનું કહેવું છે કે એનસીપીના શરદ પવાર જૂથ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના-યુબીટી સાથે બેઠકોની વહેંચણીના મુદ્દે પણ પાર્ટી દ્વારા ચર્ચા કરવામાં આવી છે. કહેવાય છે કે આ નેતાઓએ ખડગેને કહ્યું હતું કે એનસીપીમાં અજિત પવારના બળવા અને એકનાથ શિંદેના સેનામાં વિભાજન બાદ કોઇ પણ સાથી પક્ષનો તેમના પરંપરાગત ચૂંટણી ચિહ્નો પર સંપૂર્ણ અંકુશ નથી. જો કે શિવસેના (ઉદ્ધવ જૂથ) સાથે મનોમંથન કર્યા બાદ જ બેઠકો અંગે નિર્ણય લઈ શકાય છે.
તાજેતરમાં શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે નિવેદન આપ્યું હતું કે તેમની પાર્ટી 23 બેઠકો પર ચૂંટણી લડશે. જોકે કોંગ્રેસ અધ્યક્ષે પક્ષના નેતાઓને આવા નિવેદનો ન કરવા અને તેના પર ટિપ્પણી ન કરવા જણાવ્યું છે.





