Anjishnu Das : 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024ની સત્તાવાર જાહેરાત પહેલા જ તમામ પક્ષોએ પોતાની ગ્રાઉન્ડ તૈયારીઓ તેજ કરી દીધી છે. બેઠકોની વહેંચણી, પ્રચારની વ્યૂહરચનાથી માંડીને ભંડોળ ઉભું કરવા સુધી, ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ બંને બાજુથી કામ ચાલી રહ્યું છે.
લોકસભા ચૂંટણી 2019માં ભાજપે સૌથી વધુ 303 બેઠકો મેળવી હતી અને તેના નેતૃત્વમાં એનડીએ દેશની સૌથી મોટી ઘટક (329 બેઠકો) પાર્ટી તરીકે ઉભરી આવી હતી. બીજી તરફ પોતાને ભાજપનો વિકલ્પ ગણાવનાર ઇન્ડિયા ગઠબંધનને માત્ર 145 બેઠકો જ મળી હતી. હાલ ઇન્ડિયા ગઠબંધનમાં સીટોની વહેંચણીને લઇને મંથન ચાલી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ પાર્ટીએ ‘ડોનેટ ફોર દેશ’ નામથી ઓનલાઇન ક્રાઉડફંડિંગ અભિયાન પણ શરૂ કર્યું છે. તેની શરૂઆત 18 ડિસેમ્બરથી થઈ હતી અને તે પાર્ટીના 138માં સ્થાપના દિવસ 28 ડિસેમ્બર સુધી ચાલશે.
એનડીએ, ખાસ કરીને ભાજપ 2019માં બેઠકોની બાબતમાં તેના તમામ હરીફો કરતાં ઘણું આગળ હતું. પૈસાની બાબતમાં પણ ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન ઇન્ડિયા એલાયન્સ કરતાં ઘણું આગળ છે. લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને જરૂરી છે કે બંને ગઠબંધન પાસે અસરકારક અભિયાન ચલાવવા માટે પૂરતું ભંડોળ હોય. જોકે ઇન્ડિયન ગઠબંધન માટે આર્થિક મોરચે ભાજપ સાથે સ્પર્ધા કરવી ખૂબ જ મુશ્કેલ હશે.
ભાજપની આવક સતત વધી રહી છે
એડીઆર દ્વારા સંકલિત કરવામાં આવેલા 2018-19થી 2021-22ની વચ્ચે વિભિન્ન પાર્ટીઓના પૈસાના ડેટાથી જાણ થાય છે કે ભાજપ આ મામલે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં ઇન્ડિયા ગઠબંધનના 26 પક્ષોમાંથી માત્ર 16 પક્ષોએ જ ચૂંટણી પંચને પોતાનું ભંડોળ જાહેર કર્યું છે, જ્યારે એનડીએના 34 માંથી 16 પક્ષોએ ચૂંટણી પંચને આવી માહિતી આપી છે. એડીઆર દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેટા ઇન્ડિયા એલાયન્સની રચના પહેલાના છે. શિવસેના અને એનસીપીને આ ડેટામાં એટલા માટે ઉમેરવામાં આવ્યા નથી કારણ કે આ બંને જૂથ બે ભાગમાં વહેંચાઇ ગયા છે અને તેમના દ્વારા કરવામાં આવેલી જાહેરાતો હાલની સ્થિતિ પહેલાંની છે.
INDIA vs NDA : વાર્ષિક આવકમાં કોણ આગળ?
વર્ષ 2018-19થી લઈને વર્ષ 2021-22 સુધી વિવિધ પક્ષો દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલી જાણકારી અનુસાર વાર્ષિક આવકની દ્રષ્ટિએ ઇન્ડિયા ગઠબંધન 2020-21ને છોડીને દરેક વખતે એનડીએથી પાછળ રહી ગયું છે. વર્ષ 2018-19 અને 2019-20માં ઇન્ડિયા ગઠબંધન એનડીએની નજીક પણ પહોંચતું ન હતું. 2021-22માં ઇન્ડિયા ગઠબંધન કમાણીના મામલે એનડીએથી 156 કરોડ રૂપિયા પાછળ હતું.
આ પણ વાંચો – નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી, કોને જોવા માંગે છે પીએમ? 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોટો સર્વે
વર્ષ 2018-19માં ઇન્ડિયા ગઠબંધનની આવકમાં કોંગ્રેસનો હિસ્સો 70 ટકા છે. 2021-22માં ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવેલી જાહેરાત મુજબ આ આંકડો 30 ટકા ઘટીને 541.3 કરોડ રૂપિયા પર આવી ગયો છે. વર્ષ 2021-22માં આવકની દ્રષ્ટિએ મુખ્ય પક્ષોમાં ટીએમસી (545.7 કરોડ રૂપિયા), ડીએમકે (318.7 કરોડ રૂપિયા), સીપીઆઇ(એમ)-(162.2 કરોડ રૂપિયા), જેડી(યુ) (86.6 કરોડ રૂપિયા), સમાજવાદી પાર્ટી (61 કરોડ રૂપિયા) અને આમ આદમી પાર્ટી (44.5 કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે.
જો એનડીએની વાત કરીએ તો ભાજપ અહીં સૌથી વધુ કમાતી પાર્ટી છે. આ સિવાય 2021-22માં ભાજપની ભાગીદાર પાર્ટી જેજેપી (4.5 કરોડ) અને કર્ણાટકની જેડીએસ (2.2 કરોડ) છે.
INDIA vs NDA : સંપત્તિની બાબતમાં કોણ આગળ?
સંપત્તિની વાત કરીએ તો અહીં પણ એનડીએ ઇન્ડિયા ગઠબંધન કરતા આગળ છે. 2018-2019માં ઇન્ડિયા ગઠબંધન એનડીએની નજીક હતું. આ પછી એનડીએએ દર વર્ષે તેને ખૂબ જ સરળતાથી વટાવી દીધું હતું. 2018-19 અને 2021-22 વચ્ચે એનડીએએ પોતાની સંપત્તિ બમણી કરી દીધી હતી, જ્યારે ઇન્ડિયા ગઠબંધનની સંપત્તિમાં માત્ર 28 ટકાનો વધારો થયો હતો.
ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષોમાં કોંગ્રેસ પાર્ટી પાસે સૌથી વધુ સંપત્તિ છે. વર્ષ 2018-19માં કોંગ્રેસ પાસે ઇન્ડિયા ગઠબંધનની કુલ સંપત્તિમાંથી 36.9 ટકા (928.8 કરોડ) સંપત્તિ હતી. જે વર્ષ 2021-22માં ઘટીને 25 ટકા (805.7 કરોડ) પર આવી ગઇ હતી. સંપત્તિની વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધનમાં અન્ય મુખ્ય પક્ષોમાં સીપીઆઇ(એમ) – 735.8 કરોડ રૂપિયા, સમાજવાદી પાર્ટી – 568.4 કરોડ રૂપિયા, ટીએમસી – 458.1 કરોડ રૂપિયા, ડીએમકે – 399.1 કરોડ રૂપિયા, જેડીયૂ – 168.9 કરોડ રૂપિયા છે.
એ જ રીતે એનડીએમાં પણ ભાજપ સંપત્તિમાં સૌથી આગળ છે. 2018-19થી 2021-22 વચ્ચે એનડીએની 98 ટકા સંપત્તિ ભાજપ પાસે હતી. એનડીએમાં સંપત્તિની વાત કરીએ તો વર્ષ 2021-22માં ભાજપ પછી જેડીએસ – 13.3 કરોડ રૂપિયા, જેજેપી – 10.8 કરોડ રૂપિયા અને નાગાલેન્ડની એનડીપી – 7.4 કરોડ રૂપિયા છે.