india alliance : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે પશ્ચિમ બંગાળ પહોંચી ત્યારે તે દરમિયાન સીએમ મમતા બેનર્જીએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરીને ઇન્ડિયા એલાયન્સને પહેલો ફટકો આપ્યો હતો. આ પછી બિહારમાં વિપક્ષી એકતાનો ઝટકો આપીને નીતિશ કુમાર એનડીએમાં સામેલ થયા હતા. પંજાબમાં સીએમ ભગવંત માને કોંગ્રેસની ઘણી ટિકા કરી હતી. આ કારણે લાગતું હતું કે આ ગઠબંધન લોકસભા ચૂંટણી પહેલા જ તૂટી જશે, પરંતુ હવે અચાનક સ્થિતિ પલટાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં સપા અને કોંગ્રેસ વચ્ચે થયેલી ડીલ ઇન્ડિયા ગઠબંધન માટે સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ અને હવે અન્ય રાજ્યોમાંથી પણ વિપક્ષી પાર્ટીઓના ઇન્ડિયા ગઠબંધનના સકારાત્મક સમાચાર આવી રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં સીટ શેરિંગ ફાઇનલ થઇ ગયું
ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન પૂર્વ સીએમ અખિલેશ યાદવ તેમાં સામેલ ન થતા ગઠબંધન નહીં થાય તેવી સંભાવના બની હતી. જોકે બુધવારે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હેઠળ સીટ શેરિંગ ફોર્મ્યુલા સરળતાથી બની ગઈ. યૂપીમાં સપા 62 સીટો પર, કોંગ્રેસ 17 અને ચંદ્રશેખર આઝાદ 1 સીટ પર ફાઇનલ થઇ ગયું છે. યુપીમાં ગઠબંધન પૂર્ણ થયું અને અન્ય રાજ્યોમાંથી પણ સારા સમાચાર આવવા લાગ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે સહમત થતી દેખાઈ રહી છે. જાણકારી મુજબ દિલ્હીમાં આપ ચાર અને કોંગ્રેસ ત્રણ સીટો પર ચૂંટણી લડી શકે છે. આપ દક્ષિણ દિલ્હી, નવી દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી અને પશ્ચિમ દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસ નોર્થ ઇસ્ટ દિલ્હી, ચાંદની ચોક અને પૂર્વ દિલ્હી સીટ પર ચૂંટણી લડી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આપ અને કોંગ્રેસ વચ્ચે દિલ્હીમાં સમજૂતી થઈ શકે છે.
બંગાળમાં થઈ શકે છે સમજુતી
દિલ્હી ઉપરાંત આપ અને કોંગ્રેસ હરિયાણા, ગુજરાત, પંજાબમાં ગઠબંધન પર સહમત થઈ શકે છે, જેની જાહેરાત આગામી ત્રણ-ચાર દિવસમાં થઈ શકે છે. ભાજપ સામેની લડાઈમાં ઇન્ડિયા ગઠબંધન ફરી પાટા પર આવવાના સંકેત છે. ખાસ વાત એ છે કે બંગાળથી પણ સીટોની વહેંચણીમાં વાત થઈ શકે છે.
આ પણ વાંચો – કર્ણાટકમાં મંદિરો પર શું છે ટેક્સની જોગવાઈ? જેને સંતોએ જજિયા ટેક્સ ગણાવ્યો, સમજો સમગ્ર વિવાદ
સારી વાત છે કે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરનાર મમતા બેનર્જીએ હવે કોંગ્રેસને સીટોની વહેંચણીની ઓફર કરી છે. સૂત્રો કહે છે કે કોંગ્રેસને બે બેઠકો પર ચૂંટણી લડવાની ઓફર કરવામાં આવી છે. આ ઉપરાંત મેઘાલય અને આસામમાં ટીએમસી એક-એક બેઠક પર ચૂંટણી લડશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તુરા સીટને લઈને બંને વચ્ચે મામલો અટવાયો છે. કોંગ્રેસે આ સીટ ટીએમસીને આપવાની ના પાડી દીધી છે.
મહારાષ્ટ્રમાં પણ સર્વસંમતિ બની રહી છે!
યુપી, દિલ્હી, હરિયાણા, પંજાબ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને યુપી જેવા રાજ્યોમાં ઇન્ડિયા ગઠબંધનના પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીની વાતો થતી દેખાઈ રહી છે. જ્યારે મહારાષ્ટ્રમાં વિપક્ષી પાર્ટીઓ મહત્વના નિષ્કર્ષ પર પહોંચી શકે છે. શરદ પવાર અને રાહુલ ગાંધી વચ્ચે સીટોની વહેંચણીને લઈને ચર્ચા થઈ રહી છે. મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોની વાત કરીએ તો એનસીપી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી 38 બેઠકો પર સહમતી દર્શાવી છે અને 9 બેઠકો પર પેચ ફસાયેલો છે. માનવામાં આવી રહ્યું છે કે 27 ફેબ્રુઆરીએ મહા વિકાસ આઘાડી વચ્ચે થનારી બેઠક બાદ સીટો પર સહમતિ બની જશે.
આવી સ્થિતિમાં મોદી અને ભાજપ વિરોધી પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન, જે એક સમયે અંત તરફ ગયું હતું. ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેના થોડા સમય પહેલાં જ તે ફરી વિસ્તરવા લાગ્યું છે, જે વિરોધ પક્ષોની એકતાના મામલે રાહતના સમાચાર છે. ઇન્ડિયા ગઠબંધનની આ તાકાત ભાજપ માટે આકરા પડકારનું કારણ બની શકે છે.





