Jayant Chaudhary joining NDA : આરએલડીના એનડીએમાં જોડાવાની ઔપચારિક જાહેરાતની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. જેનો સોમવારે અંત આવ્યો છે. ઘણા દિવસોની અટકળોનો અંત લાવતા રાષ્ટ્રીય લોકદળ (RLD)ના વડા અને રાજ્યસભાના સાંસદ જયંત ચૌધરીએ સોમવારે જાહેરાત કરી કે તેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં જોડાઈ ગઈ છે.
પત્રકારો સાથે વાત કરતા જયંત ચૌધરી કહ્યું કે આ નિર્ણય પાછળ કોઈ મોટું આયોજન ન હતું. અમારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટૂંકા ગાળામાં આ નિર્ણય લેવો પડ્યો. જોકે કેટલાક ધારાસભ્યોને જયંત ચૌધરીનો એનડીએમાં સામેલ થવાનો નિર્ણય ગમ્યો નથી તેવા અહેવાલો મળી રહ્યા છે. સોમવારે આ અંગે જ્યારે જયંત ચૌધરીને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આ રિપોર્ટ અમારા ધારાસભ્યો સાથે વાત કર્યા વગર જ બનાવવામાં આવ્યા હતા.
જયંત ચૌધરીને સવાલ કરવામાં આવ્યો કે તમારા નિર્ણયથી નારાજગીના કારણે કેટલાક ધારાસભ્યો અયોધ્યા ગયા નથી. તો તેમણે કહ્યું કે કોઈ પણ મીડિયા ચેનલે આ પ્રકારના સમાચાર કર્યા છે તો મને નથી લાગતું કે તેમણે અમારા ધારાસભ્યો સાથે વાત કરી હોય. મેં મારા પક્ષના ધારાસભ્યો અને કાર્યકરો સાથે વાત કરી છે અને પછી નિર્ણય લીધો છે.
આ નિર્ણય પાછળ કોઈ મોટું પ્લાનિંગ ન હતું – જયંત ચૌધરી
આરએલડી ચીફે વધુમાં જણાવ્યું હતું કે એવું નથી કે આ નિર્ણય પાછળ કોઈ મોટું પ્લાનિંગ ન હતું. અમારે આ નિર્ણય ખૂબ જ ટૂંકા સમયમાં લેવો પડ્યો હતો. પરિસ્થિતિઓના કારણે લેવો પડ્યો અને અમારો ભાવ દેશ માટે સારો છે. અમે અમારા લોકો માટે કંઈક સારું કરવા માંગીએ છીએ અને જ્યારે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે. અમે બધા ખુશ છીએ. આ મોટું સન્માન માત્ર અમારા પરિવાર પૂરતું મર્યાદિત નથી, તે માત્ર મારી પાર્ટી પૂરતું મર્યાદિત નથી, તે દેશના ખેડૂતો અને ગરીબોનું સન્માન છે.
આ પણ વાંચો – બિહાર ફ્લોર ટેસ્ટ : વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે શું કહ્યું
જયંતે પાર્ટીના સંસ્થાપક અને તેમના દિવંગત પિતા ચૌધરી અજીત સિંહની જન્મજયંતિ પર આ જાહેરાત કરી હતી. આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા એનડીએમાં જોડાવવાના કારણે આરએલડી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગેમ ચેન્જિંગ સાબિત થઈ શકે છે. જોકે ભાજપ પાસે જયંતની મદદ વિના પણ પશ્ચિમ યુપી જીતવાની શક્તિ છે પરંતુ આ ગઠબંધનથી બન્ને પક્ષો વધારે મજબૂત બનશે.





