લોકસભા ચૂંટણી 2024 : નીતિશ અને તેજસ્વીને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું – આ વિપક્ષને એકજુટ કરવાની દિશામાં પગલું

Lok Sabha Elections 2024: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે અમે શક્ય તેટલી વધુ પાર્ટીઓને એક કરવાનો પ્રયાસ કરીશું અને ભવિષ્યમાં સાથે મળીને કામ કરીશું

Written by Ashish Goyal
April 12, 2023 16:21 IST
લોકસભા ચૂંટણી 2024 : નીતિશ અને તેજસ્વીને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું – આ વિપક્ષને એકજુટ કરવાની દિશામાં પગલું
નીતિશ કુમાર બિહારના ડિપ્ટી સીએમ તેજસ્વી યાદવ સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા (તસવીર - કોંગ્રેસ ટ્વિટર)

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 માં બધા જ વિપક્ષી દળો ભાજપને ઘેરવાની રણનીતિ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે વિપક્ષ લોકસભા ચૂંટણી પહેલા એકજુટ થઇ શકશે તે મોટો સવાલ છે. તમામ મતભેદો વચ્ચે આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા હતા. નીતિશ કુમાર બિહારના ડિપ્ટી સીએમ તેજસ્વી યાદવ સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા. અહીં પાર્ટી અધ્યક્ષ સાથે રાહુલ ગાંધીએ તેમનું સ્વાગત કર્યું હતું.

મિટિંગ પછી મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ વિપક્ષને એકજુટ કરવાની દિશામાં પગલું છે. જે પણ અમારી સાથે આવશે તેને સાથે લઇને ચાલીશું. વિપક્ષને એક કરવામાં ઘણું ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. 2024ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપ શાસિત કેન્દ્ર સરકાર સામે વૈચારિક લડાઈમાં તમામ વિપક્ષોને સાથે લઇશું.

રાહુલ ગાંધીનું નિવેદન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે નવી દિલ્હીમાં બેઠક યોજ્યા બાદ આવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષને એક કરવા માટે આ એક ઐતિહાસિક પગલું છે. અમે વિરોધ પક્ષોના વિઝનને વિકસાવીશું અને આગળ વધીશું. આપણે બધા સાથે મળીને દેશ માટે ઉભા રહીશું.

આ પણ વાંચો –  BSY પુત્ર, બોમાઈ, કર્ણાટક ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાં 52 નવા ચહેરા, શું છે ગણિત?

આ દરમિયાન નીતિશ કુમારે કહ્યું કે અમે શક્ય તેટલી વધુ પાર્ટીઓને એક કરવાનો પ્રયાસ કરીશું અને ભવિષ્યમાં સાથે મળીને કામ કરીશું. જેડીયુ, આરજેડી અને કોંગ્રેસ બિહારમાં ગઠબંધન સરકારમાં છે અને ભાજપ સામેની તેમની લડાઈમાં અન્ય વિપક્ષી દળોને એકસાથે એકસાથે લાવવા આતુર છે.

આગામી લોકસભા ચૂંટણી માટે વિપક્ષી એકતાનો પુનરોચ્ચાર કરતા ખડગેએ કહ્યું કે આજે અમે અહીં ઐતિહાસિક બેઠક કરી હતી અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમે બધાએ તમામ વિરોધી પક્ષોને એકજુટ કરીને આગામી ચૂંટણીઓ એકજુટ થઈને લડવાનો નિર્ણય લીધો છે.

મંગળવારે સવારે દિલ્હી પહોંચેલા બિહારના મુખ્યમંત્રી દિલ્હીમાં વિપક્ષના ઘણા નેતાઓને મળે તેવી સંભાવના છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો પણ સંપર્ક કર્યો છે અને આગામી સપ્તાહમાં તેઓ ટોચના વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ