મનોજ સીજી : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની નજર હાલમાં 2024ની લોકસભા ચૂંટણી પર છે. આ જ કારણ છે કે, છેલ્લા એક મહિનામાં તેઓ અનેક પક્ષોના નેતાઓને મળ્યા છે. તેઓ પોતાની રણનીતિના ભાગરૂપે બિન-ભાજપ મોરચો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ સામેલ છે.
આ વ્યૂહરચના હેઠળ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ આજે એટલે કે, સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળશે. વિપક્ષના અનેક નેતાઓ સાથે વાતચીતની વિગતો પણ શેર કરશે. આ વાતચીત દરમિયાન પટનામાં વિપક્ષના મોટા સંમેલનની તારીખ પણ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે.
નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે અંતિમ વખતે 12 એપ્રિલે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. તે સમયે એ નક્કી થયું હતુ કે, બિહારના મુખ્યમંત્રી 6 દળના નેતાઓનો સંપર્ક કરશે, જેમાંથી મોટાભાગના એવા છે કે, જે સૌથી જુની પાર્ટી સાથે સારા સમિકરણ શેર નથી કરતા અને ઓછામાં ઓછા બે એવા છે જે, વિપક્ષના પાલામાં નથી.
નીતિશ કુમાર ગયા મહિને આ નેતાઓને મળ્યા હતા
ગયા મહિને નીતિશ કુમારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કુમાર કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. તેમણે શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે અને NCP સુપ્રીમો શરદ પવાર ઉપરાંત ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન અને ડાબેરી નેતાઓ સીતારામ યેચુરી અને ડી રાજા સાથે પણ ચર્ચા કરી હતી.
નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ તેલંગણાના મુખ્યમંત્રી અને ભારત રાષ્ટ્ર સમિતી (બીઆરએસ)ના પ્રમુખ કે ચંદ્રશેખર રાવ અને વાયએસઆરસીપીના વડા અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડીને મળી શક્યા નથી. નીતીશ કુમાર ઇચ્છે છે કે, વિપક્ષો મત-વિભાજનને ટાળવા માટે ભાજપની વિરુદ્ધ વધુમાં વધુ બેઠકો પર સામાન્ય ઉમેદવાર ઊભા કરવાનો પ્રયાસ કરે.
ઘણા રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓ એકબીજાની વિરુદ્ધમાં છે
જોકે, ભાજપ સામે વિપક્ષી મોરચામાં અનેક અવરોધો છે. જેમાં રાજ્યોમાં અનેક વિપક્ષી પાર્ટીઓ એકબીજાની સામે ઉભા છે. જેમાં માત્ર પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાને જ ઉદાહરણ તરીકે જોઈ શકાય છે. સવાલ એ પણ છે કે, મોરચાનું નેતૃત્વ કોણ કરશે? વિપક્ષી નેતાઓ પણ માને છે કે, વિરોધ પક્ષો પાસે ભાજપ સામે એક થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
એ પણ નોંધનીય છે કે, મોટાભાગના વિરોધ પક્ષોએ વટહુકમ લાવવા માટે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે. જેણે દિલ્હી સરકારને મહત્વની સત્તાઓ સોંપતા તાજેતરના સુપ્રીમ કોર્ટના આદેશને અસરકારક રીતે રદ કર્યો હતો. મમતા બેનર્જીએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
મમતા બેનરજી એકલા હાથે ચૂંટણી લડવાનું એલાન કરી ચુકી છે
બીજી તરફ ભાજપ સામેની મોર્ચાબંધીને લઈ વિરોધ પક્ષને તે સમયે જોરદાર ફટકો પડ્યો, જ્યારે મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે, તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. જો કે, થોડા દિવસો પછી, તેમણે કહ્યું હતું કે, ટીએમસી કોંગ્રેસને તે બેઠકો પર સમર્થન આપવા તૈયાર છે, જ્યાં તે મજબૂત છે.
આ પણ વાંચો –
કોંગ્રેસે નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી નિર્ણાયક વિધાનસભા ચૂંટણી માટે વહેલી તકે ગ્રાઉન્ડ વર્ક શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કર્ણાટકમાં મળેલી જીતથી ઉત્સાહિત, પાર્ટી ટૂંક સમયમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં તેનું પ્રચાર અભિયાન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. કોંગ્રેસ નેતૃત્વએ ચૂંટણીની રણનિતી બનાવવા માટે 24મેના રોજ આ રાજ્યોના પ્રભારીઓ અને ઉચ્ચ નેતાઓની બેઠક બોલાવી છે.
ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો