લાલમની વર્મા : લોકસભા ચૂંટણી 2024 (લોકસભા ચૂંટણી 2024)ને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશમાં તમામ પાર્ટીઓની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન રવિવારે સમાજવાદી પાર્ટીએ રાજ્યમાં પોતાની કાર્યકારિણી સમિતિની જાહેરાત કરી દીધી છે. સૌને નવાઈ પમાડે તેવી વાત એ છે કે સપાએ આ યાદીમાં યાદવ સિવાયના ઓબીસી નેતાઓને વધુ જગ્યા આપી છે. સપા સતત તેના પર ‘યાદવોની પાર્ટી’નું ટેગ હટાવવાનો પ્રયાસ કરી રહી છે. મેયરની ચૂંટણીમાં પણ આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
2022માં યુપી વિધાનસભાની ચૂંટણી પછી સપા દ્વારા 182 સભ્યોની કારોબારી સમિતિને વિખેરી નાખવામાં આવી હતી. હવે નવી યાદીમાં 70માંથી 30 પદાધિકારી બિન યાદવ સમુદાયના છે. આ યાદીમાં માત્ર 5 યાદવ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં દલિત સમાજના સંખ્યાબંધ નેતાઓ છે, જે યાદવો કરતાં વધુ છે. આ યાદીમાં બ્રાહ્મણ સમાજના 5 આગેવાનો છે જ્યારે 2 એસટી સમાજના છે.
આ યાદીમાં સમાજવાદી પાર્ટીએ 12 મુસ્લિમ નેતાઓને સ્થાન આપ્યું છે. સપા ગત વિધાનસભા ચૂંટણીમાં મળેલા મુસ્લિમ સમુદાયના સમર્થનને ફરીથી યથાવત્ રાખવા માંગે છે, આ તેનો જ એક પ્રયાસ છે. સપાની સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટીમાં 70 પદાધિકારીઓ, 48 સદસ્ય અને 62 વિશેષ આમંત્રિતો છે.
સમાજવાદી પાર્ટીના પ્રદેશ એકમના પ્રમુખ નરેશ ઉત્તમ પટેલના નેતૃત્વમાં પદાધિકારીઓની ટીમમાં ચાર ઉપાધ્યક્ષ, ત્રણ મહાસચિવ, 61 સચિવ અને એક ખજાનચી છે. ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા નરેશ ઉત્તમ પટેલે કહ્યું કે નવી ટીમ સંતુલિત છે અને તેમાં તમામ જાતિઓ અને સમુદાયોના નેતાઓનો સમાવેશ થાય છે. આ બીજેપીનો પ્રોપેગેન્ડા છે કે સપા ફક્ત એક જાતિની પાર્ટી છે. સપાએ હંમેશાં તમામ જાતિઓ અને સમુદાયોને આદર અને પ્રતિનિધિત્વ આપ્યું છે.
સપા શા માટે બિન-યાદવ ઓબીસી પર ભાર મૂકી રહી છે?
અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના આ પગલાને બિન-યાદવ ઓબીસી સમુદાયના મત મેળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. યુપી પૂર્વની ઘણી બેઠકો પર સમર્થનનો આધાર ધરાવતા ઓ પી રાજભર એનડીએમાં સામેલ થઇ ગયા છે, જ્યારે મહાન દળના કેશવ દેવે માયાવતીને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો – બીજેપીના વોટર્સ અને સમર્થકોને રાક્ષસ ગણાવી કોંગ્રેસ સાંસદ રણદીપ સુરજેવાલાએ આપ્યો શ્રાપ, વીડિયો વાયરલ
2022માં સપાએ આરએલડી, મહાન દળ, અપના દલ કમેરાવાદી અને જનવાડી સોશિયાલિસ્ટ પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. આનાથી સપાને બિન-યાદવ ઓબીસી મતો મેળવવામાં પણ મદદ મળી હતી. આ ઉપરાંત સપાના ધારાસભ્ય ધારાસિંહ ચૌહાણ તાજેતરમાં ફરી ભાજપમાં જોડાયા છે.
નરેશ ઉત્તમ ઉપરાંત અન્ય બે કુર્મી નેતાઓને સપાની પ્રદેશ કારોબારી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. નવી ટીમમાં નિષાદ સમુદાયના ચાર નેતાઓ છે. અપના દલ એસ અને નિષાદ પાર્ટી સાથે ભાજપનું ગઠબંધન છે. આ પક્ષો અનુક્રમે કુર્મી સમુદાય અને નિષાદ સમુદાયમાં વર્ચસ્વ ધરાવે છે.
કયા ક્ષેત્રમાંથી કેટલા નેતાઓ?
ક્ષેત્ર પ્રમાણે વાત કરવામાં આવે તો ઇસ્ટ યુપીના 16 નેતા સપાની નવી યાદીમાં સામેલ છે. પશ્ચિમ યુપીમાં જ્યાં સપાનું આરએલડી સાથે ગઠબંધન છે, ત્યાં સપાની નવી યાદીમાં 12 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં ગાઝિયાબાદના ધર્મવીર ડબાસ અને બાગપતના શાલિની રાકેશને સામેલ કરવામાં આવ્યા છે. આ બંને જાટ સમુદાયના છે. ગ્રેટર નોઈડાના ગુર્જર નેતા સુનીલ ચૌધરીને આ યાદીમાં સ્થાન મળ્યું છે.
મુલાયમ સિંહ યાદવના પરિવારના મજબૂત કિલ્લા ગણાતા મૈનપુરી, કન્નૌજ અને ઇટાવાના કુલ સાત નેતાઓને કારોબારી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ વખતે શિવપાલના સમર્થકોને પણ સપાની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગત વર્ષે મુલાયમ સિંહના નિધન બાદ શિવપાલ સિંહ યાદવે પોતાની પાર્ટીને સપામાં ભેળવી દીધી હતી.
આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાનને સમાજવાદી પાર્ટીના નવા સચિવ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં જે 5 યાદવ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે તેમાં મહિમા યાદવ, લખન સિંહ યાદવ, અવધેશ યાદવ, રામસેવક યાદવ અને મહેતાબ સિંહને સામેલ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આમાંથી કોઇ પણ નેતાને ઉપાધ્યક્ષ કે મહામંત્રી તરીકે નિમણૂક થઇ નથી, આ પાંચને સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.





