SP Lok Sabha candidates : સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં સમાજવાદી પાર્ટીએ પાંચ લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ યાદીમાં શિવપાલ સિંહ યાદવને બદાયુથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે બદાયુથી પાર્ટીએ પોતાનો ઉમેદવાર બદલ્યો છે. આ પહેલા ધર્મેન્દ્ર યાદવને બદાયુથી ટિકિટ આપવામાં આવી હતી. સપાએ 80 લોકસભા સીટમાંથી 32 પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
ત્રીજી યાદીમાં શિવપાલ યાદવ ઉપરાંત કૈરાનાથી ઇકરા હસન, બરેલીથી પ્રવીણ સિંહ એરન, હમીરપુરથી અજેન્દ્ર સિંહ રાજપૂત અને વારાણસીથી સુરેન્દ્ર સિંહ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય સપાએ અમરોહા લોકસભા સીટ માટે મહેબૂબ અલી અને રામાવતાર સૈનીને પ્રભારી બનાવ્યા છે. ધર્મેન્દ્ર યાદવને કન્નૌજ અને આઝમગઢ સીટના પ્રભારી બનાવવામાં આવ્યા છે. મનોજ ચૌધરીને બાગપત લોકસભા સીટના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
બીજી યાદીમાં 11 ઉમેદવાર જાહેર કર્યા હતા
આ પહેલા સમાજવાદી પાર્ટીએ 19 ફેબ્રુઆરીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં સપાએ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. સપાની બીજી યાદીમાં મુઝફ્ફરનગરથી હરેન્દ્ર મલિક, આંવલાથી નીરજ મૌર્ય, શાહજહાંપુરથી રાજેશ કશ્યપ, હરદોઈથી ઉષા વર્મા, મિશ્રિખથી રામપાલ રાજવંશી, મોહનલાલગંજથી આરકે ચૌધરી, પ્રતાપગઢથી એસપી સિંહ પટેલ, બહરાઈચથી રમેશ ગૌતમ, ગોંડાથી શ્રેયા વર્મા, ગાઝીપુરથી અફઝલ અંસારી અને ચંદૌલીથી વિરેન્દ્ર સિંહના નામની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો – જ્યારે આરએલડી-ભાજપ વચ્ચે ડીલ થઈ ગઈ છે તો પછી જાહેરાતમાં વિલંબ કેમ, શેની જોવાઇ રહી છે રાહ?
ડિમ્પલ અને અક્ષય યાદવનું નામ પ્રથમ યાદીમાં હતું
સમાજવાદી પાર્ટીએ 30 જાન્યુઆરીએ તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં સંભલથી શફિકુર રહેમાન બર્ક, ફિરોઝાબાદથી અક્ષય યાદવ, મૈનપુરીથી ડિમ્પલ યાદવ, એટાથી દેવેશ શાક્ય, ખેરીથી ઉત્કર્ષ વર્મા, ધૌરહરાથી આનંદ ભદોરિયા, ઉન્નાવથી અનુ ટંડન, લખનઉથી રવિદાસ મેહરોત્રા, ફરુખાબાદથી નવલ કિશોર શાક્ય, અકબરપુરથી રાજારામ પાલ, બાંદાથી શિવશંકર સિંહ પટેલ, ફૈઝાબાદથી અવધેશ પ્રસાદ, આંબેડકર નગરથી લાલજી વર્મા, બસ્તીથી રામ પ્રસાદ ચૌધરી અને ગોરખપુરથી કાજલ નિષાદને ટિકિટ આપવામાં આવી હતી.