Lok Sabha polls 2024 : લોકસભા ચૂંટણી 2014 પહેલા ભારતીય જનતા પાર્ટીને દક્ષિણ ભારતના તમિલનાડુમાં ફટકો પડ્યો છે. એઆઈએડીએમકેએ ભાજપ સાથેનું ગઠબંધન તોડી નાખ્યું છે. પાર્ટી હવે એનડીએનો ભાગ નથી. અખિલ ભારતીય દ્રવિડ મુનેત્ર કઝગમે (AIADMK) સોમવારે કહ્યું હતું કે પાર્ટીએ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા તમિલનાડુમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધન સાથેના તમામ સંબંધો તોડવાનો નિર્ણય લીધો છે.
પાર્ટીએ જણાવ્યું હતું કે આ પગલું એક વર્ષથી એઆઈએડીએમકે અને તેમના નેતાઓ પર ભાજપના પ્રહારો અને બદનક્ષીભર્યા નિવેદનોના કારણે છે. ભાજપનું પ્રદેશ નેતૃત્વ છેલ્લા એક વર્ષથી અમારા ભૂતપૂર્વ નેતાઓ, અમારા મહાસચિવ ઇપીએસ અને અમારા કાર્યકર્તાઓ પર સતત બિનજરૂરી ટિપ્પણીઓ કરી રહ્યું છે. આજની બેઠકમાં આ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.
એનડીએમાંથી ખસી જવાનો નિર્ણય એઆઈએડીએમકે મુખ્યાલયમાં પાર્ટીના વડા એડપ્પડી કે પલાનીસ્વામી (ઈપીએસ)ની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો હતો. પૂર્વ મંત્રી અને વરિષ્ઠ નેતા કે પી મુનુસામીએ ચર્ચા-વિચારણા વિશે પત્રકારોને માહિતી આપતા કહ્યું કે પાર્ટીએ સર્વસંમતિથી એનડીએથી અલગ થવાનો અને આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં સમાન વિચારધારાવાળા પક્ષોના ગઠબંધનનું નેતૃત્વ કરવાનો સંકલ્પ કર્યો છે.
આ પણ વાંચો – અયોધ્યામાં 100 કરોડના ખર્ચે બનશે કમળ આકારનો ફુવારો, રામ મંદિરની ભવ્યતામાં લાગશે ચાર ચાંદ, જાણો ખાસિયતો
એઆઇએડીએમકેના એક્સ (અગાઉ ટ્વિટર) પરના સત્તાવાર પેજ પર જણાવાયું છે કે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે એઆઈએડીએમકે આજથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાંથી ખસી જશે. 2 કરોડ સ્વયંસેવકોના અભિપ્રાય અને ઇચ્છાઓને માન આપીને આ નિર્ણય કરાયો છે.
મીડિયા સાથે વાત કરતા એઆઈએડીએમકેના પ્રવક્તા સસિરેખાએ જણાવ્યું હતું કે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધન સાથે સંબંધો તોડવાનો ઠરાવ પક્ષના સભ્યોના અભિપ્રાય પર આધારિત છે અને પાર્ટી આગામી વિધાનસભા અને સંસદીય ચૂંટણીઓનો સામનો કરવામાં ખૂબ જ ખુશ થશે. સભ્યોના અભિપ્રાયના આધારે અમે આ ઠરાવ લઈ રહ્યા છીએ. એઆઈએડીએમકે માટે આ સૌથી ખુશીની ક્ષણ છે.
બીજી તરફ ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં ભાજપના નેતા કે.અન્નામલાઈ આ મુદ્દા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી બંને પક્ષો વચ્ચેના જોડાણનું ભવિષ્ય અસ્થિર લાગતું હતું, કારણ કે ભાજપના તામિલનાડુના વડા કે.અન્નામલાઈ અવારનવાર એઆઈએડીએમકે વિરુદ્ધ ટિપ્પણીઓ કરતા હતા અને ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ પણ તેમના પ્રત્યે નરમ વલણ દાખવતા હતા. બે અઠવાડિયા પહેલા અન્નામલાઈએ દ્રવિડના દિગ્ગજ નેતા સી એન અન્નાદુરાઈ વિશે ટિપ્પણી કરીને વિવાદ જગાવ્યો હતો.





