Liz Mathew : લોકસભા ચૂંટણી માટે ભાજપ સંપૂર્ણ રીતે તૈયાર છે. એક તરફ પ્રચાર શરૂ થઇ ગયો છે તેની સાથે ઉમેદવારોને લઈને મંથન પણ તેજ કરવામાં આવ્યું છે. મોટી વાત એ છે કે ભાજપ આ મહિનાના અંત સુધીમાં પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. માનવામાં આવે છે કે ભાજપ 150 થી 160 સીટો પર ઉમેદવારો જાહેર કરી શકે છે. આ વખતે પાર્ટીનું ફોકસ યુવા અને મહિલા નેતાઓ પર વધુ છે, એટલે કે કેટલાક મોટા ફેરફારો જોવા મળી શકે છે.
પાર્ટીની રણનીતિ મુજબ આ વખતે 70 વર્ષથી ઉપરના નેતાઓ માટે ચૂંટણી લડવી મુશ્કેલ છે. એવું નથી કે માત્ર વધારે ઊંમરના આધારે કોઈની ટિકિટ કેન્સલ થઈ રહી છે. જો કેટલાક ખાસ અનુભવી નેતાઓને છોડી દેવામાં આવે તો બાકીના માટે આ વખતે ટિકિટ મેળવવી મુશ્કેલ બની જશે. વર્તમાન લોકસભામાં ભાજપના 56 એવા સાંસદો છે જેમની ઉંમર 70ને પાર કરી ગઈ છે. રાજનાથ સિંહ જેવા શક્તિશાળી નેતાઓ પણ તેમાં સામેલ છે. હવે પક્ષ કોઈ મોટો ફેરફાર કરે છે કે સુરક્ષિત રીતે રમતા આવા દિગ્ગજોને ફરીથી મેદાનમાં ઉતારે છે. તેના પર સૌની નજર રહેશે.
વહેલી તકે ઉમેદવારોની જાહેરાત કરવી એ ભાજપની મોટી વ્યૂહરચનાનો એક ભાગ છે. તાજેતરમાં ત્રણ રાજ્યોમાં જ્યાં ભાજપે જંગી જીત નોંધાવી છે, ઉમેદવારો સમય પહેલા જાહેર કરવામાં આવ્યા હતા. તેના કારણે વ્યૂહરચના અને પ્રચાર કરવામાં સરળતા રહી અને પાર્ટીને તેનો ફાયદો પણ થયો. હવે લોકસભાની ચૂંટણીમાં પણ આ જ પ્રયોગનું પુનરાવર્તન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. એટલે જ જાન્યુઆરીના અંત સુધીમાં ઇન્ડિયા ગઠબંધન પહેલા જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે.
આ પણ વાંચો – અયોધ્યા રામ મંદિર : શ્રી રામ જન્મભૂમિ વિશે તમારે જાણવા જેવી મુખ્ય બાબતો
ભાજપ પોતાની યાદી લાવવાની તૈયારી કરી રહ્યું છે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનમાં સીટની વહેંચણી અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કયો પક્ષ ક્યાં અને કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે હજુ સ્પષ્ટ નથી. આંતરિક વિખવાદના કારણે મામલો અનેક રાજ્યોમાં અટવાયેલો જોવા મળી રહ્યો છે. આ જ સ્થિતિનો લાભ લઈને ભાજપ જનતાને સંદેશ આપવા માંગે છે કે તે વધુ તૈયાર છે અને ચૂંટણીની પિચ પર આક્રમક બેટિંગ કરવા જઈ રહી છે. આ કારણથી એવું માનવામાં આવે છે કે આ વખતે ભાજપ ગત વખત કરતા વધુ બેઠકો પર ચૂંટણી લડશે.
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે 437 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને 303 પર જીત મેળવી હતી. આ વખતે પાર્ટી આનાથી વધુ બેઠકો પર લડવા જઈ રહી છે, તે એવી બેઠકો પર પણ નજર રાખવા જઈ રહી છે જ્યાં તે એકવાર પણ જીતી નથી. મતલબ કે હારેલી બેઠકો પર બાજી કેવી રીતે પલટવામાં આવે તેના પર પણ મોદી-શાહ નજર રાખી રહ્યા છે.